ખંભાળિયામાં મોટરકાર મારફતે વિદેશી દારૂની હેરાફેરી સંદર્ભે ત્રણ સામે ગુનો નોંધાયો

  • June 07, 2021 11:00 AM 

પીધેલા આરોપીઓ ઝબ્બે કરાયાઃ ખંભાળિયામાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

ખંભાળિયામાં મોટરકાર મારફતે વિદેશી દારૂની હેરાફેરી કરવા સંદર્ભે ત્રણ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે પીધેલા આરોપીઓને ઝબ્બે લેવામાં આવ્યા છે, ઉપરાંત ખંભાળીયામાંથી દરોડા દરમ્યાન દેશી દારુની એક ભઠ્ઠી ઝડપાઇ ગઇ છે.

    ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે પોલીસે વિદેશી દારૂ અંગે દરોડો પાડી, આ પ્રકરણમાં ભાડથર ગામના ભીમસી કરણા દેથરીયા (ઉ.વ. 32), અને ચંદુ નાથાભાઈ સઠીયા (ઉ.વ. 30) તેમજ તાલુકાના કેશોદ ગામના કેતન ડાડુભાઈ નંદાણીયા (ઉ.વ. 27) નામના ત્રણ શખ્સોની અટકાયત કરી રૂપિયા 3,800 ની કિંમતની વિદેશી દારૂની સાડા નવ બોટલ તેમજ રૂપિયા બે લાખની કિંમતની સ્વીફ્ટ મોટરકાર મળી કુલ રૂપિયા બે લાખ 3,800 નો મુદ્દામાલ કબજે કરી, પ્રોહી. એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.
    આરોપી ચંદુ નાથાભાઈ દ્વારા વલસાડ ખાતે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે લાવી અને આરોપી ભીમસી દેથરીયાના કબજા ભોગવટાની સ્વિફ્ટ કારમાં અન્ય આરોપી કેતન નંદાણીયાને ઉપરોક્ત દારૂ વેચાણ કરવા ડીલેવરી કરવામાં આવતી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
   આટલું જ નહીં, મોડી રાત્રે પોલીસ કાર્યવાહી દરમ્યાન ભાડથર ગામેથી આરોપી ચંદુ નાથાભાઈ, ભીમશી દેથરિયા તથા કેતન ડાડુભાઈ કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવતા પોલીસે આ અંગે પણ તેઓ સામે વધુ એક ગુનો નોંધ્યો છે.

જ્યારે ખંભાળિયા નજીકના એક ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે વહેલી સવારે દેશી દારૂ અંગે દરોડાની કાર્યવાહી કરી, કંચનપુર ગામના પરસોતમ ગંગારામ સોલંકી નામના 55 વર્ષના પ્રૌઢ દ્વારા રાખવામાં આવેલા દસ લિટર દેશી દારૂ, બસો લીટર દારૂ બનાવવાનો આથો, ગેસ સિલિન્ડર, ગેસનો ચૂલો, કોઠી, ટાંકી સહિતના રૂપિયા 5,100 ની કિંમતના મુદ્દામાલ સાથે ઉપરોક્ત શખ્સની અટકાયત કરી, પ્રોહિબિશન એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS