અમદાવામાં ફરી 15 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આથી પોલીસ તંત્ર, બોબ્બ સ્ક્વોડ અને વાલીઓમાં દોડધામ મચી ગઈ હતી. સ્કૂલોને મળેલા ધમકીભર્યા ઇ-મેઇલમાં લખવામાં આવ્યું છે કે, મોદી-શાહ ખાલીસ્તાનના દુશ્મનો, તમારા બાળકોને બચાવી લો, 26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું.
મળતી માહિતી મુજબ શહેરની જાણીતી સંત કબીર સ્કૂલની ત્રણ બ્રાન્ચ, ડીપીએસ (બોપલ), સેન્ટ ઝેવિયર્સ (મેમનગર), કેલોરેક્ષ સ્કૂલ (ઘાટલોડિયા), સ્વયંમ સ્કૂલ, મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ (મીઠાખળી), જીનીવા બિલરલ સ્કૂલ (એસપી રિંગ રોડ), આર્મી સ્કૂલ (શાહીબાગ), જે ડી હાઇસ્કૂલ (નરોડા), રેડ બ્રિક્સ સ્કૂલ (સેટેલાઇટ), વિદ્યાનગર સ્કૂલ (ઉસ્માનપુરા), કેન્દ્રીય વિદ્યાલય (શાહીબાગ અને એપલ ગ્લોબલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યા છે. પોલીસ દ્વારા તમામ સ્કૂલોમાં બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરની અન્ય સ્કૂલોને પણ ધમકી મળી છે કે નહીં તે જાણવા સ્કૂલો દ્વારા ઇ-મેલ તપાસવામાં આવ્યા હતા.
બોમ્બથી ઉડાવવાની ધમકી મળવાના પગલે ફાયર બ્રિગેડની ટીમોને પણ જાણ કરી સ્કૂલો પર તપાસ માટે મોકલવામાં આવી હતી. સ્કૂલોમાં વાલીઓ બાળકોને લેવા પહોંચી ગયા હતા, સ્કૂલ દ્વારા જે વાલીઓને બાળક લઈ જવા હોય તેમને લઈ જવા દેવામાં આવ્યા હતા.
નવરંગપુરામાં આવેલી સંત કબીર હાઈસ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વાલીઓ બાળકોને લેવા માટે સ્કૂલે પહોંચ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, એક મહિના અગાઉ અમદાવાદમાં દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મત વિસ્તારની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં ઝેબર ,ઝાયડસ, અગ્રસેન અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 26 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. ધમકી મળતા જ સ્કૂલોમાં તપાસ શરૂ કરાઈ હતી. પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ-ડોગ સ્કવોડની ટીમ દ્વારા સ્કૂલોમાં તપાસ કરાઈ હતી. તમામ સ્કૂલોમાંથી કોઈપણ સ્કૂલમાંથી સંદિગ્ધ વસ્તુ ન મળતા તપાસ પૂર્ણ કરાઈ હતી.