BREAKING NEWS

બિયારણ અને ખાતરના વેચાણમાં ગેરરીતિ આચરનારાઓને હવે સીધા જેલભેગા કરાશે: કૃષિ મંત્રી જીતુ વાઘાણીની સ્પષ્ટ શબ્દોમાં ચીમકી

  • June 11, 2026 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે રાજ્ય સરકાર હવે વધુ આક્રમક બની છે. ખાસ કરીને ચોમાસુ સીઝનની શરૂઆત સાથે જ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓના વેચાણમાં થતી ગેરરીતિઓ અને ભેળસેળને ડામવા માટે કૃષિ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે, ખેડૂતોના હિત સાથે ચેડાં કરનારા કોઈપણ તત્વોને રાજ્ય સરકાર હવે સાંખી લેશે નહીં.


આ અંગેની માહિતી આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, 'આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫' હેઠળ ખાતર અને બિયારણની ગુણવત્તા જાળવવા માટેના કેન્દ્ર સરકારના હુકમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. હવે જો કોઈ સંસ્થા કે વિક્રેતા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા પકડાશે, તો માત્ર તેમનું લાયસન્સ રદ કરવા પૂરતું સીમિત નહીં રહે, પરંતુ તેમની સામે સીધી પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે. એટલું જ નહીં, આવા ગુનેગારો સામે 'ધ પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેઈન્ટેનન્સ ઓફ સપ્લાય ઓફ એસેન્શિયલ કોમોડિટી એક્ટ, ૧૯૮૦' હેઠળ જેલની સજા અને દંડની જોગવાઈઓ સાથેના કડક આદેશો પણ આપી દેવામાં આવ્યા છે.

સરકાર દ્વારા સબસિડીયુક્ત ખાતરના વેચાણમાં થતી કાળાબજારી રોકવા માટે પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યભરમાં તમામ ખાતર વિક્રેતાઓના પીઓએસ મશીન, ભૌતિક જથ્થાની ચકાસણી, રેકોર્ડ અને બિલોની નિયમિત તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ દરમિયાન કૃષિ વિભાગની ૨૭૬ ટીમો અને વિજિલન્સ સ્ક્વોર્ડ દ્વારા કુલ ૬,૩૮૦ ઉત્પાદકો, વિક્રેતાઓ અને શંકાસ્પદ એકમોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ખાતર, દવા અને બિયારણના કુલ ૨૪૬ લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ કરવામાં આવ્યા હતા, તથા કાયદાનો ભંગ કરનારા ૨૬ તત્વો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

રાજ્ય સરકારના આ કડક વલણને કારણે બિયારણ અને ખાતરના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે, જે આવનારા સમયમાં કૃષિ સામગ્રીના વેચાણમાં પારદર્શિતા લાવવા માટે મહત્વનું પગલું સાબિત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application