દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન અનાથ બનેલા તેર બાળકોને “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” હેઠળ લાભ અપાયો

  • July 08, 2021 10:32 AM 

મુખ્યમંત્રીના હસ્તે “મુખ્યમંત્રી બાળ સેવા યોજના”નો પ્રારંભ કરાયો

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે જિલ્લા બાળ સુરક્ષા વિભાગના દ્વારા કોરોનાના કારણે માતા-પિતા બંનેનું અવસાન થયું હોય અને અનાથ બન્યા હોય તેવા બાળકોના ભરણપોષણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારી માટે તાલીમ, લોન અને સહાય આપવા “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” લોન્ચીંગનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યાની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ યોજનાના લાભાર્થીના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત બાળકોને શૈક્ષણિક કિટ અને યોજના આદેશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

   આ પ્રસંગે ડીજીટલ માધ્યમ થકી રાજ્યવ્યાપી યોજનાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના કારણે માતા અને પિતા બંને મૃત્યુ પામ્યા હોય અને અનાથ બન્યા હોય તેવા દરેક બાળકની રાજ્ય સરકારે ચિંતા કરી છે. સરકાર નોંધારાનો આધાર બની હોવાનું જણાવી, આવા બાળકોના ભરણપોષણ, શિક્ષણ, આરોગ્ય સહિતની વિવિધ બાબતોમાં તેમને તકલીફ ન પડે અને આ બાળક તેમના પાલક માતા-પિતા માટે બોઝા રૂપ ન બને અને એક જવાબદાર નાગરીક બને તે માટે 18 વર્ષ સુધીના તમામ એવા બાળકો જેના માતા-પિતા બંને કોરોનાના સમયગાળામાં મૃત્યુ પામ્યા છે, તેમના માટે રાજ્ય સરકારે કોઈ પણ આવક મર્યાદાને ધ્યાને લીધા વગર આ યોજનાનું લોન્ચીંગ કર્યું છે તેમ જણાવ્યું હતું.

    વધુમાં તેમણે 18 વર્ષ પૂર્ણ કર્યા પછી આ પૈકી જે બાળકોનો અભ્યાસ ચાલુ હોય તેમને અભ્યાસ પૂર્ણ થાય અથવા તો તે બાળક 24 વર્ષનું થાય બંનેમાંથી જે વહેલું હોય તે મુજબ આફ્ટર કેર યોજના હેઠળ લાભ આપવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

    આ પ્રસંગે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમારએ દુઃખમાં સાથી બનવું અને પીડીતોની મદદ કરવી એ રાજ્ય સરકારનો મંત્ર છે. તેમ જણાવી કોરોનાકાળ દરમિયાન માતા-પિતાના મૃત્યુથી અનાથ બનેલા બાળકોની સુરક્ષા અને અધિકારો માટે આ યોજના આશીર્વાદ રૂપ બનેશે તેમ જણાવ્યું હતું.

     તેમણે બાળકોના સ્વર્ણિમ ભવિષ્ય માટે અમલીકરણ કરાયેલ આ યોજના હેઠળ સહાય પેટે દર માસે લાભાર્થી બાળક દીઠ રૂપિયા ચાર હજાર બાળકના ખાતામાં 18 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી મળશે તેમ પણ ઉમેર્યુ હતું.

     આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યાએ ઉપસ્થિત લાભાર્થી બાળકોને સારી રીતે અભ્યાસ કરવા જણાવી તેમના પાલક માતા-પિતાને પણ બાળકને પોતાનું બાળક સમજી તેમને મળેલ જવાબદારીને યોગ્ય રીતે નિભાવી બાળકને એક જવાબદાર નાગરીક બને તે પ્રમાણે તેમનો ઉછેર કરવા જણાવ્યું હતું.

   અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તેર બાળકોને આ યોજના હેઠળ લાભ આપવામાં આવી રહ્યો છે.

     આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, ખંભાળિયા નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, ચાઈલ્ડ વેલ્ફેર કમીટી ચેરપર્સન અને સભ્ય, જૂવેનાઈલ જસ્ટીસ બોર્ડના સભ્ય, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પી.એમ. ખેરાળા સહિત સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS