દ્વારકા જિલ્લામાં એક સપ્તાહમાં ત્રીજી હત્યા: રિસામણે બેઠેલી પત્નીને મળવા જતા મીઠાપુરના યુવાનની નિર્મમ હત્યા

  • June 02, 2021 11:16 AM 

પત્નિ, સાળા તથા સાસુએ મળી હથિયારો વડે યુવાનનું ઢીમ ઢાળી દીધું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પંથકમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન બીજી હત્યા સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગતરાત્રે હત્યાનો ત્રીજો બનાવ બન્યો છે. જેમાં મીઠાપુર વિસ્તારમાં 35 વર્ષીય હિન્દુ વાઘેર યુવાનને મોડી રાત્રીના સમયે રિસામણે બેઠેલી પત્નિને મળવા ગયેલા આ યુવાનને તેમના પત્નિ, સાસુ તથા સાળાએ મળી, હથિયારો વડે જાનથી મારી નાખવાનો બનાવ સામે આવ્યો છે.

આ ચકચારી બનાવની વિગત મુજબ દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા ખેંગારભા સુમલાભા માણેક નામના આશરે 35 વર્ષના હિન્દુ વાઘેર યુવાનને તેમની ધર્મપત્ની સમજુબેન સાથે કોઈ બાબતનું મનદુઃખ હોય, છેલ્લા આશરે બે માસથી સમજુબેન તેઓના પાંચ વર્ષિય પુત્ર આર્યન સાથે પોતાના માવતરે રિસામણે બેઠી હતી.

આ દરમિયાન ગત રાત્રીના આશરે સવા વાગ્યાના સમયે ખેંગારભા માણેક પોતાના માવતર રહેલા પત્ની સમજુબેનને મળવા સુરજકરાડીના શક્તિનગર વિસ્તારમાં જતા કોઈ કારણોસર ઉશ્કેરાઈ ગયેલા તેમના પત્ની સમજુબેન, સાળા ખેંગારભા બુધાભા ભઠડ અને સાસુ ધનબાઈ બુધાભા ભઠડ પાઈપ, કુહાડી જેવા હથિયારો વડે તૂટી પડયા હતા.

પત્નીના રિસામણે હોવા બાબતનો ખાર રાખી, તીક્ષ્ણ અને ઘાતક હથિયારો વડે ખેંગારભાઈ માણેક પર સાસુ, સાળા અને પત્નિ તૂટી પડતાં તેઓ ઘટના સ્થળે જ ફસડાઈ પડયા હતા અને લોહીલુહાણ હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ બનતા દ્વારકાના પી.આઈ. પી.બી. ગઢવી તથા મીઠાપુરના પી.એસ.આઇ. સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક ખેંગારભાના મુતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી.

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ કનુભા સુમભા ઉર્ફે સુમલાભા માણેક (ઉ.વ. 37, રહે. નરસંગ ટેકરી, દ્વારકા) ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે મૃતકની પત્ની સમજુબેન, સાળા ખેંગારભા તથા સાસુ ધનબાઈ સામે આઇ.પી.સી. કલમ 302, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી ઉપરોક્ત આરોપીઓને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરી છે.

ત્યારે આ બનાવ સંદર્ભે અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીના વડપણ હેઠળ ડોગ સ્કવોડ તથા એફ.એસ.એલ.ના નિષ્ણાંતોની મદદ પણ લેવામાં આવી છે. આ પ્રકરણના આરોપીઓ નજીકના સમયગાળામાં ઝડપાઈ જવાની શક્યતા પોલીસ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

સાસરિયાઓ દ્વારા જમાઈની નિર્મમ હત્યા આ બનાવે ઓખા મંડળ સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે ચકચાર જગાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS