રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર ગિરિરાજ હોસ્પિટલની બાજુમાં સાંઈનગર સોસાયટીમાં રહેતા રમણીકભાઈ વાલજીભાઈ સાંણદિયા (ઉ.વ 57) દ્વારા પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને તરઘડી ગામે જામનગર હાઇવે પર ઉમિયા ટી પ્રાઇવેટ લિ. નામની ફેકટરી આવેલી છે. જેમાં ચાની ભૂકીનું પેકિંગ કરી વેચાણ કરે છે. આ ફેક્ટરીમાં 45 જેટલા કર્મચારીઓ કામ કરે છે.
ગઈ તારીખ 14/4 ના તેઓ ફેક્ટરીએ રાબેતા મુજબ કામ પતાવી સાંજના ઘરે પરત ફર્યા હતા. બીજા દિવસે એટલે કે તા. 15 ના સવારના આઠેક વાગ્યે ફેક્ટરીના એકાઉન્ટન્ટ નિકુંજભાઈ સરધારીયાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારી ઓફિસ તથા જનરલ ઓફિસમાં બધી વસ્તુ વેરવિખેર પડી છે અને તમારી ઓફિસમાં રાખેલ તિજોરી લોખંડની સાંગળી(મોટી કોશ) વડે કાઢી ગયેલ છે અને અહીં સાંગળી પણ પડી છે જેથી ફરિયાદી તુરંત રાજકોટથી અહીં ફેક્ટરીએ પહોંચ્યા હતા.
ફેક્ટરીએ પહોંચી તપાસ કરતા ઓફિસમાં તિજોરી રાખી હોય જેમાં રોકડ રૂપિયા 7 લાખ રાખી હતી તે સાથેની તિજોરી ચોરી થઈ ગયાનું માલુમ પડ્યું હતું તેમજ ઓફિસમાં રહેલ બધા કબાટ ખુલ્લા હતા. ત્યારબાદ અહીંના સીસીટીવી ફૂટેજ ચેક કરતા સ્ત્રીના વેશમાં એક પુરુષ મોઢે બુકાની બાંધી રાત્રિના સવા બાર વાગ્યા આસપાસ ફેક્ટરીમાં આવતો હોવાનું નજરે પડ્યું હતું.
દરમિયાન રાજકોટના ભકિતનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયાની રાહબરી હેઠળ પીએસઆઇ જે.જી.ગોહિલ તથા તેમની ટીમ તપાસમાં હતી દરમિયાન કોન્સ. ક્રિપાલસિંહ ગોહિલ, મહાવિરસિંહ ચુડાસમાને બાતમી મળી હતી કે, અંકિત વિકાણી નામનો શખસ રાજ કમલ ફાટક તરફથી ઢેબર રોડ પરથી પસાર થવાનો છે તેની પાસે શંકાસ્પદ મુદામાલ છે.જેથી પોલીસે વોચ ગોઠવી ઢેબર રોડ પરથી આ શખસને ઝડપી લીધો હતો.
પોલીસની પુછપરછમાં આ શખસનું નામ અંકિત મહાદેવભાઇ વિકાણી(ઉ.વ ૨૪ રહે. લીલાપર રોડ, આવાસ યોજના કવાટર્સ, બી.૧૪,મોરબી) હોવાનું માલુમ પડયું હતું.પોલીસે તેની સઘન પુછતાછ કરતા ચોરીના આ બનાવનો ભેદ ઉકેલાઇ ગયો હતો.પોલીસે આરોપી પાસેથી રોકડ રૂ.૭ લાખ તથા તિજોરી,ડીસમીસ,માસ્ક તથા બાઇક સહિત રૂ. ૭.૫૧ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપી સામે અગાઉ મોરબી જિલ્લામાં ચોરીના ત્રણ અને ગોંડલ સિટી બી ડિવિઝનમાં ચોરીનો એક ગુનો નોંધાઇ ચૂકયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech