તા.૨૪ના રોજ રાજયપાલ અને મુખ્યમંત્રીનો કાફલો જામનગર આવે તેવી શકયતા

  • February 16, 2024 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિગ્નેચર બ્રિજના ઉદઘાટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોય જામનગરની કેટલીક હોટલો અને રિસોર્ટ પણ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ માટે બુક કરાયા: તંત્ર કામે લાગ્યું

આગામી તા.૨૪ અને ૨૫ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે સિગ્નેચર બ્રિજનું ઉદઘાટન કરવા આવી રહ્યા છે ત્યારે તૈયારીનો ધમધમાટ શરુ થઇ ગયો છે, અધિકારી લેવલની અનેક મીટીંગો થઇ છે, દ્વારકામાં સુરક્ષા ચક્ર અત્યારથી જ ધીરે-ધીરે ગોઠવાઇ રહ્યું છે, તમામ હોટલો, ધર્મશાળાઓમાં કડક ચેકીંગ અને જેમની પાસે પ્રુફ ન હોય તેવા કોઇને પણ હોટલ કે ધર્મશાળામાં પ્રવેશ ન આપવા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ કડક સુચના આપી દીધી છે ત્યારે સંભવત તા.૨૪ના રોજ બપોરના બાદ રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ મંત્રીમંડળના કેટલાક મંત્રીઓ જામનગર આવે તેવી શકયતા છે અને અહીંથી મોટર માર્ગે દ્વારકા જશે. અધિકારીઓને તાકીદ કરી દેવામાં આવી છે કે, વીવીઆઇપીઓ માટે જામનગરનું સર્કિટ હાઉસ, કેટલીક હોટલો, રીસોર્ટને પણ તા.૨૪-૨૫ બે દિવસ બુક કરી લેવા અને સમગ્ર જિલ્લાની દરિયાઇ પટ્ટી ઉપર હેલીકોપ્ટર મારફત તા.૨૦ થી ૨૪ સુધી સતત પેટ્રોલીંગ કરવું તેવી સુચના અપાઇ છે.
રાજયપાલ અને મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો જામનગર આવવાનો હોય જિલ્લા કલેકટર ભાવીન પંડયા, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ, એસ.પી. પ્રેમસુખ ડેલુ, અધિક કલેકટર ભાવેશ ખેર સહિતના ઉચ્ચ અધિકારીઓ સતત મીટીંગ કરી રહ્યા છે, બીજી તરફ દ્વારકાના કલેકટર જી.ટી.પંડયા, એસ.પી. નિતેશ પાંડે, એસડીએમ ભગોરા, ડીવાયએસપી સમીર શારડા, અધિક કલેકટર જોટાણીયા, ડીવાયએસપી પરમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સતત મીટીંગ કરી રહ્યા છે તેમજ દેવભુમિ દ્વારકાના પ્રભારી સચીવ મુકેશ પંડયા અધિકારીઓ સાથે સતત સંકલન કરી રહ્યા છે.
ગઇકાલે પણ ઉચ્ચ અધિકારીઓની મીટીંગ યોજાઇ હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨૪ના રોજ રાત્રે દ્વારકામાં રોકાણ કરવાના હોય તે માટેની વ્યવસ્થા તેમજ જો જનસભાને સંબોધન કરે તો તા.૨૫ના રોજ સવારે દ્વારકાના એન.ડી.એચ. હાઇસ્કુલના મેદાનમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવો અને એસઆરપીની કુમક પણ તૈયાર રાખવી. દ્વારકામાં છેલ્લા ત્રણ દિવસથી કુતરા અને પશુઓ પકડવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે અને દ્વારકા નગરપાલિકા દ્વારા તમામ મહત્વના પોઇન્ટ ઉપર સ્વચ્છતા રહે, એસ.ટી. અને રેલ્વે સ્ટેશન ઉપર પણ સામુહીક સફાઇ થાય તે માટેની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આખો કાર્યક્રમ હજુ પીએમઓ ઓફીસ દ્વારા જાહેર નથી કરાયો પરંતુ છેલ્લા ત્રણ દિવસથી જામનગરના તમામ ઉચ્ચ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે અને રાજયપાલ અને મુખ્યમંત્રી જામનગર આવનાર હોય તે માટેની પ્રોટોકોલ સહિતની તમામ વ્યવસ્થા પણ ગોઠવવા માટે જામનગરનું વહિવટી તંત્ર કામે લાગ્યું છે. દ્વારકાની સભા અને ઓખાના સિગ્નેચર બ્રિજના ઓપનીંગ વખતે પણ જામનગરના કેટલાક પોલીસ જવાનો અને ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજકોટ અગાઉ જામનગર ફરજ બજાવી ચૂકેલા અધિકારીઓને દ્વારકા ફરજ સોંપી દેવામાં આવી છે.
એવી પણ માહિતી મળી છે કે દેવભુમિ દ્વારકા જિલ્લા અને જામનગરમાં ડીડીઓ, કલેકટર અને પોલીસ વડા તરીકે અગાઉ ફરજ બજાવી ચૂકેલા ચુનંદા અધિકારીઓને પણ ત્રણ દિવસ સુધી એટલે કે ૨૩ થી ૨૫ સુધી દ્વારકાનો હવાલો સોંપી દેવામાં આવશે, રાજયના મુખ્ય સચીવ દ્વારા પણ તમામ અધિકારીઓ સાથે સતત સંપર્ક શરુ કરી દેવામાં આવ્યો છે અને અધિકારીઓ સતત દોડધામ કરી રહ્યા છે. જામનગરમાં રાજયના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ આવશે ત્યારે તેમની રોકાણ વ્યવસ્થા અને જમવાની વ્યવસ્થા પણ તંત્ર અત્યારથી ગોઠવી રહ્યું છે, જો કે મુખ્યમંત્રી ભાજપના કાર્યકરોને કઇ રીતે મળશે તેનો કાર્યક્રમ કેવો હશે તે હજુ કંઇ નકકી થયું નથી પરંતુ અત્યારે તો આ બંને મહાનુભાવો જામનગર આવે તેવી પુરી શકયતા છે. જો કે વડાપ્રધાનનો કાર્યક્રમ છેલ્લી ઘડીએ પણ ફરી શકતો હોય છે અને સમયમાં પણ ફેરફાર થતાં હોય છે, અત્યારે દ્વરાકામાં તા.૨૫ના રોજ જનસભાને સંબોધશે તેવું નકકી થઇ ગયું છે, પરંતુ હજુ પીએમઓ ઓફીસ દ્વારા સતાવાર જાહેરાત કરવાની કોઇ સ્પષ્ટ સુચના સ્થાનિક વહિવટી તંત્રને આપવામાં આવી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News