ગોંડલમાં વૃધ્ધાના બંધ મકાનમાંથી રોકડ- દાગીના સહિત રૂપિયા ૩.૪૮ લાખની ચોરી

  • May 31, 2025 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં વૃધ્ધાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અહીંથી રોકડ રૂ. ૨.૧૦ લાખ તથા સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. ૩.૪૮ લાખની મત્તાની ચોરી થયા અંગે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. વૃધ્ધા ધારી લગ્નપ્રસંગમાં જતા પાછળથી તેમના બંધ મકાનમાંથી તસ્કરો હાથફેરો કરી ગયા હતાં. પોલીસે ચોરીના બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.


ગોંડલના ભોજરાજપરામાં ૧૫/૨૦ ના ખૂણે રહેતા ભાવનાબેન રમેશભાઇ ન્યાલચંદભાઇ દોશી (ઉ.વ ૬૦) નામના વૃધ્ધાએ ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અહીં એકલા જ રહે છે. પતિનું અગિયાર માસ પૂર્વે અવસાન થયું છે. સંતાન નથી.


ગઇ તા.૧૬/૦૫/૨૫ ના સવારના સાડા છએક વાગ્યા આસપાસ ફરિયાદી તથા તેમના બહેન નિતાબેન, નયનાબેનની દિકરી મયુરી તથા તેનો દિકરો આદી સહિત બાધાને ધારી ખાતે પ્રસંગમા જવાનુ હોય જેથી ફરિયાદીની બહેન તથા બહેનની દિકરી તથા તેનો દિકરો એમ ત્રણેય આગલા દિવસે તા. ૧૫/૦૫/૨૫ ના સાંજના છએક વાગ્યાની આસપાસ ફરિયાદીના ઘરે આવી રોકાયા હતાં. બીજા દિવસે સવારમા સાડા છએક વાગ્યાની આસપાસ રિક્ષા કરાવી ચારેય એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે ઉતરેલ અને ત્યાથી એસ.ટી બસમા બધા ધારી જવા નીકળી ગયેલ અને ધારીમા પ્રસંગ પુરો કર્યા બાદ ફરિયાદીના ભાઇ ગીરીશભાઇએ એક ઇકો ગાડી જામજોધપુર સુધીની બાંધેલ હોય જેમા ફરિયાદી બેસી ગોંડલ આવવા નીકળી ગયેલ અને રાત્રીના અગીયારેક વાગ્યની આસપાસ ગોંડલ આવેલ ત્યારે ફરિયાદીને તેના ભાઇ ગીરીશભાઈ, ભાણેજ જમાઇ ઋશભભાઈ તથા નિતાબહેન તથા મયુરીબહેન તેનો દિકરો આદી એમ બધા ઘરે ઉતરવા આવ્યા હતાં.


ઘરની ડેલી ખોલી અંદર જોતા હોલના દરવાજાનો નકુચો તુટી ગયેલ જોવામા આવ્યો હતો જેથી વુધ્ધાએ ભાઇ સહિતનાને બોલાવી હોલમા પ્રવેશ કરી અંદરનો ડાબી બાજુનો રૂમ કે જેમા મે કબાટમાં રોકડ રૂપીયા તથા દાગીના રાખેલ તે રૂમમાં જોતા બધો સામાન વ્યવસ્થિત હતો જેથી લાકડાના કબાટમા રાખેલ ચાવી લઇ લોખંડનો કબાટ ખોલી જોતા કબાટમા રાખેલ રોકડા ૨,૧૦,૦૦૦ તથા જુના સોનાના દાગીના જેમા સોનાના પાટલા એક જોડી આશરે ૩૪ ગ્રામના કિ.રૂ. ૬૬,૦૦૦ તથા સોનાની વીંટી બે નંગ આશરે દસ ગ્રામની કિ.રૂ. ૩૬,૦ ૦૦, સોનાની બુટી એક જોડી આશરે બે ગ્રામની કિ.રૂ. ૧૧,૦૦૦ તથા સોનાના છીપવાળા પાટલા એક જોડી આ શરે સાડા ત્રણ ગ્રામના કિ.રૂ. ૫૦૦૦, ચાંદીનો જુડો, મંગળસુત્ર સાકળા, ચાંદીનો સેટ, મોતીનો સેટ, માળા,બુટી.વીટી, મોતીની બંગડી એમ આશરે રૂ.૨૦,૦૦૦ નો એમ રૂ. ૧,૩૮,૦૦૦ તથા રોકડ રૂ. ૨,૧૦,૦૦૦ એમ કુલ ૩.૪૮ લાખની ચોરી થયા અંગે આ ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે ગુનો નોંધી તસ્કરના સગડ મેળવવા શોધખોળ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application