ખારાઘોડામાં ધોળા દિવસે બંધ મકાનમાં ચોરી

  • March 05, 2021 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામે ધોળા દિવસે બંધ મકાનમાં ચોરીની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. મકાન માલિક પોતાના ચાર સંતાનો સાથે ખેતરમાં અને પત્નિ આંગણવાડીમાં નોકરી કરવા ગઇ હતી પાછળથી તસ્કરો રૂ. ૩૦૦૦૦ રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. ૬૫,૫૦૦નો મુદામાલ ચોરી કરી પલાયન થઇ ગયા હતા.


પાટડી પથંકમાં અગાઉ થયેલી ચોરીઓનો ભેદ હજી ઉકેલાયો નથી ત્યાં પાટડી તાલુકાના ખારાઘોડા જૂનાગામ ખાતે રહેતા રતિલાલ ત્રીભોવનભાઇ સોલંકી (ઉં.વ.૫૨) સવારે ૧૦ વાગ્યાના સુમારે પોતાના ચાર સંતાનોને લઇને ખેતરે ગયા હતા. અને એમની આંગણવાડીમાં કામ કરતી પત્નિ મીનાબેન સોલંકી ઘરના દરવાજાને લોક મારી આંગણવાડીમાં નોકરી કરવા ગયા હતા. ત્યારે તસ્કરોની ગેન્ગે ધોળા દિવસે આ બંધ મકાનનું તાળું તોડી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અનાજના પીપડામાં રાખેલા રોકડા રૂ. ૩૦,૦૦૦ અને કબાટના તાળા તોડી એમાંથી રૂ. ૧૫,૦૦૦ની કિંમતના બે ચાંદીના છડા, રૂ. ૧૦,૦૦૦ની કિંમતના ૨ ગ્રામ સોનાના દાગીના, રૂ. ૫૦૦ની કિંમતની સોનાની નાકની ચૂંક, રૂ. ૮૦૦૦ની કિંમતના ચાંદીના ઘરેણા અને કબાટમાં રાખેલા રૂ. ૮૦૦૦ મળી કુલ રૂ. ૬૫,૫૦૦ના મુદામાલની ચોરી કરી મકાન માલિક આવે એ પહેલા પલાયન થઇ ગયા હતા.


મકાન માલિક રતીલાલ ત્રીભોવનભાઇ સોલંકીએ ખેતરથી ઘેર આવ્યા બાદ ઘરનું બારણું તુટેલુ અને ઘરનો સામાન વેરણ છેરણ હાલતમાં મળી આવ્યા બાદ એમને ચોરી થયાની જાણ પાટડી પોલિસને કરતા પાટડી પીએસઆઇ વી.એન.ચૌધરી અને ભાવેશભાઇ સહિતનો પોલિસ સ્ટાફ તાકીદે ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મકાન માલિકની ફરીયાદના આધારે પાટડી પોલિસે ચોરી અંગેનો ગુન્હો દાખલ કરી ડોગ સ્કવોડ, ફ્રિન્ગર પ્રિન્ટ નિષ્ણાંત અને એફએસએલ ટીમની મદદ લઇ તસ્કરોની ગેન્ગને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ વી.એન.ચૌધરી ચલાવી રહ્યાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS