રાજકોટ શહેરના કોઠારીયા મેઇન રોડ પર યાદવનગરમાં નંદા હોલની સામે આવેલા વડલાવાળી હાથીધરાવાળી મેલડી માંના મંદિરમાંથી ચાંદીના છત્તર સહિતની ચોરી થઈ હતી. જે અંગે ભક્તિનગર પોલીસે તપાસ ધરી ચોરી કરનાર જુના ગણેશ નગરમાં રહેતા શખસને ઝડપી લીધો હતો.આ શખસ પાસેથી રૂપિયા 7,200 નો મુદ્દામાલ કબજે કરી ચોરીના આ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.ચોરીના આ બનાવ અંગે કોઠારીયા મેઇન રોડ પર નંદા હોલની સામે યાદવનગર શેરી નંબર-૧ માં રહેતા રણમલભાઈ ગોવિંદભાઈ બોરીચા (ઉ.વ.42) દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે, તેમના ઘરની સામે આવે વડલાવાળી હાથીધરાવાળી મેલડીમાના મંદિરનો વહીવટ તેઓ સંભાળે છે અને અહીં દેખરેખ રાખે છે. ગઈ તા. 30/4/2026 ના તેઓ નિત્યક્રમ મુજબ મંદિરે સવારે છ વાગ્યે આરતી કરવા માટે ગયા હતા. અહીં આવી જોતા મેલડીમાના મંદિરમાં ચડાવેલ છત્તર તથા પિત્તળના નાના-મોટા દિવેલીયા, પિત્તળનો કોયડો જેવી વસ્તુઓ જોવા મળી ન હતી. જેથી તેમણે તુરંત લતાવાસીઓ ને જાણ કરી હતી બાદમાં મંદિરની સામે આવેલ ફરિયાદીના મામા ભાયાલાલભાઈના મકાનના સીસીટીવી કેમેરાના ફૂટેજ જોતા તારીખ 30/4 ના રાત્રીના ત્રણથી ચાર વાગ્યાના સમયમાં એક આધેડ વયનો શખસ મંદિરમાં આવી ચોરી કરી ગયાનુ માલુમ પડ્યું હતું. જેમાં ચાંદીના છત્તર, પિત્તળના નાના-મોટા દિવેલીયા, પિત્તળનો કોયડો સહિત રૂપિયા 7,200 ની મત્તા ચોરી થયાનું માલુમ પડ્યું હતું.ચોરીના આ બનાવને લઈ ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ જયદીપસિંહ ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.જે. ગોહિલ તથા તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ માલકીયા અને કોન્સ્ટેબલ નિલેશભાઈ મિયાત્રા અને એવી બાતમી મળી હતી કે, એક શખસ મંદિરમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ વેચવા માટે નીકળ્યો છે અને તે હાલ બાપુનગર શેરી નંબર એકમાં આંટાફેરા કરે છે. જે બાતમીના આધારે પોલીસે અહીં પહોંચી શંકાસ્પદ શખસને ઝડપી લીધો હતો.પોલીસે આ શખસની પુછતાછ કરતા તેણે પોતાનું નામ રજની મનસુખભાઈ ટીલાવત(ઉ.વ.42 રહે. જૂનુ ગણેશનગર શેરી નંબર 10, તિરુપતિ સોસાયટી થી આગળ કોઠારીયા ચોકડી, રાજકોટ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખસ પાસેથી 6 ચાંદીના છત્તર, નાના મોટા દિવેલીયા, પીત્તળના હાથાવાળી સાંકળ સહિત ચોરી થયેલ કુલ રૂપિયા 7,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેની પૂછતાછ કરતા તેણે વડલાવાળી હાથીધરાવાળી મેલડી માંના મંદિરમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી.આ કામગીરીમાં પીઆઇ જે.ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ જે.જે. ગોહિલ,હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ માલકીયા, કોન્સ્ટેબલ નિલેશભાઈ મિયાત્રા તથા નરસંગભાઇ ગઢવી સાથે રહ્યા હતાં.