જામનગર મહાનગરપાલીકાના ખુબ માનીતા, ખુબ ચહીતા અને ખુબ ચગાવેલા નગરસેવક ઉર્ફે મંડપના કોન્ટ્રાકટરે કોર્પોરેશનનું એક કામ રૂ.૫૦ લાખમાં કરી આપવાની કરેલી ઓફર સામે રાજકોટની પાર્ટીએ આ જ કામ માત્ર રૂ.૧૫.૬૦ લાખમાં કરી આપતા ભારે આશ્ર્ચર્ય સર્જાયુ છે અને વર્ષોથી કોર્પોરેશનને ઉધઇની જેમ ખાઇ રહેલા અને હવે સાંઢ બની ગયેલા નગરસેવકોના આર્થિક કૌભાંડો સમજી શકાય એ રીતે સામે આવી રહ્યા છે, વાસ્તવમાં એસીબીએ પણ આવક કરતા અનેક ગણી સંપતિ ધરાવનારા નગરસેવકો ઉપર પણ તપાસ કરવી જોઇએ, કારણ કે આખરે તો તે પ્રજાના કહેવાતા પ્રતિનિધિ જ છે.
જામનગર શહેરમાં જયારે-જયારે ભાજપના મોટા કાર્યક્રમો હોય ત્યારે એક જ નગરસેવકને કોન્ટ્રાકટ આપવામાં આવતો હોય છે અને તેની સામે કોઇ બોલતું પણ નથી, કેટલાય વર્ષથી આ પ્રકારની લાલીયાવાડી ચાલતી રહી, બજાર ભાવ કરતા પણ આ મહાશયનો ભાવ ઉંચો હોય છતાં પણ તેમને જ તેમના રાજકીય આકાઓની મદદથી મંડપ અને ખુરશીનો કોન્ટ્રાકટ મળતો હતો, ચોંકાવનારી વિગત તો એ છે કે, હાલમાં તેઓ ગોકુલ મંડપના નામે રેઇટ કોન્ટ્રાકટ કોર્પોરેશનમાં ધરાવે છે, તા.૫ થી ૧૫ નવેમ્બર દરમ્યાન યોજાયેલા પ્રદર્શન મેદાનના સ્વદેશી મેળામાં મંડપ, સ્ટોલ, ખુરશી, કાર્પેટ અને સ્ટેજ બનાવવા માટે મ્યુ.કમિશ્નરે અરજન્ટ કોન્ટ્રાકટ માટે કાર્યવાહી કરવા અધિકારીને આદેશ આપતા એક નવું ભોપાળુ બહાર આવ્યું છે, એક પાર્ટીએ ૧૫.૬૧ ટકા નીચા ભાવ ભરતા તેમને આ કોન્ટ્રાકટ મળ્યો હતો અને આખરે આ પાંચ દિવસના કોન્ટ્રાકટમાં માત્ર રૂ.૧૫.૬૦ લાખમાં કામ થઇ ગયું હતું ત્યારે જે ભાજપના નગરસેવકનો રેઇટ કોન્ટ્રાકટ છે તેનો ગુસ્સો આસમાને થયો હતો અને મારો રેઇટ કોન્ટ્રાકટ હોવા છતાં અન્યને કેમ આપ્યો ? તેમ કહીને કેટલાકને દબડાવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે અને તેની કોર્પોરેશનમાં ચકચાર જાગી છે.
વાત એવી છે કે, જયારે સ્વદેશી મેળો તા.૫ થી ૧૫ દરમ્યાન યોજવાનો હતો ત્યારે આ મેળા માટે અધિકારીઓએ તાત્કાલીક ભાવ મંગાવવા નકકી કર્યુ હતું જેમાં ડોમ, સ્ટોલ, ખુરશી, કાર્પેટનો સમાવેશ થાય છે. ૧૫.૫૦ મુળ ભાવ આકારવામાં આવ્યો હતો ત્યારબાદ ૧૫.૬૧ ટકા નીચો ભાવ આવતા આ કોન્ટ્રાકટ ગણેશ મંડપને આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે તેની સામે ઉમીયાજી મંડપ ડેકોરેશનના ભાવ પણ આવ્યા હતાં.
ભાજપના આ મહાશયે એ વખતે એવી દલીલ કરી હતી કે, મને રેઇટ કોન્ટ્રાકટ પ્રમાણે આ કામ મળવું જોઇએ, એક અધિકારીના જણાવ્યા મુજબ જો રેઇટ કોન્ટ્રાકટ ઉપર કામ અપાય તો લગભગ રૂ.૫૦ લાખની ઉપર રકમ થઇ શકે તેની સામે માત્ર ૧૫.૬૦ લાખમાં કામ અપાયું હતું, ત્યારે અઢી ગણો ભાવ હોવાથી મ્યુ.કમિશ્નર અને તેની ટીમે રેઇટ કોન્ટ્રાકટ પ્રમાણે કામ આપવું નથી તેમ કહીને જેના નીચા ભાવ તેમને આ કામ આપવા નિર્ણ્ય કરાયો હતો અને આ કામ તેઓએ સફળતાપૂર્વક બહાર પાડયું હતું, મને જ મંડપ અને ડોમના કોન્ટ્રાકટ મળવા જોઇએ તેવી શેખી કરનારે તેમના રાજકીય આકાનો સંપર્ક પણ સાઘ્યો હતો પરંતુ ટેન્ડરમાં ભાવ નીચા હતાં તેથી તેઓ પણ કંઇ બોલી શકે તેમ ન હતાં.
આ સીનીયર નગરસેવક અગાઉ ઉચ્ચ હોદા ઉપર રહી ચૂકયા છે અને જયાં-જયાં મંડપ, ડોમ કે અન્ય કામગીરી હોય ત્યારે ભાજપના કાર્યક્રમોમાં તો ખાસ કોઇપણ ભાવ જોયા વિના એમને જ કોન્ટ્રાકટ આપવામાં આવે છે અને એવી જ રીતે તેમણે વાર્ષિક રેઇટ કોન્ટ્રાકટ પણ લીધો છે તેમ ભાજપના કેટલાક નેતાઓએ કહ્યું હતું. કોર્પોરેશનમાં આ મહાશય કેવી લાલીયાવાડી ચલાવે છે તેવા કેટલાય કિસ્સા છે, અગાઉ પણ ઓછા ભાવમાં થઇ શકતું હોય તેવા કામના મસમોટા બીલ પણ તેઓએ મુકયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે અને આ બધુ જો ઓડીટ કરવામાં આવે તો અનેક ભોપાળા બહાર આવે તેવું પણ લોકો કહી રહ્યા છે.
એવું પણ કહેવાય છે કે, આ નગરસેવક સામે કોઇ બોલતું નથી, એ જે ભાવ ભરે તે પાસ કરીને તેને ચુકવણું કરી દેવામાં આવે છે, સ્વદેશી મેળામાં તો લાખો રૂપિયાનો ફાયદો થયો છે તેના ઉપરથી ધડો લેવો જોઇએ કે, જો યોગ્ય ટેન્ડરીંગ પ્રક્રિયા કરવામાં આવે તો અગાઉના શંકાસ્પદ કોન્ટ્રાકટના ભોપાળા બહાર આવી શકે, વર્ષોથી કોર્પોરેશનના મંડપ અને અન્ય કામમાં મારો જ હકક છે તેવો હુંકાર કરનાર સામે શહેર સંગઠન પાંખ પણ નારાજ હોવાનું બહાર આવ્યું છે, કોઇ આ સીનીયર નગરસેવકને કહી શકતું નથી અને ખુલ્લેઆમ કોન્ટ્રાકટ ઉચા ભાવના રાખીને પોતાનું બેંક ખાતુ મજબુત કરે છે.
વળી મોટા-મોટા કાર્યક્રમોમાં તેઓ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે દેખાતા હોય અને ફોટા પડાવતા હોય તેમની સામે પગલા લેવામાં અધિકારીઓ પણ દુર રહે છે ત્યારે હવે બહુ થયું તેમ ભાજપના જ કેટલાક નગરસેવકો કહી રહ્યા છે અને આવા કોન્ટ્રાકટ લઇને કોર્પોરેશનને પણ આર્થિક નુકશાન કરાવનારને કાયમી રીતે બ્લેકલીસ્ટમાં મુકી દેવા જોઇએ તેમ પણ કેટલાક નગરસેવકોનું કહેવું છે. આમ કોર્પોરેશનમાં આ મહાશયીની ધાક હવે ઘટતી જાય છે એવી પણ ચર્ચાએ જોર પકડયું છે.