અંબર ચોકડી પાસેનું કામ ૬૦ ટકા થયું: તા.૧૧ સુધીમાં પૂર્ણ થઇ જશે

  • December 28, 2023 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાંસદ પૂનમબેન માડમે ગઇકાલે ચાલી રહેલા કામનું નિરીક્ષણ કર્યુ: મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, એસ.પી. પ્રેમસુખ ડેલુ પણ સાથે રહ્યા: સાંજના ૪ થી રાતના ૯ વાગ્યા સુધી જી.જી.હોસ્પિટલથી ગુરુદ્વારા તરફના માર્ગ પર વ્યાપક ટ્રાફિક રહે છે: સેલ્ફ ડીસીપ્લીનનો પણ દેખાય છે અભાવ

જામનગરમાં ઓવરબ્રિજ અંતર્ગત કામગીરી ચાલી રહી છે જેમાં ગટર તેમજ બીએસએનએલ તેમજ પીજીવીસીએલ અને કેનાલનું કામ પુરજોશમાં ચાલું છે ત્યારે ગઇકાલે સાંસદ પૂનમબેન માડમે અંબર ચોકડી પાસે થઇ રહેલા કામનું નિરીક્ષણ કર્યુ હતું અને અધિકારીઓને જરુરી સુચના આપી હતી. આ સમયે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, એસપી પ્રેમસુખ ડેલુ, સીટી ઇજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતાં, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યારે આ કામ જોરશોરથી ચાલે છે, ગટરનું કામ છે તેમાં કાપ કાઢવાની કામગીરી ચાલી રહી છે, પ્રિકાસ્ટનું કામનું આજથી શરુ થશે અને ત્યારબાદ સ્લેબ ભરવામાં આવશે, અત્યાર સુધીમાં ૬૦ ટકા કામ પૂર્ણ થઇ ચૂકયું છે અને જેમ બને તેમ ઝડપથી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે, બીએસએનએલ અને પીજીવીસીએલના કેબલ બદલવાની કામગીરી પણ ચાલું છે, આમ લોકોને પડતી મુશ્કેલી ઓછી પડે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
ફલાયઑવર, કૅનાલ અને કૅબલ પાથરવા સહિતના જુદા-જુદા કામને લઈને અંબર ચોકડીનો એક મુખ્ય માર્ગ બંધ થવાના કારણે શહેરની મધ્યના તમામ માર્ગ અને ગલીઓમાં ટ્રાફિકનું ચક્કાજામ સર્જાઈ જાય છે, પોલીસ દ્વારા ખાસ કરીને ગુરુદ્વારા સર્કલ પર કે જ્યાં વધુ પ્રમાણમાં વાહનોના થપ્પા લાગે છે ત્યાં રસ્તાની વચ્ચે બૅરિગેટ મૂકીને આવવા-જવા માટે માર્ગને કામચલાઉ રીતે અલગ કર્યા છે, પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે આ કામચલાઉ વન-વે ઉપર પણ બીજી સાઈડના વાહનચાલકો એવી રીતે ગોઠવાઈ જાય છે કે સામેની સાઈડના વાહનોને નીકળવાનો રસ્તો રહેતો નથી અને અહીં લોકોની સૅલ્ફ ડિસિપ્લીનનો પણ અભાવ જોવા મળે છે.
ગઈકાલે સાંસદ અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ કામનું નિરીક્ષણ કર્યા બાદ મ્યુનિ. કમિશનરે આજે ‘આજકાલ’ સાથેની વાતચીતમાં એક રાહતરુપ બાબત જણાવી છે કે, કામ તો સમયસર પૂર્ણ થઈ જશે, એટલે એક વાત નક્કી છે કે તા.૧૧ સુધી લોકોને અપાયેલા વિકલ્પ પર જ વાહનો ચલાવવા પડશે તો જરુરી છે કે વાહન ચાલકો દ્વારા સૅલ્ફ ડિસિપ્લીન પણ રાખવામાં આવે કારણ કે, હવે તાત્કાલિક અસરથી તો અંબર ચોકડીનો માર્ગ રાતોરાત ચાલુ થઈ શકે એવી કોઈ સ્થિતિ નથી! જે કામ શરુ થયું છે તે પૂર્ણ થયાં બાદ જ માર્ગ ખૂલ્લો કરવામાં આવશે. એટલે લોકોએ આ બાબતને ધ્યાનમાં રાખીને હાલમાં કામચલાઉ જે વ્યવસ્થા ગોઠવી છે તેમાં સહયોગ કરવો જોઈએ અને બૅરિગેટ મૂકીને બનાવાયેલા વન-વે પર વાહનોના ખડકલાં કરવા જોઈએ નહીં. કારણ કે, તેનાથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરે છે.
આટલું જ નહીં, ગુરુદ્વારા ચોકડી અને અંબર ચોકડીની વચ્ચેની જે ગલીઓ છે તેમાં પણ વ્યાપક પ્રમાણમાં ટ્રાફિક જોવા મળે છે અને ત્યાં પણ વાહન ચાલકો આડેધડ એક-બીજાની સામે આવી જતાં હોય છે. હાલના સમયે દરેક વ્યક્તિએ પોતાની વિવેક બુદ્ધિથી કામ લેવાની જરુર છે. જો પોલીસ દ્વારા કરવામાં આવેલી કામચલાઉ વ્યવસ્થાને અનુસરવામાં આવશે તો જેટલી મિનિટો વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાઈ જાય છે એટલું એમને ફસાવવું પડશે નહીં અને સામેની સાઈડના વાહનોને નીકળવાની જો જગ્યા આપશે તો બીજી સાઈડ પણ સારી રીતે ચાલી શકશે.
ગઈકાલે રાત્રે ૮ વાગ્યે ગુરુદ્વારા સર્કલથી લાલ બંગલા તરફ આવતી વખતે આ લખનારે પોતે જોયું છે કે, ગુરુદ્વારાની બરાબર સામે પોલીસ દ્વારા બેરિગેટ મૂકવામાં આવ્યા છે અને વાહનને કામચલાઉ વન-વે બનાવ્યો છે, પરંતુ લાલ બંગલા સર્કલ તરફથી વાહનોના મોટા થપ્પા વન-વે સાઈડમાં લાગી ગયાં હતાં એટલે ગુરુદ્વારાથી લાલ બંગલા તરફ જતાં વાહનોને જવાની જગ્યા જ મળતી નહોતી! આ સમયે ટ્રાફિક પોલીસ સહિતના આઠે’ક જેટલાં ટીઆરબી જવાનો વ્યવસ્થા ગોઠવતાં હતાં, પરંતુ વાહનોનો ધસારો જ એટલો હતો કે, ગુરુદ્વારાથી અંબર તરફ, ત્યાંથી લાલ બંગલા તરફ અને ગુરુદ્વારાથી હોટલ સયાજી તરફના માર્ગ પર લાંબી-લાંબી કતારો લાગી ગઈ હતી, ઍમ્બ્યુલન્સ પણ અવાર-નવાર ફસાતી હોવાનું જોવા મળે છે જેનાથી કોઈના જીવ પર જોખમની પૂરી ભીતિ રહે છે. આ બાબતને પણ વાહન ચાલકોએ ધ્યાનમાં લેવી પડશે અને કામ ચલાઉ વ્યવસ્થાને સહયોગ આપવો પડશે એવું લાગે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application