ખંભાળિયામાં ઘણાં વર્ષોથી ટલ્લે ચડેલી ભૂગર્ભ ગટર યોજના નગરપાલિકા માટે શિરદર્દ સમાન: બોર્ડમાં રજૂઆત કરાઈ

  • July 03, 2021 10:21 AM 

ખંભાળિયા શહેરમાં હાલ કાર્યરત ગટર યોજના આશરે અડધી સદીથી જૂની છે. શહેરમાં અવારનવાર ગટર ઉભરાવવી તથા જામ થઈ જવાના બનાવો સામાન્ય બની ગયા છે. ચોમાસામાં નગરજનો ગટરના કારણે વ્યાપક હાલાકીનો સામનો કરે છે. ખંભાળિયા શહેરમાં ગટરના પાણીથી મુક્તિ મળે તથા ખુલ્લી ગટરના કારણે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ ન સર્જાય તે માટે અંદાજે વર્ષ 2012માં ભૂગર્ભ ગટર યોજના શહેર માટે અમલમાં મુકવામાં આવી હતી. જેને આશરે નવ વર્ષ થયા તેમ છતાં પણ ભૂગર્ભ ગટર યોજનાનું કામ હજુ સુધી પૂર્ણ થયું નથી.

આશરે રૂપિયા 46 કરોડના ખર્ચે શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાનું કામ કરવામાં આવ્યું છે. જેનું તમામ વિસ્તારોમાં ટેસ્ટિંગ કામ હજુ સુધી સંપન્ન થયું નથી. આ ભૂગર્ભ ગટર યોજનાને અગાઉ વિરોધ પક્ષ એક મોટો ભ્રષ્ટાચાર ગણી અવારનવાર વિરોધ વ્યક્ત કરતો હતો. પાણી પુરવઠા બોર્ડ દ્વારા થોડા સમય પૂર્વે કેટલાક સ્થળોમાં મોટા પાઈપ અંગે ટેસ્ટિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ નાની ગલી કે પેટા ગલીમાં કરવામાં આવેલા ભૂગર્ભ ગટર યોજનાના કામનું ટેસ્ટિંગ હજુ સુધી કરવામાં આવ્યું નથી.

ખંભાળિયા નગરપાલિકાની નવી ચૂંટાયેલી બોડીના સદસ્યો દ્વારા આ ગંભીર મુદ્દે લક્ષ લઈ, આના અનુસંધાને પાણી પુરવઠા બોર્ડને છેલ્લા થોડા સમયમાં રજૂઆતો કરી, ત્રણ વખત મીટીંગ પણ કરવામાં આવી છે. નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જીગ્નેશભાઈ પરમાર તથા ભૂગર્ભ ગટર યોજનાના ચેરમેન મીનાબા રવિરાજસિંહ જાડેજા દ્વારા પાણી પુરવઠા બોર્ડને આશરે રૂપિયા 46 કરોડના ખર્ચે બનેલી આ ભૂગર્ભ ગટર યોજનાના ઝોન વાઈઝ ચેકિંગ તથા ગંદા પાણીના નિકાલ માટેના એફ.ટી.પી. પ્લાન બનાવી આપવાના મુદ્દે રજૂઆતો કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં શરૂ થયા પહેલા જ આ ભૂગર્ભ ગટર યોજના ખખડી ગઈ છે. અનેક સ્થળોએ મેનહોલના ઢાંકણા તૂટી ગયા છે તાજેતરમાં વરસેલા વરસાદમાં મેન હોલની ટાંકી ઓવર ફલો થતી હતી. આ શંકાસ્પદ મનાતી અને અધૂરી રહેલી આ ભૂગર્ભ ગટર યોજનાને સંભાળી લેવા માટે અગાઉ નગરપાલિકા તંત્રને દબાણ પણ કરવામાં આવ્યું હતું.

હાલ નગરપાલિકા સત્તાવાહકો દ્વારા પાણી પુરવઠા બોર્ડને વધુ એક વખત રજૂઆત કરી, શહેરમાં ગંદકી અને બદતર હાલતમાં ગટરની દશા તથા ઉભરાતી ગટરોના મુદ્દે તાકીદે યોગ્ય પગલાં લેવા માટેની માંગ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)