રાજકોટ જિલ્લાના ૨૨ નાયબ મામલતદારોની બદલીમાં કચવાટ, કોર્ટમાં જવા સુધી પડકાર?

  • October 18, 2024 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લ ા વહીવટી તંત્રમાં ફરજ બજાવતા ૨૨ નાયબ મામલતદારોની સાગમટે બદલી થતાં કહી ખુશી કહી ગમની માફક આંતરીક ઉકળાટ ઉભર્યેા છે. હજુ બદલીને એક વર્ષ થયું નથી ત્યાં જો કોઈ રાજકીય ઈશારે કે સાચા ખોટા આક્ષેપોથી બદલીઓ કરી નાખવામાં આવે તો કર્મચારીઓનું મોરલ કેમ જળવાય ? આવા સવાલો ઉઠતા થયા છે અને સોશ્યલ મીડિયા ગ્રુપમાં ચાલેલી આંતરીક અટકળોમાં બદલીથી નારાજ કર્મચારીઓ પૈકીનાએ કોર્ટ સુધી જવાનો પણ પડકાર ફેંકી દીધો હોવાનું જાણવા મળે છે.

જિલ્લા કલેકટર તંત્રમાં વિંછીયા, જસદણ ઉપરાંત જેતપુર, પડધરી, જામકંડોરણા, ગોંડલ અને રાજકોટ સીટી તથા રાજકોટ તાલુકાના ૨૨ નાયબ મામલતદારોને એકસાથે બે દિવસ પુર્વે તા.૬ના રોજ જાહેર નોકરીના હિતાર્થે તથા વહીવટી સરળતા ખાતરના કારણ સાથે બદલીઓ કરી અલગ અલગ જગ્યાએ મુકી દેવાયા છે. આ બદલીઓમાં એક વાત એવી પણ ઉઠી છે કે, જસદણ પંથકમાં ઉચ્ચ રાજકારણીના ઈશારે કે, રજૂઆતના પગલે વિંછીયા, જસદણના નાયબ મામલતદારને ઉલટ પુલટ બદલી કરી નાખવામાં આવી છે. આ છ બદલીની સાથે અન્ય ૧૬નો પણ બદલીમાં રાઉન્ડ આવી ગયો છે. જો અને તો ની ચર્ચા મુજબ ૬ નાયબ મામલતદારની બદલી થાય તો વાદવિવાદ ઉભા થાય અથવા એ રાજકારણીની રજૂઆતના પગલે બદલી થઈ તેવું લાગે. જેને લઈને એકસાથે ૨૨ નાયબ મામલતદારોની સાગમટે બદલી કરી દેવાઈ હોય શકે.

આ બદલીના ઓર્ડર સાથે કલેકટર તંત્રના કર્મચારીઓના સોશ્યલ મીડિયા ગ્રુપ કે એકબીજા કર્મચારીઓના આંતરીક વોટસએપથી બદલીઓમાં રાજી–નારાજી વ્યકત કરાઈ રહી છે. એવો ઉકળાટ ઠલવાઈ રહ્યો છે કે, એક સમયે એ જ રાજકારણી દ્રારા કોરોનાકાળમાં  ફ્રન્ટલાઈન વોરીયર તરીકે કામ કરવા બદલ નાયબ મામલતદારોને પ્રમાણપત્ર આપીને બિરદાવાયા હતા. હવે આ જ કર્મચારીઓ કદાચ ૯૯ કામ થાય અને એક ન થઈ શકે એટલે કડવા કે અણગમતા લાગવા લાગ્યા હશે. મેરીટના ધોરણ ન હોય તો કામ પણ કાંડા કાપીને ન થઈ શકે. એવો પણ આંતરીક કચવાટ છે કે, હજી ગત વર્ષે ઓગષ્ટ્ર મહિનામાં બદલી થઈ હતી. સરકારી નિયમ મુજબ કોઈ ખાતાકીય ભુલ કે આવી બેદરકારીમાં ન હોય તો ત્રણ વર્ષ સુધી કર્મચારીને બદલવામાં આવતા નથી. જયારે આ નાયબ મામલતદારોને તો હજી એક વર્ષ પુરૂ થયું અને બદલી નખાયા.  કેટલાકની સ્થિતિ એવી છે કે, ઘરમાં સાવ એકાદ નાનું બાળક છે, પત્ની સિવાય સારસંભાળ રાખનાર કોઈ છે નહીં અને પત્ની પણ સરકારી કર્મચારી છે.
આવી સ્થિતિમાં દંપતિને ભેગા રહી શકે એવી વહીવટી સરળતા કરવાના બદલે અલગ પાડી દેવાયા છે. કેટલાક નાયબ મામલતદારોને ન ગમતી જગ્યાએ વિના કારણે જવું પડયું છે. અનુભવીઓ સાઈડ લાઈન અને બિનઅનુભવી કી–પોસ્ટ પર આવી જશે તો કામની સ્પીડ તુટશે અને ઉલ્ટાની અરજદારોને હેરાનગતિ વધશે તેવું કર્મચારીઓમાં છૂપો રોષ કે આક્ષેપો થઈ રહ્યા છે. કેટલાક તો સિંઘમ સ્ટાઈલમાં છાના ખુણે એવું બોલી રહ્યા છે કે, સાહેબને બદલીમાં યોગ્ય કરવા માટે રજુઆત કરશું પરંતુ આમ છતાં કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો કોર્ટમાં જવા સુધી ખચકાશું નહીં. અત્યારે તો આવો ઉકળાટ બદલાયેલા કેટલાકમાં દેખાઈ રહ્યો છે પરંતુ સમય બતાવશે કે આગળ શું થઈ શકે છે ? હાલ બદલી બાબતે કોઈ ખુલ્લીને બોલવા તૈયાર નથી માટે અત્યારે આ મુદ્દો ચર્ચાના દોર જ માની શકાય



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application