જામનગર જીલ્લામાં સર્વેક્ષણમાં મેલેરીયાના 17 પોઝીટીવ કેસ મળી આવ્યા

  • June 24, 2021 11:49 AM 

જુન મહીનામાં 10150 લોકોના બ્લડના નમુના લેવાયા : કોરોના રસીકરણ સાથે મેલેરિયા વિરોધી માસની અવિરત કામગીરી

જામનગર શહેર-જીલ્લામાં કાળમુખો કોરોના ધીરે ધીરે વિદાય લઇ રહયો છે પરંતુ હવે મેલેરીયાએ દેખા દીધી છે, જુન મહીનામાં 17 જેટલા મેલેરીયાના કેસ આવ્યા છે તેમ તંત્રનું કહેવું છે, ત્યારે જામનગર જીલ્લામાં આરોગ્ય કર્મચારીઓ ઘેર ઘેર જઇને આ અંગે પરીક્ષણ કરી રહયા છે.

હાલમાં સમગ્ર જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ-19 રસીકરણની સાથે સાથે મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાનઅંતર્ગત મેલેરીયા વિરોધી માસની ઉજવણી ખુબ જ અસરકારક રીતે ચાલી રહી છે.જેમાં જીલ્લાના તમામ આરોગ્ય કર્મચારીઓ તથા આશા વર્કર બહેનો દ્વારા ઘરે ઘરે ફરીને સર્વેલન્સ કરી તાવના કેસો શોધી તેમના લોહીના નમુના એકત્ર કરી મેલેરિયા વિરોધી કામગીરી કરવામાં આવી રહી છે.

જુન માસ દરમ્યાન અત્યાર સુધીમાં 10150 જેટલા લોહીના નમુના લેવામાં આવેલ અને તેનું લેબોરેટરી માં પરિક્ષણ કરતા 17 જેટલા મેલેરીયા પોઝીટીવ કેસો જોવા મળેલ હતા.જયારે મળેલ મેલેરીયાના દર્દીઓને જરૂરી સઘન સારવાર આરોગ્ય કેન્દ્રો દ્વારા પૂરી પાડવામાં આવેલ હતી. મેલરિયા, ડેન્ગ્યું, ચીક્ગુનીયા જેવા વાહકજન્ય રોગોના અસરકારક નિયંત્રણ તથા નાબુદી માટે વિવિધ આઈ.ઈ.સી. માધ્યમથી જનજાગૃતિ કેળવવા જનસમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા.

જુન માસ મેલેરિયા વિરોધી માસ દરમિયાન આરોગ્ય કર્મચારી મારફતે ગ્રામ્ય વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી સાથેસાથે મેલેરીયા વિરોધી પોરાનાશક કામગીરી કરેલ જેમાં પોરાનાશક કામગીરીમાં એબેટ દવા નો ઉપયોગ, અમુક બિન ઉપયોગી પાત્રોનો નિકાલ કરીને લોકોમાં લીમડાનો ધુમાડો તથા મચ્છરદાનીનો યોગ્ય ઉપયોગ અને સ્વચ્છતા વિષે લોકોમાં સમજણ આપવામાં આવી રહી છે.

આરોગ્ય કર્મચારી મારફતે બેનર-પોસ્ટર લગાવવા, પત્રિકા આપવી, ભીતસુત્રો લખવા, સોશિયલ મીડિયા મારફતે મેલેરીયા લગત જાહેરાત સંદેશાઓ મોકલવા વગેરે પ્રવુતી દ્વ્રારા જનજાગૃતિ લાવવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.જેમાં મેલેરિયા, ડેન્ગ્યુ,ચીકનગુનીયા રોગથી લોકોએ ગભરાવવાની કે ખોટી દહેશત ફેલાવવાની જરૂર નથી. શંકાસ્પદ મેલેરિયા, ડેન્ગ્યુ તાવના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સામુહિક આરોગ્ય કેન્દ્ર/સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કાર્યકરનો તાત્કાલિક સંપર્ક કરીને લોહીની તપાસ કરાવી સારવાર લેવા વિનંતી. વાહક જન્ય રોગોનો ફેલાવો અટકાવવા માટે રાજ્ય સરકારના ઘનિષ્ઠ પ્રયત્નોને ત્યારે જ સફળતા મળે કે જ્યારે પ્રજાજનો સહકાર આપે. લોકોની સુખાકારી એ સરકારની જવાબદારી છે, પરંતુ સહકાર મળવો અનિવાર્ય છે એમ ડો. બિરેન મણવર ઇન્ચાર્જ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને ડો. આર. બી. ગુપ્તા, ઇન્ચાર્જ જીલ્લા મેલેરિયા અધિકારની યાદી જણાવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS