ગુજરાતમાં વન્યજીવ સૃષ્ટિ અને પર્યાવરણપ્રેમીઓ માટે ખૂબ જ ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. વર્ષો પછી દાહોદના રતનમહાલ અભયારણ્યમાં એક નર વાઘ સ્થાયી થયો હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. આ નર વાઘ છેલ્લા એક વર્ષ કરતાં પણ વધુ સમયથી આ વિસ્તારમાં મુક્તપણે ફરી રહ્યો છે, જે વન વિભાગના સતત મોનિટરિંગ દરમિયાન જાણવા મળ્યું છે. આ સફળતા બાદ હવે ગુજરાતને સત્તાવાર રીતે ‘ટાઈગર સ્ટેટ’ની યાદીમાં સ્થાન અપાવવા માટે રાજ્ય સરકાર અને વન વિભાગે કમર કસી છે. અહેવાલ અનુસાર, વન વિભાગ દ્વારા સૌપ્રથમ આ વિસ્તારમાં વાઘની હાજરીને સેન્સસ (ગણતરી) પ્રક્રિયા હેઠળ સત્તાવાર ચોપડે નોંધવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થતાંની સાથે જ, રતનમહાલમાં સ્થાયી થયેલા નર વાઘના સાથીદાર તરીકે એક માદા વાઘણ લાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ માદા વાઘણ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં ગુજરાતમાં વાઘની વસ્તીમાં કાયમી ધોરણે વધારો થઈ શકે. વન વિભાગ દ્વારા વાઘ માટે અનુકૂળ અને યોગ્ય વાતાવરણ જળવાઈ રહે તે માટે અત્યારથી જ તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. ભૂતકાળમાં પણ ગુજરાતમાં વાઘ આવ્યા હતા, પરંતુ યોગ્ય વ્યવસ્થાના અભાવે કાં તો તેમનું મૃત્યુ થયું હતું અથવા તેઓ અન્ય રાજ્યોમાં પરત ચાલ્યા ગયા હતા. આ વખતે આવી ભૂલ ન થાય તે માટે સરકાર ખૂબ જ ગંભીર છે. બીજી તરફ, વન વિભાગ દ્વારા ગુજરાતમાં ચિત્તાને પણ પુનઃ વસાવવા માટે પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે. અહેવાલો મુજબ, કચ્છના પ્રખ્યાત ‘બન્ની ઘાસિયા મેદાન’માં સંભવતઃ ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ ચિત્તા લાવવામાં આવશે. આમ, આગામી સમયમાં ગુજરાત માત્ર સિંહો માટે જ નહીં, પરંતુ વાઘ અને ચિત્તા જેવા પ્રજાતિના વન્યજીવોના સંવર્ધન માટે પણ દેશભરમાં એક મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવશે. આ જાહેરાતથી ગુજરાતના વન્યજીવ પ્રેમીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application