ઓખાના સિગ્નેચર બ્રિજનું તા.૨૨ના રોજ વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન થવાની સંભાવના

  • February 05, 2024 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રુા.૯૬૨ કરોડના ખર્ચે બનેલો સિગ્નેચર બ્રિજ બેટવાસીઓ માટે આશિર્વાદસમાન બની રહેશે

ઓખા મંડળ વિસ્તારના લોકો માટે હવે સપનું સાકાર થઇ રહ્યું છે, વર્ષોથી જેની ઇચ્છા હતી તે સિગ્નેચર બ્રિજનું આગામી દિવસોમાં તા.૨૨ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન થવાની શકયતા છે, જો કે હજુ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા અધિકારીઓને ખાનગીમાં સુચના આપી દીધી હોવાનું જાણવા મળે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન થાય તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતાં જેમાં હવે પીએમઓ દ્વારા વડાપ્રધાન આવશે તેવી મંજુરી આપી દેવામાં આવી છે, હાલ તો તા.૨૨ ફેબ્રુઆરી રાખી હોવાનું સુત્રોનું કહેવું છે ત્યારે ઓખામંડળના વિસ્તારના લોકો માટે હવે દરીયાઇ પરીવહન સહેલું બની જશે.
થોડા દિવસ પહેલા ૪૮ ટ્રક દોડાવીને આ બ્રિજની ક્ષમતા માપવામાં આવી હતી, ૨૩૨૦ મીટર એટલે કે ૩.૭૩ કિ.મી. લાંબો, ૨૭.૨ મીટર પહોળો સિગ્નેચર બ્રિજ તા.૭ ઓકટોબર ૨૦૧૭થી બનાવવાની શરુઆત થઇ હતી અને હવે આ બ્રિજ પુરો થઇ ચૂકયો છે, ત્યારે રુા.૯૬૨ કરોડના ખર્ચે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આ ડ્રીમ પ્રોજેકટ કહી શકાય, વર્ષ દરમ્યાન સમગ્ર દેશમાંથી અનેક લોકો ઓખા, બેટદ્વારકાની મુલાકાત લે છે, હવે સિગ્નેચર બની જતાં પોતાના વાહન મારફત બેટ સુધી પહોંચી શકશે.
સિગ્નેચર બ્રિજ મજબુત બને તે માટે સતત વોચ રાખવામાં આવતી હતી, પૂર્વ કલેકટરો મુકેશ પંડયા, અશોક શાહ સહિતના અધિકારીઓ પણ અવારનવાર આ બ્રિજની કામગીરીની મુલાકાત લેતા હતાં, હાલમાં ઓખા જેટીએથી પેસેન્જર બોટ મારફતે ઓખા-બેટદ્વારકા જવું પડે છે ત્યારે કેટલીક વખત દરિયાનો મીજાજ અવળો હોય છે અને ભારે પવનને કારણે થોડા સમય સુધી આ પરીવહન બોટ બંધ પણ રાખવી પડે છે, હવે આ બ્રિજ શરુ થઇ જવાનો છે ત્યારે આ સમસ્યા નહીં નડે.
આગામી દિવસોમાં રુા.૨૦૦ કરોડના ખર્ચે શિવરાજપૂર બીચને પણ વિકસાવવામાં આવી રહ્યો છે જેનું કામ શરુ થઇ ચૂકયું છે, ભારતના એક બ્લુ બીચ તરીકે આ બીચની ઓળખ છે અને તે માટે ગુજરાતનું પ્રવાસન ખાતુ પણ સતત પ્રયાસો કરી રહ્યું છે અને આ બીચ પણ એક નમુનેદાર બને તે માટે સરકારના પણ સતત પ્રયત્ન રહે છે. લગભગ છ વર્ષમાં સિગ્નેચર બ્રિજનું કામ પૂર્ણ થયું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૭માં જાહેરાત કરી ત્યારે લોકોનું એવું હતું કે, દરિયા ઉપર બ્રિજ કઇ રીતે શકય છે ? પરંતુ આ શકય બની ગયું અને હવે આકર્ષક બ્રિજ બની ગયો છે ત્યારે સમગ્ર ઓખામંડળના લોકોમાં હર્ષની લાગણી જન્મી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application