ભારતનું એક માત્ર જંગલ જ્યાં એશિયાટિક લાયન જોવા મળે છે. આ ગીરના ડાલમથ્થા વિશે આપણે ઝવેરચંદ મેઘાણીની ચારણકન્યાથી લઈને બીજી અનેક રચનાઓ વાંચી છે, પરંતુ સિલ્વર સ્ક્રીન પર ગીરના સિંહોને ભાગ્યે જ સ્થાન મળ્યું છે. જો કે, તાજેતરમાં જ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ સાસણ નામ પ્રમાણે જ સાસણગીરની વાર્તા લઈને આવી છે. સાસણગીર એટલે એવું જંગલ જ્યાં સિંહની ડણક વચ્ચેય માલધારીઓ પોતાની રોજિંદી જીંદગી જીવતા હોય છે. પણ કેવી છે આ ફિલ્મ? જોવા જવાય કે નહીં?
ફિલ્મની શરૂઆત નેધરલેન્ડની અદાલતના એ દ્રશ્યથી થાય છે જેમાં ગીરના માલધારીઓને સિંહોના દુશ્મન ગણાવી તેમના પર આક્ષેપ થયા છે અને જંગલમાંથી તેમને દtર કરવા માટે અપીલ કરાઇ છે. માલધારીઓ સિંહના દુશ્મન છે તેવું પુરવાર કરવા માટે ત્રણ મહિનાનો સમય અદાલત દ્વારા અપીલકર્તાને અપાય છે. જે બાદ પૂરાવા મેળવવા માટે નેધરલેન્ડથી માઇકલ (ચેતન ધાનાણી) ગીર પહોંચે છે, અને ટુરિસ્ટના વેશમાં ત્યાં આઇમા (રાગિણી)ના ત્યાં ગીરના જંગલની વચોવચ આવેલા નેસડામાં રહે છે. આઇમાના પરિવારમાં તેમની દિકરી હીરલ (અંજલી બારોટ) અને હિરલનો ભાઇ કુકો (મૌલિક નાયક) પણ રહે છે. આઇમાના પતિનું મૃત્યુ તેમના વ્હાલા સિંહના અકાળે મોત બાદ લાગેલા આઘાતને કારણે થઇ ચૂક્યુ છે.
ગીરના જંગલમાં માલધારીઓની વચ્ચે રહેતા-રહેતા એક પછી એક પ્રસંગોથી માઇકલને એ વાત સમજાય છે કે ભલે સિંહો માલધારીઓના પશુઓનું મારણ કરતા હોય પણ માલધારીઓ સિંહોને દુશ્મન નથી માનતા. માલધારીઓનો સિંહપ્રેમ એટલો અનોખો છે કે તેઓ પોતાના પ્રિય પશુઓના મારણને પણ બલિદાન ગણે છે. તેઓ સિંહને જંગલનો રાજા માને છે અને પોતાને તેની રૈયત.
ફિલ્મમાં આઇમા તરીકે રાગિણી આપને એક અલગ જ અંદાજમાં જોવા મળશે. રાગિણીના અભિનયને લઇને કંઇક કહેવું એ સૂરજને દીવો બતાવવા જેવું છે. આ ફિલ્મમાં પણ તેઓએ તેમની એક દિગ્ગજ અભિનેત્રીને છાજે તેવી દમદાર ભૂમિકા ભજવી છે. ફિલ્મના લીડ એક્ટર ચેતન ધાનાણીએ રેવા ફિલ્મમાં પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું હતું, તે જ રીતે આ ફિલ્મમાં પણ ચેતનનો અભિનય શાનદાર છે. હિરલના રોલમાં અંજલી બારોટ આખી ફિલ્મને પોતાના ખભે ઉપાડી લે છે. માલધારી પરિવારની દિકરીઓમાં જોવા મળતી હિંમત અને ખુમારીને હિરલના પાત્રમાં ખુબજ સુંદર રીતે દર્શાવાઇ છે. કુકાના રોલમાં મૌલિક નાયકને જોઇને આપ ચોક્કસ એ વાત કહેશો કે આ ભૂમિકાને મૌલિક નાયક સિવાય બીજો કોઇ કલાકાર આટલી સુંદર રીતે ન ભજવી શકે. વિલનના રોલમાં વિક્રમ (ચિરાગ જાની)એ પોતાના ફાળે આવતા દ્રશ્યો અસરકારક રીતે નિભાવ્યા છે.
કિરીટ પટેલે ખૂબ જ સુંદર સંવાદ લખ્યા છે. હેલ્લારો ફિલ્મથી ધર-ઘરમાં જાણીતા એવા મેહૂલ સુરતીએ ખુબજ સુંદર સંગીત પીરસ્યુ છે. ઢોલીડા ગીત હોય કે પછી આજની ઘડી રળીયામણી ફિલ્મનું કર્ણપ્રિય સંગીત તમને સહેજપણ કંટાળો નહીં આવવા દે.અશોક ઘોષના નિર્દેશનની અસલ ખૂબી તમને ઇન્ટરવલ પહેલા કરતા ઇન્ટરવલ પછીના દ્રશ્યોમાં વધારે જોવા મળશે, જે તમારો રસ ક્યાંય છટકવા નહીં દે.
જો કે સિંહને ફિલ્મમાં એક્ટિંગ કરાવી શકાતી નથી એટલે વીએફએક્સનો સહારો લેવો પડ્યો છે. જ્યારે જ્યારે ફિલ્મમાં સ્પેશિયલ ઈફેક્ટ આવે ત્યારે ત્યારે કનેક્શન છૂટે છે, કારણ કે વીએફએક્સમાં ખાસ મહેનત થઈ નથી. કોઈ ચીલાચાલુ એનિમશન જેવી ફિલ્મ પહેલી નજરે કોઈ પણ સામાન્ય માણસને નજર આવે, તેવા વીએફએક્સ યુઝ કરાયા છે. આ ઉપરાંત ગીરની સુંદરતા હજી સારી રીતે દર્શાવી શકાઈ હોત, પરંતુ અહીં પણ ઘણે અંશે ચૂકી જવાયું છે. સરવાળે આ ફિલ્મ 'સારો પ્રયાસ' છે.
ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે આ ફિલ્મમાં ગ્લેમર નથી, પણ ગીરનો ગામઠી તડકો છે. જે લોકોને સાવજ ગમે છે, ગામડું ગમે છે, નેસડો ગમે છે, પ્રકૃતિ ગમે છે તે દરેકે આ ફિલ્મ એકવાર અવશ્ય જોવી જોઇએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech