જામનગરની જિલ્લા જેલમાં હત્યાકેસના આરોપી કાચા કામના કેદીએ પોત પ્રકાશ્યું

  • June 12, 2021 10:36 AM 

જેલના સહાયક ઉપર હુમલો કરી દઇ ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવાતાં ચકચાર: જેલ અધિક્ષક દ્વારા કેદી સામે જેલના નિયમો મુજબ પણ તપાસ શરૂ કરાઇ

જામનગરની જિલ્લા જેલમાં રહેલા કાચા કામના એક કેદીએ ગઈકાલે ફરીથી પોત પ્રકાશ્યું હતું. અગાઉ પણ ઝઘડા કરી ચૂકેલા જામનગરના હત્યાકેસના કાચા કામના કેદીએ જેલ સહાયક ઉપર હુમલો કરી દઇ ઝપાઝપી કરી પેન્ટ નું બટન તોડી નાખ્યા ની તેમજ ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. સાથોસાથ જેલ અધિક્ષક દ્વારા પણ કેદી સામે જેલના નિયમો મુજબ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરની જિલ્લા જેલમાં ગઈકાલે ચાર નંબરની બેરેકના કાચા કામના કેદી નજીર ઉર્ફે ગંઢાબાપુ તેમજ ૬ નંબરની યાર્ડના કાચા કામના કેદી હિતેશ નરશીભાઈ બાંભણિયા બન્ને ઝઘડો કરી રહ્યા હતા. જેથી જુદા જુદા યાર્ડમાંથી અન્ય કેદીઓ પર આવીને એકત્ર થઇ ગયા હતા.

આ સમયે જેલના સહાયક અજયસિંહ પ્રભાતસિંહ જાડેજા દોડી આવ્યા હતા, અને તમામને છુટા પાડી પોતાની બેરેકમાં કેદીઓને જવા માટેનો આદેશ કર્યો હતો. જે દરમિયાન ૬ નંબરની બેરેકમાં રહેલા જામનગરના વતની અને હત્યા કેસના એક ગુનામાં કાચા કામના કેદી તરીકે રહેલા સની શામજીભાઈ મકવાણાએ જેલ સહાયક સાથે જીભાજોડી કરી હતી.

ત્યાર પછી ઝઘડો કરીને ઝપાઝપી કરી દીધી હતી, ઉપરાંત જેલ સહાયક ને ધક્કો મારી પછાડી દઇ તેના પેન્ટનું બટન તોડી નાખ્યું હતું, અને ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. જેથી આ મામલો સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

જેલ સહાયક અજય સિંહ પ્રભાતસિંહ જાડેજાએ જેલમાં કાચા કામના કેદી શનિ સામજી મકવાણા સામે ફરજમાં રૂકાવટ સહિતની ફરિયાદ નોંધાવતા સીટી એ ડીવીઝન પોલીસે આઈપીસી કલમ ૧૮૬, અને ૫૦૪ મુજબ ગુનો નોંધ્યો છે.

આ ઉપરાંત જેલના અધિક્ષક પરાક્રમસિંહ જાડેજા દ્વારા કેદી સામે જેલના નિયમો મુજબ  આગળની તપાસ સહિતની કાર્યવાહી શરૂ કરી દીધી છે, અને જેલમાં કેદીઓને મળતી જુદી-જુદી સુવિધાઓ જેવી કે ટેલિફોન પર પરિવાર સાથે વાત કરાવી, ઇ મુલાકાત, કેન્ટીનની સુવિધા વગેરે બંધ કરી દેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS