દેશના નાગરિકો પોતાની સમસ્યાઓ અને ચિંતાઓ સંસદ સુધી પહોંચે તે હેતુથી સાંસદોને ચૂંટે છે, પરંતુ સંસદીય કામગીરી અંગેના તાજેતરના આંકડા ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. સંસદીય રેકોર્ડ મુજબ, લોકસભામાં લગભગ 30 ટકા સાંસદોએ જાહેર મુદ્દાઓ ઉઠાવવાનું પણ ટાળ્યું હતું. વધુમાં, પ્રથમ સત્ર સિવાય એક પણ સત્ર એવું સત્ર રહ્યું નથી જેમાં 60થી 70 ટકા કરતાં વધુ સાંસદો ગૃહમાં સક્રિય રીતે ચર્ચામાં ભાગ લીધો હોય.
વર્તમાન 18મી લોકસભાના છેલ્લા શિયાળુ સત્ર દરમિયાન કુલ 542 સાંસદોમાંથી ફક્ત 377 સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો, જ્યારે 165 સાંસદો સંપૂર્ણપણે મૌન રહ્યા હતા. તે પહેલાં જુલાઈ 2025માં યોજાયેલા ચોમાસા સત્રમાં સ્થિતિ વધુ ખરાબ રહી હતી, જ્યાં માત્ર 251 સાંસદોએ ચર્ચામાં ભાગ લીધો હતો. નોંધનીય છે કે 73.39 કલાક ચાલેલા શિયાળુ સત્રમાં ગૃહમંત્રી અમિત શાહ, જગદંબિકા પાલ, સૌગત રોય અને મનીષ તિવારી સિવાય કોઈ પણ મંત્રી અથવા સાંસદ એક કલાકથી વધુ સમય સુધી બોલ્યા ન હતા.
18મી લોકસભાના કુલ છ સત્રો 367.51 કલાક ચાલ્યા હતા, પરંતુ સંસદીય રેકોર્ડ દર્શાવે છે કે આ તમામ સત્રોમાં મળીને પણ ફક્ત પાંચથી સાત નેતાઓ જ એક કલાકથી વધુ સમય સુધી બોલ્યા હતા. આ આંકડા દર્શાવે છે કે ચર્ચાની ગુણવત્તા અને ભાગીદારી બંનેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
હાજરીના મુદ્દે પણ ચિંતાજનક પરિસ્થિતિ સામે આવી છે. પ્રથમ, બીજા અને ત્રીજા સત્રમાં 482 સભ્યો હાજર રહ્યા હતા અને 60 ગેરહાજર રહ્યા હતા. ચોથા સત્રમાં 485 હાજર અને 57 ગેરહાજર રહ્યા, પાંચમા સત્રમાં 484 હાજર અને 58 ગેરહાજર રહ્યા, જ્યારે છઠ્ઠા અને છેલ્લા સત્રમાં 486 હાજર અને 56 ગેરહાજર રહ્યા હતા. સંસદના હાજરી રજિસ્ટર મુજબ, અભિનેત્રી અને સાંસદ હેમા માલિની છેલ્લા 15 દિવસના શિયાળુ સત્રમાં એક પણ દિવસ હાજર રહી ન હતી.
આ ઉપરાંત, પ્રિયંકા ગાંધી એક દિવસ, અખિલેશ યાદવ દસ દિવસ, ડિમ્પલ યાદવ બે દિવસ, મનોજ તિવારી એક દિવસ, અસદુદ્દીન ઓવૈસી અને શશિ થરૂર ત્રણ દિવસ, રવિ કિશન નવ દિવસ અને શત્રુઘ્ન સિંહા સાત દિવસ ગેરહાજર રહ્યા હતા. સંસદીય રેકોર્ડમાં એવું પણ નોંધાયું છે કે અનેક સાંસદો ગૃહમાં હાજર હોવા છતાં ચર્ચામાં ભાગ લીધા વિના મૌન રહ્યા હતા, જેમાં અનેક અગ્રણી હસ્તીઓનો સમાવેશ થાય છે. આ પરિસ્થિતિએ લોકશાહી પ્રક્રિયા અને જનપ્રતિનિધિત્વની અસરકારકતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.