શનિવારે બપોરે ટાઉનહોલ ખાતે મળનારી સભામાં ટીપી સ્કીમ અને આવાસ યોજનાની અમલવારી સિવાય કોઇ ખાસ એજન્ડા નથી
જામનગર મહાનગરપાલીકાની જનરલ બોર્ડની સભા આગામી તા.૧૯ને શનિવારે સવારે ૧૧:૩૦ વાગ્યે ટાઉનહોલ ખાતે મળશે, આગામી દિવસોમાં જનરલ બોર્ડનું બિલ્ડીંગ તૈયાર થઇ ગયા બાદ જનરલ બોર્ડ ત્યાં મળશે ત્યારે આ બોર્ડમાં ખાસ કોઇ એજન્ડા નથી એટલું જ નહીં ટીપી સ્કીમના એજન્ડા સિવાય અને આવાસના એજન્ડા સિવાય કોઇ મહત્વના કોઇ એજન્ડા છે નહીં એટલે હાલમાં કાળી પટ્ટી ધારણ કરીને બઢતીના મામલે વિરોધ કરી રહેલા કર્મચારીના પ્રશ્ર્ન અંગે વિપક્ષી સભ્યો હોબાળો મચાવે તેવી શકયતા છે.
જામનગર મહાનગરપાલીકાની બે મહીના બાદ મળનારી આ સામાન્ય સભામાં એવા કોઇ ખાસ એજન્ડા છે નહીં ઘણી વખત લોકોના પ્રશ્ર્નોની ચર્ચા કરવા દેવામાં આવતી નથી અને સામાન્ય સભા સાવ નીરશ બની જાય છે ત્યારે શનિવારની જનરલ બોર્ડમાં મહાપાલીકા હસ્તકના ગાર્ડન પ્લોટ, રીજર્વ ફાઇનલ પ્લોટ ૮૨, ૬૬, ૭૨, ૭૮ અને ટીપી સ્કીમ નં.૨ જાડા તેમજ ખીજડીયા પમ્પહાઉસ પાસે આવેલ ગાર્ડન ડેવલપ કરવા અંગેની ૩ નંબરની દરખાસ્ત છે, ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ની અમલવારી કરવા અંગેની પણ દરખાસ્ત છે અને પ્રશ્ર્નોતરી રહે તેવી શકયતા હોય આ સામાન્ય સભામાં કોઇ ખાસ એજન્ડા નથી ત્યારે વિપક્ષો કદાચ હોબાળો મચાવે અને બઢતીના પ્રશ્ર્ને શા માટે ઢીલ કરવામાં આવે છે તે અંગે પણ ચર્ચા કરે તેવી પણ શકયતા જોવાઇ રહી છે.
બીજી તરફ વિપક્ષ પણ નબળો પડી ગયો છે, લોકોના પ્રશ્ર્નોની કોઇ ધારદાર રજૂઆત કરતો નથી અને નાણાકીય પ્રારંભના વર્ષમાં વિપક્ષી સભ્યોમાં પણ જુથવાદના કારણે કોઇ સંકલન થતું નથી. વિપક્ષ મજબુતાઇથી બોર્ડમાં રજૂઆત ન કરતો હોવાના કારણે શહેરના વિકાસ કામો અંગે પણ કોઇ ચર્ચા થતી નથી. ઉપરાંત શહેરમાં કેટલીક જગ્યાઓને બગીચા માટે ખાનગી પાર્ટીને સોંપવાની વાત બહાર આવી રહી છે તે અંગે પણ કંઇક ઉહાપોહ થાય તેવી શકયતા છે.