જામનગરમાં લાલ બંગલા સ્થિત એલસીબીની નવી કચેરી ને એસ.પી. પ્રેમસુખ ડેલુ ના હસ્તે ખુલ્લી મુકાઈ

  • June 06, 2025 10:45 AM 

જિલ્લાના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ એલસીબી ના પી.આઈ.,પી.એસ.આઈ. અને સમગ્ર સ્ટાફ હાજર રહ્યો

સાત થી વધુ કોમ્પ્યુટર સેટ તેમજ અત્યાધુનિક ડિજિટલ સોફ્ટવેર સહિતની સુવિધાઓથી સુસજ્જ નવી એલસીબી કચેરી નો થયો પ્રારંભ

જામનગર તા ૬, જામનગરમાં લાલ બંગલા સ્થિત એલસીબીની નવી કચેરીનો ગઈકાલે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ના હસ્તે પ્રારંભ થયો હતો, અને નવી ટેકનોલોજી થી સભર કચેરીને ખુલ્લી મુકવામાં આવી હતી. આ વેળાએ જામનગર શહેર જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને એલસીબી નો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જુદા જુદા સાતથી વધુ કોમ્પ્યુટર સેટ જેમાં વર્તમાન સંજોગોને અનુરૂપ ડિજિટલ સોફ્ટવેર સહિતની સુવિધાઓથી સુસજ્જ કચેરીને બનાવાઇ છે, અને શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા પર નિયંત્રણ રાખવા માટે અને તમામ પ્રકારના ગુન્હાઓનો ત્વરિત  ઉકેલ લાવવા માટે એલસીબીના પીઆઇ પીએસઆઇ તથા ૨૨ થી વધુ નો સ્ટાફ પણ સુસજ્જ બન્યો છે.


જામનગર મહાનગરપાલિકા દ્વારા તળાવની પાળથી સાત રસ્તા સર્કલ સુધી નવો ડી.પી. રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં એલસીબીની જૂની કચેરીનો કેટલોક પાછળનો હિસ્સો કપાતમાં આવી જતો હોવાથી જૂની મામલતદારવાળી કચેરી ના સ્થાને નવી એલ.સી.બી. ની કચેરીનો પ્રારંભ થયો છે.


 જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આશરે ૩,૦૦૦ ચોરસ ફુટ વાળી જગ્યા એલ સી બી ની કચેરી તૈયાર કરવા માટે ફાળવી દેવાતાં તે સ્થળે અત્યાધુનિક ટેકનોલોજીસભર નવી કચેરીનું નિર્માણ કરી લેવાયું છે.



 જેમાં પી.આઇ. માટેની અલગથી ચેમ્બર, ઉપરાંત પી.એસ.આઇ. ની અલગ ચેમ્બર, તથા અન્ય કોમ્પ્યુટર પર જોબવર્ક કરી શકાય તે માટેના સ્ટાફની અલગ અલગ વ્યવસ્થા અને સાતથી વધુ કોમ્પ્યુટર સેટ મૂકવામાં આવ્યા છે, અને અત્યાધુનિક ટેકનોલોજી અને વિવિધ સોફ્ટવેર થી સભર નવી કચેરી નું નિર્માણ કરાયું છે.


 જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ના હસ્તે આ નવી કચેરી ખુલ્લી મુકવામાં આવી હતી. આ વેળાએ લાલપુર પોલીસ ડિવિઝન વિસ્તારના પ્રોબેશનલ આઈ.પી.એસ. અધિકારી પ્રતિભા, ઉપરાંત જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, પોલીસ હેડ ક્વાર્ટર ના ડી.વાય. એસ.પી. વિ.કે. પંડ્યા, જામનગર ગ્રામ્ય ના ડીવાયએસપી આર.બી. દેવધા, એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી ઉપરાંત જામનગર ની એલસીબી કચેરીના પી.આઇ. વી. એમ. લગારીયા, પી.એસ.આઇ. પી.એન.મોરી અને સી.એમ કાંટેલિયા, ૨૨ થી વધુ એલસીબી નો સ્ટાફ, પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પી.એસ.આઇ. શ્રી ભાટીયા અને ૧૫ થી વધુ નો સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.



 એલસીબી ની કચેરી ખુલ્લી મુક્યા બાદ પી.આઈ. ની ચેમ્બરમાં એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. લગારિયા દ્વારા જિલ્લા પોલીસ વડાનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરાયું હતું, ત્યારબાદ સમગ્ર કચેરી ના અલગ અલગ વિભાગોનું એસ.પી. તથા અન્ય અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને સમગ્ર એલસીબી સ્ટાફને તમામ અધિકારીઓએ શુભકામનાઓ પાઠવી હતી.


 જામનગરની નવી એલસીબી કચેરીમાં જુદા જુદા સાત કોમ્પ્યુટર સેટ મૂકવામાં આવ્યા છે, જેમાં એક કોમ્પ્યુટરનું ઓપરેટિંગ એલસીબી ના પી.આઈ. જાતે કરે છે, જયારે બીજા કોમ્પ્યુટર સેટ નો ઉપયોગ એલસીબીના પી.એસ.આઇ. દ્વારા કરાય છે. બાકીના અન્ય અલગ અલગ પાંચ કોમ્પ્યુટર સેટ મુકવામાં આવ્યા છે, અને તેના માટેના એલસીબીના ચુનંદા સ્ટાફની પણ નિમણૂક કરાઇ છે, અને એ.એસ.આઈ. થી લઈને પોલીસ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ, મહિલા પોલીસ સહિત ૨૨ થી વધુ એલસીબીના પોલીસ કર્મચારીઓનો સ્ટાફ તહેનાતમાં રહ્યો છે, તેઓની મદદમાં પેરોલ ફર્લો સ્ક્વોર્ડ ના પીએસઆઇ અને ૧૫ થી વધુ નો સ્ટાફ પણ જોડાયેલા છે, અને શહેર જિલ્લા ના ગુનેગારો પર નિયંત્રણ રાખવા માટે તેમજ ગુનાઓનો ઝડપી નિકાલ લાવવા માટે ના અત્યાધુનિક સોફ્ટવેર પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.



 ખાસ કરીને મોબાઈલ ફોનની સીડીઆર મેળવવા માટે, ગુન્હેગારોના લોકેશન મેળવવા, સીસીટીવી કેમેરાઓનું કંટ્રોલિંગ કરવા, ઉપરાંત આરટીઓ કચેરી સાથે કનેક્ટ થઈને વાહનોના રજીસ્ટ્રેશન અને ચેસીસ નંબરના આધારે તેના મૂળ માલિકો સુધી પહોંચવા માટેના જુદા જુદા સોફ્ટવેરથી તમામ કોમ્પ્યુટર સુસજ્જ બનાવાયા છે, અને તે અંગેનો જરૂરી પોલીસ સ્ટાફ પણ તહેનાતમાં રહ્યો છે.
 નવી એલસીબી ની કચેરી ઉપરાંત જુની એલસીબી ની કચેરીમાં ગુનેગારોને રાખવા માટેનું પોલીસ લોકઅપ તથા અન્ય પોલીસ સ્ટાફને બેસવા માટેની કેટલીક વ્યવસ્થા વગેરે યથાવત રાખવામાં આવી છે.


 જામનગર એલસીબી ની ટીમ દ્વારા સમગ્ર જિલ્લા ના પ્રોહીબિશન ના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરો તેમજ અન્ય માથાભારે અને હિસ્ટ્રીસીટરો વગેરે તમામની યાદી તૈયાર કરીને રાખવામાં આવે છે, અને આવા રીઢા ગુન્હેગારો સામે પાસા સહિતની દરખાસ્ત વગેરેની તૈયારી પણ એલસીબીની કચેરી મારફતે થાય છે.


 ઉપરાંત તાજેતરમાં કેટલાક ગુનેગારોની હીસ્ટ્રી મેળવીને ગેંગ કેસ પણ દાખલ કરાયા છે. કેટલાક ભૂ-માફિયાઓ સામે પણ કડક અને સીમાચિહ્ન રૂપ કહી શકાય તેવી પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનું સીધું માર્ગદર્શન મળી રહે છે. એલ.સી.બી. ની ટિમ દ્વારા કેટલાક ટપોરીઓ વગેરે પર પણ નિયંત્રણ રાખવામાં આવી રહ્યું છે. તાજેતરમાં નામચીન દારૂના ધંધાર્થીઓ દ્વારા વીજ ચોરી થતી હોવાનું પણ શોધી કાઢ્યું હતું, અને વિજ તંત્રની ટીમને સાથે રાખીને સમગ્ર જિલ્લામાં મેગા ડ્રાઈવ રાખીને લાખો રૂપિયાની વિજ ચોરી પકડી લેવામાં આવી હતી.

​​​​​​​


 આ ઉપરાંત ચોરી- લૂંટ-ધાડ સહિતના અનેક ગુનાઓનો ઉકેલ લાવવામાં આવ્યો છે. લૂંટ અને ચોરીના કેસમાં ૯૦ ટકાથી વધુ ગુનાઓનો ઉકેલ લાવીને ફરિયાદી નો મુદ્દા માલ પણ પરત અપાવી દેવાની મહત્વની કામગીરી એલસીબી ની ટીમ દ્વારા કરી લેવાઇ છે.
 જેના અનુસંધાને ગુજરાત રાજ્યના ડી.જી.પી., ઉપરાંત રાજકોટ રેન્જ ના આઈ.જી.પી. અને જિલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિશેષ સન્માન પણ થયા છે, ઉપરાંત જિલ્લા પોલીસ વડા દ્વારા મહત્વના ગુનાઓ શોધી કાઢવા માટે રોકડ પુરસ્કાર પણ એનાયત થયા છે.


 હાલમાં તમામ પ્રકારની નવી ટેકનોલોજીથી સભર નવી એલસીબીની કચેરી નો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી શકાય, ઉપરાંત ગુનેગારો પર નિયંત્રણ રાખી શકાય, તે પ્રકાર ની સંપૂર્ણ સુવિધાઓથી સુસજ્જ નવી કચેરી કાર્યરત થઈ ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application