નવા કમિશનર-ટીપીઓએ 68 દિવસ પછી ડિમોલિશન કર્યું

  • August 02, 2024 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા ભયાનક અગ્નિકાંડમાં બાળકો સહિત 27 નિર્દોષ નાગરિકોના કરુણ મોત નીપજ્યા બાદ જાણે કે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર થંભી ગયું હતું. અગ્નિકાંડ અને ત્યારબાદ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ તેમજ ફાયર બ્રિગેડ બ્રાન્ચના અધિકારીઓ ઉપર એન્ટી કરપ્શન બ્યુરોના દરોડા અને ધરપકડો નો દોર લાંબો સમય સુધી ચાલ્યો હતો જેના કારણે રોજિંદી કામગીરી બિલકુલ ઠપ થઈ ગઈ હતી. ટીઆરપી કાંડ અને ટીપીકાંડ બાદ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચનું સંપૂર્ણ વિસર્જન કરીને નવસર્જન કરવામાં આવ્યું છે. શહેરમાં છેલ્લા 68 દિવસથી ગેરકાયદે બાંધકામો અને દબાણો દૂર કરવાની કામગીરી બંધ જેવી હતી. દરમ્યાન આજે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અને નવ નિયુક્ત ટીપીઓએ પહેલું ડિમોલિશન હાથ ધર્યું હતું જેમાં કોઠારીયા રોડ ઉપરના ઘનશ્યામ નગરમાં ઓરડીઓના દબાણો તોડી પાડીને 18 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
વિશેષમાં ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના અધિકારી-ઇજનેરી સૂત્રોએ જાહેર કરેલી વિગતો મુજબ, મ્યુનિસિપલ કમિશ્નર ડી.પી.દેસાઇની સૂચના અનુસાર નાયબ કમિશ્નર એચ.આર.પટેલ તથા સીટી એન્જીનીયર એ.એ. રાવલના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર હેઠળના વોર્ડ નં.17માં ઘનશ્યામ નગર વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં.5 (રાજકોટ), એફ.પી.નં.253 (એસઈડબ્લ્યુએસએચ) હેતુના અનામત પ્લોટની કુલ જમીન ચો.મી.25,159માં થયેલ ગેરકાયદેસર બાંધકામ પૈકી અંદાજે 3,500 ચોરસ મીટર જમીનમાં તાજેતરમાં થયેલ ગેરકાયદેસર દબાણ દુર કરી અંદાજે 18 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. ઉપરોક્ત કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ, બાંધકામ શાખા, જગ્યા રોકાણ શાખા, એએનસીડી વિભાગ તથા રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહ્યો હતો.
દરમિયાન ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં ચોમાસાની ઋતુ હોય કોર્ટના આદેશ મુજબ ચોમાસામાં ડિમોલિશન કરવામાં આવતા નથી પરંતુ ચોમાસુ પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application