ઝાખરની સીમમાં અજાણી સ્ત્રીની હત્યાથી ચકચાર

  • May 15, 2021 11:12 AM 

ગાડા માર્ગે કાટાળી જાળ પાસે મૃતદેહ મળી આવતાં પોલીસ દોડી: મૃતદેહ પીએમમાં ખસેડાયો: મૃતકના હાથમાં ‘એસ’ ત્રોફાવેલો છે: કોઈ પદાર્થનો ઘા ઝીંકી તથા ટૂંપો દઈ હત્યા કર્યાનું અનુમાન

જામનગર નજીક ઝાખર અને પડાણા વચ્ચેના ગાડા માર્ગે સીમ વિસ્તારમાં ગત રાત્રિના એક અજાણી સ્ત્રીનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. મેઘપર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ પ્રાથમિક વિગતો જાણી હતી. મૃતકની ઓળખ મેળવવા અને કેવી રીતે હત્યા નીપજાવવામાં આવી...? એ માટે મૃતદેહને પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે, જે રિપોર્ટમાં કારણ સહિતની વિગત સ્પષ્ટ થશે. હાલ પોલીસે જુદી-જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ મેઘપર પંથકના કડવાણી કૈમિકલ્સ પાછળ પડાણા-ઝાખર જવાના ગાડા માર્ગે કાંટાળા છોડ સીમ વિસ્તારમાં આશરે 20-25 વર્ષની એક અજાણી સ્ત્રીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગેનો મૈસેજ મળતાં મેઘપર-પડાણાના પીએસઆઈ કે.આર. સીસોદિયા સહિતની ટૂકડી ઘટના સ્થળે પહોંચી  હતી, પ્રાથમિક વિગતો જાણી હતી. દરમિયાનમાં આ અંગે ઝાખર ગામમાં રહેતાં અમરસંગ જાડેજા દ્વારા મેઘપર પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને કોઈ અજાણ્યા શખસ અથવા શખસો વિદ્ધ આઈપીસી કલમ 302 હેઠળ ફરિયાદ નોંધાવી છે.

જેમાં જણાવાયું છે કે, કોઈ અજાણ્યા શખસોએ 20થી 25 વર્ષની અજાણી સ્ત્રીને કોઈ પણ કારણોસર પથ્થર કે અન્ય કોઈપણ રીતે ઘા મારી ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું છે. જેના આધારે પોલીસે મૃતદેહનો કબજો સંભાળી જામનગર પીએમ માટે મોકલી આપ્યો છે.

મૃતક યુવતિએ શરીરે સ્કાય બ્લ્યુ કલરનું જીન્સનું પૈન્ટ તેમજ મેંદી કલરનું ટૉપ પહેરેલ છે. તેણીના ડાબા પાગે કાળો દોરો બાંધેલો છે અને ડાબા હાથમાં અંગૂઠા નજીક અંગ્રેજીમાં ‘એસ’ ત્રોફાવેલ છે. આ વર્ણનના આધારે પોલીસે જુદા-જુદા પોલીસ સ્ટેશનને આવા વર્ણનવાળી કોઈ સ્ત્રી અંગે ગૂમ નોંધ કે જાણવા જોગ થયેલ હોય તો મેઘપર પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

મેઘપરના પીએસઆઈ સીસોદિયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, કડવાણી કૈમિકલ પાછળ, ઝાખર સીમ વિસ્તારમાં અજાણી સ્ત્રીનો મૃતદેહ મળ્યો છે. કોઈએ હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પીએમ રિપૉર્ટ આવ્યા બાદ કેવી રીતે ઢીમ ઢાળી દેવાયું તે સહિતની વિગતો બહાર આવશે. હાલ મૃતકની ઓળખ મેળવવા માટે જુદી-જુદી દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે.

મૃતકના મોઢા અને હાથના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યાં છે, મોઢાનો ભાગ કાળાશ પડતો થઈ ગયો છે. મૃતદેહ નજીકથી એક પથ્થર મળી આવ્યો છે. આમ, પોલીસ દ્વારા કેટલાંક તારણ લગાવીને આજુ-બાજુના વિસ્તારોના લોકોના નિવેદન લેવા અને મૃતકની ઓળખ મેળવવા કાર્યવાહી આગળ ધપાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS