ખંભાળિયામાં બેફામ બની ગયેલા વ્યાજંકવાદીઓએ તોતિંગ વ્યાજ વસૂલ કરીને યુવાનને મારી નાખવાની ધમકી આપી

  • October 19, 2023 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રૂ. ત્રણ લાખના માસિક 60 ટકા લેખે વ્યાજ વસૂલ્યુ...


ખંભાળિયામાં રહેતા એક સતવારા યુવાનને ત્રણ લાખની રકમ હાથ ઉછીની આપીને દરરોજના બે ટકા વ્યાજ વસૂલ્યા પછી પણ વધુ રૂપિયા 10 લાખ મેળવવા માટે તેને ધાક ધમકી આપવામાં આવી હોવાનો બનાવ અહીંની પોલીસમાં નોંધાયો છે.



આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા નજીકના હરીપર વાડી વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ હરજીભાઈ નકુમ નામના 49 વર્ષના સતવારા યુવાને અહીંના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા દેવુ ખીમા રૂડાચ અને વેરશી દેવુ રૂડાચ નામના બે શખ્સો સામે અહીંની પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.



આ પોલીસ ફરિયાદમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ફરિયાદી પ્રકાશભાઈને આજથી આશરે બે વર્ષ પૂર્વે રોકડ રકમની જરૂર પડતા તેમણે આરોપીઓ પાસેથી રોજના બે ટકા લેખે રૂ. 3,00,000 લીધા હતા. જે રકમ તેઓ અઠવાડિયામાં ચૂકવી ન શકતા આરોપી દેવુ ખીમા અને વેરશી દેવુ રૂડાચએ ફરિયાદી પ્રકાશભાઈ સતવારાને પોતાની ઓફિસે બોલાવી અને બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર માર્યો હતો.



આ વચ્ચે આરોપીઓએ ફરિયાદી પ્રકાશભાઈ નકુમ પાસેથી રૂ. 23 લાખ રોકડા તેમજ બેંકના ચાર કોરા ચેક પણ પડાવી લીધા પછી પણ વધુ રૂપિયા 10 લાખની માંગણી કરી, આ રકમ આપવા માટે તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી દબાણ કર્યું હતું. આમ તોતિંગ વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને આરોપી શખ્સોએ ફરિયાદી પ્રકાશભાઈ નકુમ પાસેથી ચાર ચેક પડાવી લઈ અને બળજબરીપૂર્વક ઊંચું વ્યાજ વસૂલ કરી, નાણા ધીરધારના લાયસન્સની શરતોનું ઉલ્લંઘન કર્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.



આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે બંને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 386, 504, 506 (2), 114 તથા ગુજરાત મની લેન્ડર્સ એક્ટરની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application