કમળાની બીમારી છે માટે જાવ છું તેવી ચીઠ્ઠી મુકી લાપતા થયેલી સગીરા પ્રેમી સાથે ભાગી ગઇ હતી, ફિલ્મને ટક્કર મારે એવી સ્ટોરી

  • March 26, 2025 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના જામનગર રોડ પરના વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરા કમળાની બીમારીથી ઘર છોડી જાઉં છું તેવી ચીઠ્ઠી મૂકી લાપતા બની હતી. દરમિયાન ગાંધીગ્રામ પોલીસે બનાવની ગંભીરતા જાણી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી સગીરાને શોધી કાઢી હતી. સગીરા અહીંથી ગયા બાદ તેના પ્રેમી પાસે પહોંચી ગઈ હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે સગીરાના પ્રેમી અને તેની મદદગારી કરનાર બંને શખસોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.


જાણવા મળતી વિગતો મુજબ, માધાપર ચોકડી પાસેના વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરા ગત તા. 23/3 ના ઘરે ચિઠ્ઠી મૂકી લાપતા થઈ હતી. જે ચિઠ્ઠીમાં પોતાને કમળાની બીમારી હોવાથી ઘરેથી જતી રહ્યાનું જણાવ્યું હતું જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા એસીપી રાધિકા ભરાઈ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર.મેઘાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.બી.જાડેજા તથા ટીમે બનાવવાની ગંભીરતા જાણી તપાસ શરૂ કરી હતી. સગીર વયની દીકરી ઘરેથી જતી રહી હોય તે મોરબી રોડ પર પોલીસે લોકલ માણસોની પૂછપરછ કરી હતી બાદમાં માધાપર ચોકડી ખાતે રિક્ષા ચલાવતા રીક્ષા ચાલકોની પૂછતાછ કરી ફ્લેટમાં મળેલા ફૂટેજના આધારે સગીરાનો ફોટો દેખાડી પૂછપરછ કરી હતી.


દરમિયાન હેડ કોન્સ્ટેબલ મસરીભાઈ ભેટારીયા, મુકેશભાઈ સબાડ અને પ્રદીપભાઈ ડાંગરનો એક રીક્ષા ચાલકે સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે, ફોટોમાં દેખાતી આ સગીરાને તેને માધાપર ચોકડી ખાતે સ્પેશિયલ ભાડું કરી ગ્રીનલેન્ડ ચોકડી પાસે ઉતારી હતી. ત્યાંથી કોઈ છોકરા સાથે વાત કરવી હોય એક કડાવાળા ભાઈ પાસેથી મોબાઇલ માંગ્યો ગયો હતો જેથી પોલીસ તુરંત ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચી હતી અને અહીં અલગ અલગ વ્યક્તિઓને પૂછપરછ કર્યા બાદ સગીરાએ જેના મોબાઈલમાંથી કોલ કર્યો હતો તે વ્યક્તિ સુધી પોલીસ પહોંચી હતી. બાદમાં આ વ્યક્તિના ફોનમાંથી કોલ ડીટેઇલ કઢાવતા સગીરાએ અમનના મોબાઇલમાં કોલ કર્યાનું માલુમ પડતા પોલીસ આ અમન સુધી પહોંચી હતી. ત્યારબાદ માલુમ પડ્યું હતું કે, ઘર છોડી ભાગી ગયા બાદ સગીરા તેના પ્રેમી મહાવીરસિંહ ઉર્ફે હક્કા સાથે ભાગી ગઈ હતી અને હાલ બંને ડી માર્ટ પાસે હોય પોલીસે અહીં પહોંચી સગીરાને મુક્ત કરાવી મહાવીરસિંહની ધરપકડ કરી હતી.


જેલમાં સગીરાને ભગાડી જવાનો પ્લાન ઘડાયો

પોલીસે વિશેષમાં જણાવ્યું હતું કે અગાઉ સગીરાના ઘરમાં ઘૂસી અડપલાં કરવા અંગે મહાવીર સિંહ ઉર્ફે હક્કો ભૂપેન્દ્રસિંહ વાઘેલા (ઉ.વ 22 રહે. હાલ પીપળીધામ) પાટડી આશ્રમમાં રહેતો હોય અને ત્યાં જ સગીરા સાથે પરિચય થયો હતો તેના વિરુદ્ધ પોકોસનો ગુનો નોંધતા જેલહવાલે થયો હતો. આ દરમિયાન જેલમાં મહાવીરસિંહનો પરિચય અમન બનારસ ગુપ્તા (ઉ.વ 24 રહે. સંત કબીર રોડ ભગીરથ સોસાયટી શેરી નંબર 6) કે જેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોકસોનો ગુનો નોંધાયો હોય તેની સાથે થયો હતો.અહીં જ સગીરાને ભગાડી જવાની વાત કરતા અમને મદદ માટે હા કહી હતી. બાદમાં મહાવીરસિંહ મહિના પૂર્વે અને અમન પંદર દિવસ પૂર્વે જેલમુક્ત થયા બાદ મહાવીરસીંહે સ્નેપચેટથી સગીરાને અમનનો નંબર મોકલ્યો હોય જેના થકી સગીરાએ અમન અને ત્યારબાદ પ્રેમીનો સંપર્ક કરી બંને નાસી જવાની ફિરાકમાં હતા. પોલીસે આ મામલે મહાવીરસિંહ અને અમન બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


ટેકનોલોજી નહીં કોઠાસૂઝથી સગીરાની ભાળ મેળવી

હાલના દિવસોમાં પોલીસ મોટાભાગના ભેદ ઉકેલવામાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરે છે અને જ્યાં ટેકનોલોજી સાથ ન આપે ત્યાં પોલીસ માટે કામ ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. પરંતુ આ કિસ્સામાં ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મસરીભાઈ ભેટારીયા, મુકેશભાઇ સબાડ અને પ્રદીપભાઈ ડાંગર સહિતનાએ ટેકનોલોજી મદદરૂપ થઈ શકે તેમ ન હોય કારણ કે સગીરા પાસે ફોન ન હતો ત્યારે કોઠાસૂઝથી અને જૂની પદ્ધતિથી સગીરાની ભાળ મેળવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application