પિતાના હત્યારાઓના નામ ન દેતાં આધેડને પતાવી દીધા’તા

  • March 04, 2021 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં હોસ્પિટલ ચોકમાં સમીસાંજે વીંછિયા પંથકના પ્રૌઢને તેના જ બે મિત્રોએ પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધા હતા. હત્યા કરી ભાગી રહેલા બંનેને પોલીસે ઉઠાવી લીધા હતા. આ મામલે પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ કરતા હત્યા અંગે ચોંકાવનારૂ કારણ સામે આવ્યું હતું.


હત્યારા પૈકી મયુરસિંહના પિતા સહદેવસિંહ બે વર્ષ પૂર્વે કેસરી હિન્દ પુલ પરથી પડી જવાથી શંકાસ્પદ મોત થયું હતું મયુરસિંહને એવી શંકા હતી કે તેના પિતાની હત્યા થઈ છે અને મૃતક કાળુ પરમાર કે જે તેના પિતાનો પણ મિત્ર હોય તે હત્યારાઓના નામ જાણે છે જેથી આ નામ આપવા બાબતે ગઈકાલે બંને વચ્ચે ઝઘડો થયા બાદ ઉશ્કેરાઈ માથમાં પથ્થર મારી હત્યા કરી નાંખી હતી.


હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલ સાંજના હોસ્પિટલ ચોકમાં નવા બની રહેલા ઓવરબ્રિજના ખાડામાં લોહીથી લથબથ હાલતમાં લાશ પડી હોવાની જાણ થતાં ક્રાઇમ બ્રાંચ અને એ.ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે તપાસ કરતાં મૃતક વીંછિયાના (આલ ખાચરની)પીપરડી ગામના કાળુ પાલાભાઇ પરમાર (ઉ.વ.૫૦) હોવાનું ખુલ્યું હતું. કાળુ પરમાર પીપરડીનો વતની હતો અને તે રખડતું ભટકતું જીવન જીવતો હતો.તેને સંતાનમાં બે પુત્ર એક પુત્રી છે.
હત્યાની ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસે ઘટનાસ્થળ નજીકના તેમજ આઇ-વે પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં ઘટનાસ્થળ નજીકથી બે શખસ શંકાસ્પદ જણાતા પોલીસે કેમેરામાં કેદ દેવપરાના અમિત ભગવાન જેઠવા (ઉ.વ.૩૬) અને ત્રાપજના મયૂરસિંહ સહદેવસિંહ ગોહિલ નામના શખસને ઉઠાવી લીધા હતા. પોલીસે બંને શખસોની સઘન પૂછપરછ કરતા એવી હકીકત સામે આવી હતી કે, તળાજાના ત્રાપજ ગામનો વતની સહદેવસિંહ રાજકોટમાં માધાપર ચોકડી નજીક રહે છે. તેના પિતા સહદેવસિંહનું બે વર્ષ પૂર્વે કેસરી પુલ પરથી પડી જવાથી મોત થયું હતું પરંતુ મયુર સિંહને એવી શંકા હતી કે તેના પિતાની હત્યા થઈ છે મૃતક કાળુ પરમાર તેના પિતાના મિત્ર હોય ગઈકાલે ઓચિંતા ત્રણેયની મુલાકાત થતા મયુરસિંહે કાળુ પરમારને પોતાના પિતાના હત્યારાઓના નામ જણાવવા કહ્યું હતું. પરંતુ કાળુ પરમારે આ વિશે કંઈ ન જાણતો હોવાનું કહેતા મયુરસિંહ ઉશ્કેરાઈ ગયો હતો. અને તેણે માથામાં પથ્થરનો ઘા ઝીકી તે કાળુ પરમાર ની હત્યા કરી નાખી હતી.બનાવ અંગે મૃતકના પુત્ર દિનેશ કાળુભાઇ પરમારની ફરિયાદ પરથી પોલીસે બંને શખસો સામે હત્યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS