સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટેની લિંક લોન્ચ કરાઈ

  • December 09, 2023 09:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનમાં સહભાગી થનારા તમામને મળશે પ્રમાણપત્ર, વિજેતાઓ માટે અંદાજે બે કરોડથી વધુ રકમના ઇનામો જાહેર કરાયા

રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યમાં સૌપ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધા-૨૦૨૩-૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. તા.૬ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. આ માત્ર એક સ્પર્ધા નહિ, પરંતુ સૂર્ય નમસ્કારને લોકોના રોજિંદા જીવનનો હિસ્સો બનાવવાનું એક મહાઅભિયાન બની રહે, એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.
તાજેતરમાં જ રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં નોંધણી કરાવવા માટેની લિંક લોન્ચ કરવામાં આવી છે. https://snc.gsyb.in/ લિંક પર ૧૫મી ડિસેમ્બર સુધીમાં નોંધણી કરાવીને સૂર્ય નમસ્કાર મહાઅભિયાનમાં સહભાગી બની શકાશે. ગ્રામ્ય/ શાળા અને વોર્ડ કક્ષાથી શરૂ કરી રાજ્ય કક્ષાએ યોજાનાર આ સ્પર્ધામાં સહભાગી બનવા માટે ઓનલાઇન લિંકના માધ્યમથી રજિસ્ટ્રેશન કરી શકાશે.
રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ અંગે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ૨૦ હજારથી વધુ સ્થળોએ યોગ સ્પર્ધાનું આયોજન થશે અને અંદાજે ૨ કરોડથી વધુ રકમના ઇનામો યોગ સ્પર્ધકોને આપવામાં આવશે. સમગ્ર રાજ્યમાં ૨૦ હજારથી વધુ સ્થળોએ સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સૂર્ય નમસ્કારની આ સ્પર્ધામાં ૦૯થી ૧૮ વર્ષ, ૧૯થી ૪૦ વર્ષ અને ૪૧ વર્ષથી ઉપરની વયના નાગરિકો, એમ ત્રણ કેટેગરીમાં ભાગ લઇ શકશે. સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેનારા તમામને ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે તથા તમામ સ્તરના વિજેતાઓને રોકડ ઇનામો આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. તમામ સ્તર પર મહિલા અને પુરુષ એમ જુદી જુદી શ્રેણીમાં વિજેતાઓને ઇનામ આપવામાં આવશે.
તમામ સ્તરની સ્પર્ધાઓ પૂર્ણ થયા બાદ તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ મોઢેરા સૂર્ય મંદિર ખાતે ભગવાન સૂર્ય નારાયણની હાજરીમાં નવા વર્ષના પ્રથમ સૂર્યના કિરણ સાથે સૂર્ય નમસ્કાર દ્વારા સૂર્ય દેવતાની આરાધના કરતા સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં રાજ્ય કક્ષાએ વિજેતા સ્પર્ધકોનો ભવ્ય સન્માન સમારોહ પણ યોજવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application