-જામનગરના ભૂ-માફિયા જયેશ પટેલને ભારત લાવવાની કાનૂની પ્રક્રિયા અંતિમ ચરણમાં

  • June 16, 2021 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્રીટીશ કોર્ટમાં આજે સુનાવણી: સરકાર પક્ષે અસંખ્ય ડૉક્યુમેન્ટ્સ રજૂ કરાયા

જામનગર સહિત રાજ્યમાં ભારે ચકચારી બનેલા ઍડવોકેટ હત્યા કેસ અને ગુજસીટોકના મુખ્ય આરોપી ભૂ-માફિયા જયેશ પટેલ સામે 45 જેટલી ફરિયાદ દાખલ થઈ છે. લંડનમાં ઝડપાયેલા ભૂ-માફિયાને ભારત લાવવા માટે કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અગાઉ એપ્રીલ-મેની સુનાવણી વખતે સરકાર પક્ષે પાંચ હજારથી વધુ ડૉક્યુમેન્ટ્સ રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાનમાં બ્રીટીશ કોર્ટમાં આજે કેસ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી છે. જે સુનાવણી બાદ ભૂ-માફિયાને ભારતમાં લાવી શકાશે કે કેમ? તે અંગેની પ્રક્રિયા નક્કી થશે.

જામનગરમાં 100 કરોડની જમીન કૌભાંડ અન્ય જમીનના પ્રકરણ તેમજ ઍડવોકેટ કીરિટ જોશીની સોપારી આપીને હત્યા, ફાયરીંગ, ખંડણી, ધાક-ધમકી અને ગુજસીટોક સહિતના 45 જેટલાં જુદા-જુદા ગુનાઓમાં સંડોવાયેલા વૉન્ટેડ બનેલા ભૂ-માફિયા જયેશ મુળજી રાણપરિયા ઉર્ફે જયેશ પટેલ વિદેશ હોવાનું વચ્ચે વાતો વહેતી થઈ હતી. ગુજસીટોક પ્રકરણમાં ભૂ-માફિયાના સાગરીતોને દબોચી લઈને જેલ ભેગા કરવામાં આવ્યા છે.

ભૂ-માફિયા જયેશ પટેલની ગુનાખોરીના ગ્રાફ દિવસે-દિવસે વધી જતાં અને એક-પછી-એક ગંભીર ગુના બહાર આવતાં તેના ગુનાહિત સામ્રાજ્યને નેસ્તોનાબૂદ કરવા ગૃહ વિભાગમાંથી આદેશો છૂટ્યા હતાં અને સ્પેશિયલ ઑપરેશનના ભાગપે જામનગર ખાતે એસપી દીપન ભદ્રનની નિમણૂંક કરવામાં આવી હતી. ‘ઑપરેશન જયેશ’ હાથ ધરીને સુપર કૉબ એસપી દીપન ભદ્રન અને તેમના ચૂનંદા અધિકારીઓની ટીમે ગુજસીટોકનો ગુનો નોંધી જુદા-જુદા ક્ષેત્રના ગેંગના સાગરીતોને પકડી લીધાં હતાં. એ પછી હત્યા કેસના મુખ્ય ત્રણ આરોપી ઝપટમાં આવ્યા હતાં, જેમાં બોગસ પાસપોર્ટનો મામલો સામે આવ્યો હતો.

ગુજસીટોકમાં રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં જામનગર પોલીસે 3 હજારથી વધુ પાનાનું ચાર્જશીટ કર્યું હતું. કીરિટ જોશી હત્યા કેસ અને ગુજસીટોક પ્રકરણમાં જયેશ પટેલને ફરાર જાહેર કરાયો હતો, વિદેશ હોવાની વાત વહેતી થતાં આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરાતા લંડનનું લૉકેશન આવ્યું હતું અને એ પછી થોડાં દિવસો બાદ લંડનમાં જયેશ પટેલ પકડાઈ ગયો હોવાના અહેવાલો આવ્યા હતાં.

બ્રીટનમાં ગેરકાયદે ઘૂસેલા લોકોને શોધીને તડીપાર કરતાં યુનિટના ડિટેક્ટિવોએ જયેશ પટેલને લંડનના સેટોન પ્લાઝા એરિયામાંથી પકડ્યો હતો અને જેલભેગો કર્યો હતો. ગત્ માર્ચ મહિનામાં તેને વેસ્ટ મિનિસ્ટર કોર્ટમાં વીડિયો લિંક દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. દુભાષિયાની મદદથી કોર્ટ કાર્યવાહી ચાલી હતી.

એ પછી એપ્રીલ-મેના મહિનામાં સુનાવણી થઈ હતી, જેમાં સરકાર પક્ષે પાંચ હજારથી વધુ ડૉક્યુમેન્ટ્સ રજૂ કરવામાં આવ્યા હોવાનું અને ભૂ-માફિયાને ભારત લાવવા માટેની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી હતી. જૂનમાં સુનાવણી થશે એવું જે તે વખતે બહાર આવ્યું હતું. દરમિયાનમાં આજે જયેશ પટેલના કેસમાં બ્રીટનની કોર્ટમાં સુનાવણી રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બ્રીટનના કાયદા અનુસાર તેને ભારત લાવવાનો માર્ગ મોકળો બને છે કે કેમ? તે નક્કી થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)