BREAKING NEWS

ગુજરાતના UPSC ઉમેદવારો માટે ખુશખબર: સરકાર મહિને 4 હજાર રૂપિયાની સહાય કરશે

  • July 01, 2026 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના યુવાનો દેશની સૌથી પ્રતિષ્ઠિત એવી સંઘ લોકસેવા આયોગ (યુપીએસસી)ની સિવિલ સર્વિસ પરીક્ષામાં વધુને વધુ સફળતા મેળવે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર સંચાલિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા) અને તેના માન્ય તાલીમ કેન્દ્રોમાં તૈયારી કરતા ઉમેદવારો માટેની પ્રોત્સાહન સહાયના દરોમાં સરકારે નોંધપાત્ર વધારો કર્યો છે. આ નિર્ણયથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં નવી આશા અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.


સરકારની નવી નીતિ મુજબ, પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને હવે દર મહિને 4,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, પરીક્ષાના વિવિધ તબક્કાવાર સફળતા મેળવનાર ઉમેદવારો માટે પ્રોત્સાહન રાશિ નક્કી કરવામાં આવી છે, જેમાં પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર યુવકોને 35,000 રૂપિયા અને યુવતીઓને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે મુખ્ય (મેઇન) પરીક્ષા પાસ કરનાર યુવકોને 45,000 રૂપિયા અને યુવતીઓને 55,000 રૂપિયા. અંતિમ પસંદગી પામેલા યુપીએસસી માં અંતિમ સફળતા મેળવનાર યુવકોને 75,000 રૂપિયા અને યુવતીઓને 1 લાખ રૂપિયાની પ્રોત્સાહન સહાય મળશે.


આમ, તમામ તબક્કાની સહાયને ગણતા, હવે એક ઉમેદવારને તેમની સફળતાના આધારે કુલ 1.55 લાખ (યુવકો)થી લઈને 2.05 લાખ (યુવતીઓ) સુધીની સહાય મળી શકશે.


આ યોજનાના અમલીકરણ અંગે સ્પષ્ટતા કરતા સ્પીપાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ચંદ્રેશ કોટકે જણાવ્યું હતું કે, આ પ્રોત્સાહન સહાય દરેક તબક્કા માટે માત્ર એક જ વાર મળવાપાત્ર રહેશે. જો કોઈ ઉમેદવાર ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યા બાદ અંતિમ યાદીમાં સ્થાન ન મેળવી શકે અને આગામી વર્ષે ફરીથી ઇન્ટરવ્યુ સુધી પહોંચે, તો તેમને અગાઉ મળી ચૂકેલી પ્રિલિમ કે મેઇનની સહાય ફરી મળશે નહીં, પરંતુ ઇન્ટરવ્યુ તબક્કાની સહાય ફરીથી મેળવવા માટે તેઓ હકદાર રહેશે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી આર્થિક અડચણોને કારણે તૈયારી છોડી દેતા તેજસ્વી વિદ્યાર્થીઓને મોટું પીઠબળ મળશે. સરકારને વિશ્વાસ છે કે આ નાણાકીય પ્રોત્સાહનથી આગામી સમયમાં ગુજરાતમાંથી સિવિલ સર્વિસમાં પસંદગી પામતા ઉમેદવારોની સંખ્યામાં ચોક્કસપણે વધારો થશે અને રાજ્યના યુવાનો દેશના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application