જે રીતે ગિરનારની લીલી પરિક્રમાનુ આયોજન થાય છે તે રીતે પોરબંદરના બરડા ડુંગરની પરિક્રમાનું પણ દર વર્ષે વિક્રમ સંવતના નવા વર્ષે આયોજન થાય છે. તે અંતર્ગત ત્રીજના દિવસે જાંબુવંતી ગુફા ખાતેથી લીલી પરિક્રમાનુ પ્રસ્થાન થયુ હતુ અને પ્રસ્થાન સમયે ૧૫૫ જેટલા યાત્રાળુઓ જોડાયા હતા તેમજ રસ્તામાંથી પણ વિશાળ સંખ્યામાં યાત્રાળુઓ જોડાશે. રાણાવાવની જાંબુવંતી ગુફાની આયોજક સમિતિ દ્વારા કારતક સુદને ત્રીજને સોમવાર તા. ૪-૧૧થી ચાર દિવસ માટેની બરડા ડુંગરની પરિક્રમા યોજવામાં આવી છે. બરડો ડુંગર દેવભૂમિ છે. તે ૧૪મુ રતન છે. તેમા અનેક દેવ-દેવીઓ તથા સંતો બિરાજે છે. શ્રી ત્રિકમાચાર્યબાપુ તથા શ્રી વિંધ્યવાસી (વેણુવાળીમા)ની તપોભૂમિ છે. તો ઉપરોકત સમસ્ત દેવી-દેવતાઓ, સંતો તથા બરડા દેવની પ્રદક્ષિણાનું આયોજન રાણાવાવ જંબુવંતી ગુફા આયોજક સમિતિ દ્વારા ચાર દિવસ માટે કરવામાં આવ્યુ છે.આ વર્ષે હજુ વરસાદ વરસી રહ્યો હોવાથી લીલીછમ્મ જોવા મળી રહી છે અને અમુક જગ્યાએથી તો પાણીના ઝરણા ખળખળ વહી રહ્યા છે. ત્યારે આ લીલી પરિક્રમાનુ પ્રસ્થાન કરાવવા છાયા સ્વામિનારાયણ ગુરુકુળના શાસ્ત્રી સ્વામી શ્રી ભાનુપ્રકાશદાસજી, લીરબાઇ આશ્રમના પરમ પૂજ્ય દેવી આઇ, રાણાવાવ મોમાઇ મંદિરના ભુવાઆતા શ્રી દેવાઆતા સહિત સંતો-મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ પરિક્રમાનુ પ્રસ્થાન થયુ હતુ.
જાંબુવંતી ગુફા ખાતેથી પ્રસ્થાન કરી જંગલના રસ્તે થઇ સાંજ સુધીમાં રાણપુર ધિંગેશ્ર્વર મહાદેવના સાન્નિધ્યમાં રોકાણ કરવામાં આવ્યુ હતુ. બીજો પડાવ મંગળવારે વહેલી સવારે ૫ વાગ્યે પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ અને આ પરિક્રમા પાછતર ઘુમલી થઇ મોડપર આહિર સમાજ ખાતે રાત્રિ રોકાણ કરવામાં આવ્યુ હતુ.
આજે ત્રીજો પડાવ
આજે ત્રીજો પડાવ તા. ૬-૧૧-૨૦૨૪ બુધવારે વહેલી સવારે પાંચ વાગ્યે પ્રસ્થાન કરી બીલેશ્ર્વર મહાદેવ ખાતે ચા નાસ્તો કરી રાત્રી મુકામ કષ્ટભંજન હનુમાનજીની જગ્યાએ કરવામાં આવશે. ચોથો પડાવ તા. ૭-૧૧-૨૦૨૪ ગુરુવારે વહેલી સવારે ૫ વાગ્યે પ્રસ્થાન કરી રાણાવાવ મુકામે જાંબુવંતીના ગુફા ખાતે પરિક્રમાની પૂર્ણાહુતિ થશે.
પ્રકૃતિ વચ્ચે ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ
નવા વર્ષે બરડા ડુંગરની પરિક્રમાનુ આયોજન થયુ છે ત્યારે પ્રકૃતિ વચ્ચે ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ રચાયો છે. આ પરિક્રમામાં જતા યાત્રાળુઓ સમગ્ર ટ ઉપર ભક્તિભાવ સાથે ભગવાનના ભજન કીર્તન કરતા જતા હોય છે અને સાથોસાથ જ્યા કયાંય પણ પડાવ હોય ત્યાં તેમના માટે ભોજન મહાપ્રસાદીનુ આયોજન કરવામાં આવે છે અને વિશાળ સંખ્યામાં બરડા પંથકના લોકો પરિક્રમામાં જોડાતા હોય છે.ત્યારે આ વર્ષે પ્રસ્થાન કરવામાં આવ્યુ ત્યારે ૧૫૫ જેટલા યાત્રાળુઓ જોડાયા હતા ત્યારબાદ રસ્તામાંથી અલગ અલગ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ જોડાયા હતા.
બે જિલ્લાને જોડતી પરિક્રમા
પોરબંદર નજીકનો ૧૯૨ ચો.કિ.મી.માં ફેલાયેલો બરડો ડુંગર પ્રકૃતિ અને પર્યાવરણથી ફાટફાટ થઇ રહ્યો છે. આ ડુંગર પોરબંદર જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આવેલો છે તેથી દર વર્ષે બરડા ડુંગરની પરિક્રમા શ થાય છે ત્યારે પોરબંદર જિલ્લાના રાણાવાવ નજીક આવેલી ઐતિહાસિક જાંબુવંતી ગુફા ખાતેથી પ્રસ્થાન થાય છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા બરડા ડુંગરના રાણપર નજીકના ધીંગેશ્ર્વર મહાદેવ મંદિરના સાન્નિધ્યમાં થઇને પરત પોરબંદર જિલ્લામાં ફરતી આ પરિક્રમામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા છે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા ભીમામાઇ મકવાણા, માલદેભાઇ ઓડેદરા, ચંદ્રેશભાઇ ભલસોડ, વશરામભાઇ પીપરોતર, રમેશભાઇ ચૌહાણ, નિખીલભાઇ સોની , સુનીલભાઇ ચૌહાણ, જગુભાઇ મોરી, લિલેશભાઇ સોનીના , ધર્મેશ મકવાણા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.
યંગ જનરેશન કરતા વયસ્કોની સંખ્યા વધુ
બરડા ડુંગરની પરિક્રમામાં દર વર્ષે વૃધ્ધો અને મોટી ઉંમરના લોકો વધારે જોડાતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગિરનારની લીલી પરિક્રમામાં યંગ જનરેશનની સંખ્યા નોંધપાત્ર જોવા મળી રહી છે પરંતુ બરડા ડુંગરની પરિક્રમામાં યુવા પેઢી નોંધપાત્ર સંખ્યામાં હોતી નથી અને આ વર્ષે પદયાત્રાનુ પ્રસ્થાન થયુ ત્યારે જોડાયેલા ૧૫૫ લોકો માંથી મોટાભાગના મોટી ઉંમરના વયસ્કો હોવાનુ નજરે ચડયુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech