સાવરકુંડલા પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ-ચીફ ઓફિસરેે રૂ.૫ કરોડનો ભ્રષ્ટાચાર આચર્યો !

  • March 04, 2024 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ મહીલા પ્રમુખ અને ચીફ ઓફિસરની મીલીભગતથી ગત માર્ચ ૨૦૨૧થી સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીના અઢી વર્ષના શાસનકાળ દરમિયાન જનતા જનાર્દનના ટેક્સના પૈસાનો ભ્રષ્ટાચાર કરી રૂપિયા ૫ કરોડના ખોટા બીલો બનાવી રૂપિયા ઘર ભેગા કર્યાનો આક્ષેપ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યો છે. વધુમાં તેણે જણાવ્યું છે કે, ગુજરાત ગેસ કંપની દ્વારા સાવરકુંડલા શહેરમાં ઘેરઘેર ગેસ કનેક્શન આપવા માટે જે રોડ રસ્તાઓ ખોદવામાં આવેલ છે તેને રિપેર કરવા માટે એડવાન્સ રકમ રૂપિયા ૧ કરોડ ૨૯ લાખ નગરપાલિકામાં જમા કરાવેલ છે તે રકમનો હેતુ ફેર કરી ખોટા બીલો બનાવી ચૂકવી દીધેલ છે. તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી સડક યોજના વર્ષ ૨૦૨૨-૨૩ ની ગ્રાન્ટ પેટે સાવરકુંડલા નગરપાલિકામાં રૂપિયા ૮,૫૯,૧૯,૫૦૦  (રૂપિયા આઠ કરોડ ઓગણસાઇઠ લાખ ઓગણીસ હજાર પાંચસો)ની રકમ જમા થયેલ છે જેમાંથી રૂપિયા ૭ કરોડ ૨૫ લાખની રકમનું સીસી રોડ તથા પેવિંગ બ્લોકનું ટેન્ડર કરી કામ ચાલુ કરેલ છે અને રૂપિયા ૧ કરોડ ૩૫ લાખની રકમના ડામર રોડનું કામ નહીં કરી હેતુ ફેર કરી આ મસમોટી રકમના ખોટા બીલો બનાવી ચૂકવી દીધેલ છે. તદઉપરાંત ઇમ્પેક્ટ ફી પેટે આવેલ રૂપિયા ૭૮ લાખ અને મહુવા રોડ પ્રેસ માર્કેટની દુકાનોની રેગ્યુલેશન ફીના ૨૦ ટકા લેખે રૂપિયા ૧ કરોડથી વધુની રકમના પણ હેતુફેર કરી ખોટા બિલો બનાવી રકમ ચૂકવી દીધેલ છે આમ ઉપરોક્ત ગેસ કનેક્શન રોડ રસ્તા રીપેર, ડામર રોડની ગ્રાન્ટ, ઇમ્પેક્ટ ફી, પ્રેસ માર્કેટ રેગ્યુલેશન ફી પેટેની ૨૦% રકમ વિગેરે મળી કુલ રૂપિયા પાંચ કરોડ જેટલી રકમનો વધુ ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે અને સાવરકુંડલા શહેરના લોકો સાથે દ્રોહ કરવામાં આવ્યો છે. ત્યારે સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ચીફ ઓફિસરની મીલીભગતથી પ્રથમ રૂપિયા ૧૮ કરોડ અને હવે રૂપિયા ૫ કરોડ મળી કુલ રૂપિયા ૨૩ કરોડનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને હજુ ભવિષ્યમાં આ ભ્રષ્ટાચારી પ્રમુખ અને તેના મળતીયાઓના વધુ ભ્રષ્ટાચારના પુરાવા મળી આવે તો નવાઈ નહીં. આ અંગે સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા સંબંધિત વિભાગમાં રજૂઆત કરી પગલાં ભરવા જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application