દેશની કરન્સી વ્યવસ્થામાં ખૂબ જ ટૂંક સમયમાં એક મોટો અને હાઈટેક બદલાવ જોવા મળી શકે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે જણાવ્યું હતું કે બેંક હવે દેશમાં પ્લાસ્ટિક નોટો ચલાવવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. આ યોજના હાલ તેના શરૂઆતી તબક્કામાં છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટૂંક સમયમાં જ આ અંગે એક પાયલોટ પ્રોજેક્ટ (પ્રાયોગિક પરીક્ષણ) ની જાહેરાત કરવામાં આવી શકે છે.
શરૂઆતમાં રૂ.10 અને રૂ.20 ની નોટોથી થશે ટ્રાયલ
નાની નોટોની પસંદગી:-
સૌથી પહેલા રૂ.10 અને રૂ 20 ની નોટોને પ્લાસ્ટિક સ્વરૂપે બજારમાં મૂકવામાં આવી શકે છે.
ખરાબ થવાનું જોખમ ઓછું:- આ નોટોનો ઉપયોગ સૌથી વધુ થતો હોવાથી તે ઝડપથી ફાટી કે ભીંજાઈને ખરાબ થઈ જાય છે. પોલિમર નોટો આવવાથી આ સમસ્યાનો કાયમી અંત આવશે.
દુનિયાના 60 થી વધુ દેશોમાં પહેલેથી જ દોડે છે આ 'સ્માર્ટ મની'
વિશ્વના આશરે 60 જેટલા દેશો ઘણા સમયથી આ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે
ઓસ્ટ્રેલિયાની પ્રથમ પહેલ:- વિશ્વમાં સૌથી પહેલીવાર વર્ષ 1988 માં ઓસ્ટ્રેલિયાએ પોલિમર આધારિત પ્લાસ્ટિક નોટો બહાર પાડી હતી, જેને આજે દુનિયાની સૌથી મજબૂત કરન્સી માનવામાં આવે છે.
અન્ય દેશોની સફર:- ઓસ્ટ્રેલિયાની સફળતા બાદ કેનેડાએ વર્ષ 2011 માં પોતાની કરન્સી બદલી હતી. આ ઉપરાંત યુનાઇટેડ કિંગડમ (UK), સિંગાપોર, ન્યૂઝીલેન્ડ, મલેશિયા અને થાઈલેન્ડ જેવા દેશોમાં પણ પ્લાસ્ટિકની નોટો જ ચલણમાં છે.
કાગળની નોટો કરતા પ્લાસ્ટિક નોટો કેટલી ફાયદાકારક?
નાણાકીય નિષ્ણાતોના મતે, આ નવી ટેકનોલોજી દેશના અર્થતંત્ર અને નાગરિકો માટે ગેમ ચેન્જર સાબિત થશે:
લાંબુ આયુષ્ય
સામાન્ય કાગળની નોટો જ્યાં માંડ 2 થી 3 વર્ષ ચાલે છે, ત્યાં પ્લાસ્ટિક નોટો 5 થી 10 વર્ષ કે તેથી વધુ સમય સુધી સુરક્ષિત રહે છે.પાણી અને ધૂળથી સુરક્ષિત,આ નોટો પર પાણી, ભેજ કે ધૂળની કોઈ અસર થતી નથી. તે ધોવાઈ જવાની કે ફાટી જવાની બીક રહેતી નથી.
નકલી નોટો પર કડક લગામ
આરબીઆઈના તાજેતરના અહેવાલમાં 500 ની નકલી નોટો અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી. પોલિમર નોટોમાં એવા ખાસ સિક્યોરિટી ફીચર્સ ઉમેરી શકાય છે, જેની નકલ કરવી અશક્ય બની જાય છે. આનાથી ફેક કરન્સીના કાળા કારોબારને જડબાતોડ જવાબ મળશે.
છપામણીના ખર્ચમાં બચત
દર વર્ષે કરોડો રૂપિયા જૂની નોટોને નષ્ટ કરવા અને નવી નોટો છાપવામાં વપરાય છે. નોટોનું આયુષ્ય વધવાથી આરબીઆઈને છાપકામ અને
મેઈન્ટેનન્સના ખર્ચમાં હજારો કરોડ રૂપિયાની મોટી બચત થશે
ગ્રાહકોએ ગભરાવાની સેહજ પણ જરૂર નથી
આરબીઆઈ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો ભવિષ્યમાં આ યોજના અમલમાં આવશે, તો પણ તે તબક્કાવાર રીતે જ લાગુ કરવામાં આવશે. જૂની કાગળની નોટોને એક ઝાટકે બંધ કરવામાં નહીં આવે. લાંબા સમય સુધી બજારમાં પ્લાસ્ટિક અને કાગળની બંને નોટો એકસાથે માન્ય રહેશે. તેથી સામાન્ય જનતાએ અફવાઓથી દૂર રહીને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.ડિજિટલ પેમેન્ટની સાથે સાથે રોકડ વ્યવહારને પણ સ્માર્ટ બનાવવાની દિશામાં આ ભારત સરકાર અને આરબીઆઈનું એક અત્યંત પ્રશંસનીય કદમ સાબિત થશે.