જામનગરમાંથી લાપતા બનેલો વિદ્યાર્થી હેમખેમ પરત આવી જતાં પરિવારે હાશકારો અનુભવ્યો

  • March 16, 2021 10:51 AM 

પરીક્ષાના ટેન્શનના કારણે ઘર છોડીને ચાલ્યો ગયો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત

જામનગરમાં સરુ સેક્શન રોડ પર શિવા ટેનામેન્ટ માં રહેતો અને અગિયારમા ધોરણમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી ટ્યુશન ક્લાસ માં જવા માટે નીકળ્યા પછી એકાએક લાપતા બની ગયો હતો. પરિવારજનોની શોધખોળ પછી તેનો કોઈ પત્તો નહીં મળતાં આખરે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધાવાયો હતો, જે વિદ્યાર્થી હેમખેમ પરત આવી જતાં પરિવારજનો તેમજ પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો છે. પરીક્ષાના ટેન્શનના કારણે ઘર છોડ્યું હોવાની કબુલાત આપી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સરુ સેક્શન રોડ પર શિવા ટેનામેન્ટ ના બ્લોક નંબર ૯ માં રહેતા વેપારી જીગ્નેશભાઈ કનૈયાલાલ વિઠલાણી નો ૧૫ વર્ષનો પુત્ર રુદ્ર ૧૧ મી તારીખે પોતાના ઘેરથી સાડા પાંચેક વાગ્યાના અરસામાં ટ્યુશન ક્લાસમાં જવાનું કહીને નીકળ્યા પછી મોડે સુધી ઘેર પરત ફર્યો ન હતો. જેથી પરિવારજનોમાં ચિંતા વધી હતી. અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

મોડી રાત્રી સુધી પણ તેનો કોઈ પત્તો નહીં મળતાં આખરે પરિવારજનોએ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો, અને જિગ્નેશભાઇ વિઠલાણી ની ફરિયાદના આધારે પોલીસે અજ્ઞાત શખ્સો સામે અપહરણનો ગુનો નોંધ્યો છે, અને ગૂમ થયેલા વિદ્યાર્થીની શોધખોળ ચાલુ કરવામાં આવી હતી.

દરમિયાન આખરે વિદ્યાર્થી પાછો આવી ગયો છે અને તેના પરિવારજનો તેમજ પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો છે.

વિદ્યાર્થી રૂદ્રનું સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં  પી.એસ.આઇ. આર.એ. વાઢેર દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતું. જેમાં તેણે પરીક્ષાના ટેન્શનના કારણે ઘર છોડ્યું હોવાની કબૂલાત આપી હતી. પોતે ઘેરથી નીકળ્યા પછી બસમાં બેસીને રાજકોટ પહોંચ્યો હતો, અને ત્યાર પછી રાજકોટ થી બસમાં બેસીને વડોદરા પહોંચ્યો હતો. જોકે પાછળથી પરિવારજનોની ચિંતા થતા બસમાં બેસીને ફરીથી જામનગર આવી ગયો હોવાનું જણાવ્યું હતું.

પોલીસ દ્વારા તેને સમજાવટ કર્યા પછી તેનો કબજો વાલીને સુપરત કરી દેવામાં આવ્યો છે. પુત્ર હેમખેમ પરત ફર્યો હોવાથી પરિવારજનો માં પણ ખુશીની લહેર દોડી ગઇ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS