મનુષ્યલોકના ટેલિવિઝનમાં નાગણીઓનો દબદબો

  • March 20, 2024 12:24 PM 

ટેલિવિઝન પર ઘણાં સમયથી એક સિરીયલ આવે છે. એમાં શરૂઆતમાં તો એક ઇચ્છાધારી નાગણી હતી, પણ જેમ જેમ સિરીયલ આગળ વધતી ગઇ એમ એમ એમાં મનુષ્યપાત્ર ઓછા થતાં ગયાં અને ઇચ્છાધારી નાગણીઓની સંખ્યા વધતી ગઇ. અત્યારે તો એ સિરીયલમાં એટલી નાગણીઓ છે કે ખબર પડતી નથી કે એ સિરીયલ મનુષ્યલોકની છે કે નાગલોકની ! આ બધી નાગણીઓ મનુષ્યના ઘરમાં જ રહે છે અને એની સાથે લગ્ન કરીને મનુષ્યોની વચ્ચૈ જીવન પણ પસાર કરે છે. મનુષ્યો અને નાગણીઓ એટલાં બધાં હળીમળી ગયાં છે કે કોણ કોના જગતમાં રહે છે એ કહેવું મુશ્કેલ છે. વળી એમાં તમામ સંબંધોમાં નાગણીઓ છે. ક્યાંક કોઇક મનુષ્ય નણંદની ભોજાઇ નાગણી છે અને તો ક્યાંક બનેવીની પાટલાસાસુ નાગણી છે. ક્યાંય કાકીજીની દિકરી નાગણી છે તો ક્યાંક જેઠની વેવાણ નાગણી છે. મનુષ્યો અને નાગોમાં એટલી બધી તો આંટાઘુટી એ સિરીયલમાં છે કે એવું લાગે છે કે એ સિરીયલમાં થોડાં સભય પછી તમામ સ્ત્રિપાત્રો નાગણી હશે અને તમામ પુરૂપપાત્રો મનુષ્ય હશે. ગમે ત્યારે ગમે તે સ્ત્રિ નાગણીમાંથી મનુષ્ય બની જાય છે તો ગમે ત્યારે કોઇ પણ સ્ત્રિ મનુષ્યમાંથી નાગણી બની જાય છે. ફક્ત સ્વરૂપથી જ નહી, પણ એ ફક્ત મનુષ્ય હોય એમાંથી ઇચ્છાધારી નાગણી બનવાની ક્ષમતાઓ પ્રાપ્ત કરી લે છે એમ. અચંબો તો ત્યારે થાય છે કે જ્યારે એ નાગણીઓ મનુષ્યના સ્વરૂપમાં હોય ત્યારે રસોડામાં હાંડવો, ખાંડવી, પાત્રા, ઢોકળા, ભાખરી અને સુખડી બનાવતી હોય છે. પરફેક્ટ રેસિપી સાથે એ આ બધું બનાવતી હોય છે ત્યારે એવાં સવાલો થતાં કે આ પરિવારમાં આવ્યા પહેલાં તો આ ફક્ત નાગણી હતી. તો આ બધું એ શીખી ક્યાં હશે ? ત્યાં તો થોડાં દિવસ પછી એ સિરીયલમાં જ જવાબ આવે કે એ નાગણીની દાદી તો પહેલાં મનુષ્ય હતી. એટલે એને આ બધું બનાવતાં આવડતુ હોય. અને પછી એ નાગણીમાં કન્વર્ટ થઇ ગઇ એટલે એણે એના નાગબચ્ચાઓને આ બધી વાનગી બનાવતા શીખડાવી.
ત્યારે ફરી એ સવાલ થાય કે તો શું નાગલોકમાં અમૂક સમય પહેલાં ગુજરાતી કે પંજાબી થાળીનુ મેન્યુ ઘરઘરમાં બનવા માંડ્યુ હશે ? નાના ના નાના જીવજંતુઓ અને ઉંદર ને ખાવાના નાગોએ છોડી દીધાં હશે ? તો શું થોડાં સમય પહેલાં સુરતમાં આવેલ પ્લેગ એ આ સિરીયલને કારણે હતો ??? શું નાગલોકો પણ હવે બપોરે કામ પરથી આવીને એમ કહેતાં હશે કે આજે શેનુ શાક બનાવ્યુ ? અને જો એવો જવાબ મળે કે પરવળનુ તો નાગલોકો નાકનુ ટીચકુ ચડાવીને એમ કહેતાં હશે કે અરરરરરરર...... આના કરતાં તો ઉંદર ખાતાં હતાં એ બરાબર હતું ! શું નાગલોકો એમ પણ કહેતાં હશે કે વાહ, આજ તો પાંઉભાજી બહું જ સરસ બનાવી છે હો ! આજે રાત્રે ખાટી છાશમાંથી કઢી ને ખીચડી બનાવજો ને ! અને જો ખરેખર આવું થતું હોય તો તો એમ પણ થતું હોવું જોઇએ કે નાગણી કે જે પહેલાં મનુષ્ય હતી એ ક્યારેક ક્યારેક ફોન કરીને એમ પણ કહેતી હોવી જોઇએ કે આજ રાત્રે આવો ત્યારે અઢીસો ગ્રામ રાજગરો અને પાંચસો ગ્રામ તપકીર લેતાં આવજો ને ! ખાલી ગયાં છે ક્યારેક તો મહેણા પણ મારતી હશે કે તમને તો કોઇ દિવસ એક કામ ન ચીંધાય. એક કામ સરખુ ન કરે લે ! ટમેટા અત્યારે ત્રીસના આખા ગામમાં હળહળ થાય છે. અને તમે પાત્રીસના કિલો લઇ આવ્યા બોલો. માણસ એક વાર ફોન તો કરે ને ! ન ખબર હોય તો પૂછી તો લેવાય ને ! એટલે નાગદાદા પછી એક જ જવાબ આપે કે કોણે કહ્યું કે હું માણસ છું!
ઉપરોક્ત બધું જ જો તમને અતિશયોક્તિ લાગતુ હોય તો એકવાર એ સિરીયલ જોઇ લેવી. સતત એ નાગણીઓ મનુષ્યપુરૂષને પટાવટી હોય છે. ખબર નહી આટલી બધી નાગણીઓ મનુષ્યલોકમાં આવી ગઇ છે તો નાગલોકમાં પુરૂષનાગોનુ શું થતું હશે ! ત્યાં તો પુરૂષનાગોના લગ્ન જ નહી થતાં હોય હવે ! અથવા તો ત્યાં પણ મનુષ્યલોકની જેમ જ છોકરીઓ વાળા હવે છોકરીનો હાથ આપતાં પહેલાં મોટી મોટી શરતો મૂકવા માંડ્યા હશે ! અમારી દિકરી ઘરનુ કામ નહી કરે હો ! અમારી દિકરી અને જમાઇ છ મહીના પછી અલગ થઇ જશે હો ! અમારી દિકરી અને જમાઇના ઘરે પછી મહેમાન નહી આવી શકે હો ! આવી ભાતભાતની શરતોથી હવે તો નાગલોક પણ પરેશાન હશે. જ્યારે મનુષ્યલોકમાં તો આ નાગણીઓ આવ્યા પછી હર્ષનો માહોલ છે. કેમ કે એમ પણ સ્ત્રિ પુરૂષ સંખ્યાનુ બેલેન્સ નહોતું રહેતુ એ જે માદાઓની કમી રહેતી એ નાગણીઓએ આવીને પૂરી કરી દીધી. એ સિરીયલમાં નાગણીઓ આવી અવીને તરત જ કોઇ ને કોઇ મનુષ્યપુરૂષ સાથે પરણી જ જાય છે. આના કારણે મનુપ્યોની એક વિટંબણાનો પણ ઉકેલ થોડાં સમયમાં આવી જાય એવું લાગે છે. મનુષ્યપુરૂષમાં જેને છોકરી મળતી ન હોય એ લોકો અમૂક આદિવાસી અને પછાત પ્રદેશોમાંથી છોકરીઓને સામા પૈસા દઇને પરણી લાવતાં. પછી એમાં પ્રશ્ન એ રહેતો કે એ સ્ત્રિઓ અમૂક સમય પછી ઘરની બધી માલમિલ્કત લઇને ભાગી જતી. આ સમસ્યાનો અંત હવે ટુંક સમયમાં આ નાગણીઓના મનુષ્યવિવાહ પછી ઉકેલાય જશે એવું લાગે છે. તો વળી મનુષ્યસ્ત્રિઓ મનુષ્યપુરૂષો સાથે પરણતી ત્યારે જે શરતો મૂકતી અને એના કારણે છોકરાવાળાઓ બહું હેરાન પરેશાન થતાં એ સમસ્યાનો પણ હવે ઉકેલ આવી જશે એવું લાગે છે. કેમ કે આ સિરીયલમાં નાગણીઓ મનુષ્યલોકમાં આવ્યા પછી તો મનુષ્યપુરૂષોની સંખ્યા નાગણીઓ કરતાં ઓછી થઇ ગઇ હોય એવું લાગે છે. અને લગ્નમાર્કેટમાં મનુષ્યપુરૂષનુ પલ્લુ ઉચકાયુ હોય એવું લાગે છે.
અને આ સિરીયલમાં ત્યાં પલ્લુ નીચુ નમ્યુ હશે નાગપુરૂષોનુ. બીચારાઓને ખબર પણ નહી હોય કે મનુષ્યસ્ત્રિઓ આટલી જબરી હોઇ શકે. પણ હવે એ લોકોને એટલી તો પાકે પાયે ખબર પડી ગઇ કે મનુષ્યસ્ત્રિઓમાં અમૂકને કાળી નાગણી શા માટે કહેવાતી!
ધન્ય છે આ સિરીયલ હો!



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application