36 કરોડના ખર્ચે બનનારા રાજકોટ જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર

  • December 13, 2023 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આશરે પાંચ દાયકા જુના રાજકોટ જિલ્લા પંચાયતના વર્તમાન બિલ્ડીંગના સ્થાને આધુનિક સાધન સુવિધાથી સભર નવું બિલ્ડીંગ બનાવવાના કામ માટે રાજ્ય સરકારે દિવાળીના તહેવારો પહેલા 36.50 કરોડનો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે. સરકારે આ પ્રોજેક્ટને લીલી જંડી આપ્યા પછી રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા તેના ડિટેઇલ પ્લાન એસ્ટીમેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે અને ડિઝાઇન પણ ફાઇનલ કરી દેવામાં આવી છે.


જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના જણાવ્યા મુજબ નવા બિલ્ડીંગ માટે ઓનલાઇન ટેન્ડર માગવામાં આવશે અને તે અંગેની પ્રક્રિયા એકાદ બે દિવસમાં પૂરી કરી દેવામાં આવશે.
રાજ્ય સરકારે જ્યારે આ પ્રોજેક્ટ મંજૂર કર્યો ત્યારે બાંધકામવાળી જગ્યાનું સોઇલ ટેસ્ટિંગ કરવા જણાવ્યું હતું અને તેના રિઝલ્ટ પ્રમાણે માર્ગ મકાન વિભાગ (ડિઝાઇન સર્કલ) પાસે સ્ટ્રક્ચર ડિઝાઇન અને વિસ્તૃત નકશા અંદાજો તૈયાર કરાવવામાં આવ્યા છે. સક્ષમ કક્ષાએ તાંત્રિક મંજૂરી મેળવી લેવામાં આવી છે અને હવે ટેન્ડર બહાર પાડવામાં આવશે.
નવા બંધાનારા બિલ્ડિંગમાં અધિકારીઓ અને પદાધિકારીઓ માટે કોર્પોરેટ હાઉસના લુક જેવી ઓફિસો બનાવવામાં આવશે. આધુનિક સાધનો અને સગવડતાઓ પણ તેમાં રાખવામાં આવશે. બે લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવશે. સરકારે જ્યારે પ્રોજેક્ટ શરૂ થાય ત્યારે કુલ રકમના 25% રકમ રિલીઝ કરવાનું જણાવ્યું છે. બાંધકામની કામગીરી ત્રણ વર્ષમાં પૂરી કરવાની રહેશે અને નવા તૈયાર થયેલા મકાનનું નામાભિધાન સરકારની પૂર્વ મંજૂરી મેળવીને કરવાનું રહેશે.

નવા બિલ્ડીંગનું બાંધકામ ગ્રીન બિલ્ડીંગ અભિગમ મુજબનું રહેશે. જિલ્લા પંચાયતનું હાલનું બિલ્ડીંગ જૂનું અને જર્જરિત હોવાથી તેની જગ્યાએ નવું આધુનિક સુવિધા અને સાધનોથી સભર બિલ્ડીંગ બનાવવાની દરખાસ્ત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદર દ્વારા સરકારમાં કરવામાં આવી હતી અને તેને મંજૂરી મળી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application