જામનગરમાં ધરપકડ ટાળવા પોલીસ ટૂકડી સાથે દંપત્તિની બબાલ

  • July 05, 2021 11:12 AM 

સરકારી વાહનમાં માથું ભટકાડી, પોલીસનું ટી-શર્ટ તોડી ખોટા કેસમાં ફીટ કરાવવા ધમકી આપી: ફરજ કાવટ અંગેની ફરિયાદ: ખાખીનગરમાં ચકચાર

જામનગરના ખાખીનગર વિસ્તારમાં અરજીના કામે આરોપીની તપાસમાં ગયેલી પોલીસ ટૂકડીની કાયદેસરની ફરજમાં દંપત્તિએ અડચણ ઉભી કરીને સરકારી વાહનમાંથી નીચે પડી માથું ભટકાડી દેકારો બોલાવ્યો  હતો તેમજ પોલીસને ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપતાં અફડા-તફડી મચી ગઈ હતી. આ વિસ્તારમાં આ બનાવના પગલે ચકચાર ફેલાઈ હતી. દરમિયાનમાં પોલીસ દ્વારા આરોપી દંપત્તિ સામે ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપવા અને પોલીસની કાયદેસરની ફરજમાં કાવટ કરવા સબબ ફરિયાદ નોંધીને કાર્યવાહી આગળ ધપાવી હતી.

જામનગરના સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના ઉદ્યોગનગર ચોકીના અનાર્મ હેડ કોન્સ. ધવલગીરી પી.ગુસાઈ દ્વારા સિટી ‘સી’માં ખાખીનગર, રિદ્ધિ સિદ્ધિ રેસ્ટોરાં પાછળ રહેતો ધર્મેશ ઉર્ફે ધમો રસિક ગોહિલ (ઉ.વ.27) અને હેતલબેન ધર્મેશ ગોહિલ બન્નેની સામે આઈપીસી કલમ 186-189-114 મુજબ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યું હતું કે, ફરિયાદી તેમની ફરજ સિટી ‘સી’માં બજાવતા હોય અરજીની તપાસ ચલાવતા હોય અને સામેવાળા આરોપીની અવાર-નવાર તપાસ કરતાં પોતાની અટકાયત ટાળવા સારુ ભાગતો ફરતો હોય દરમિયાનમાં પોલીસ સ્ટાફ સાથે આરોપીના મકાને ચેક કરવા જતાં હાજ મળી આવતાં અટકાયત કરવાનું કહેતાં આરોપી ધર્મેશને સરકારી વાહનમાં બેસી જવાનું કહેતાં ધરપકડ ટાળવા માટે કોશિષ કરી હતી.

અને તેને બેસાડવા જતાં સરકારી વાહનનો દરવાજો પકડી પોતાની મેળે નીચે પડી ગયેલ અને ફરિયાદીના ટી-શર્ટનો કાઠલો પકડી ઝપાઝપી કરી હતી, ટી-શર્ટ ફાડી નાખ્યું હતું. દરમિયાન આરોપીની પત્નીએ તેના પતિની અટકાયતમાં આડા ઉભા રહી અવરોધ-અડચણ ઉભો કરી  દવા પી મરી જઈ એટ્રોસિટીના ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. ખોટા ઉપજાવી કાઢેલ આક્ષેપોવાળો વીડિયો મોબાઈલમાં બનાવી પોતાના પતિની ધરપકડ ટાળવા પ્રયત્ન કર્યો હતો. આરોપી ધમાએ વાહનમાં પોતાનું માથું ભટકાડી તેના જૂના ઑપરેશનની જગ્યાએ પોતાના હાથે ખંજવાળી લોહી કાઢી ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી દીધી હતી.

આમ ફરિયાદી તથા સાહેદોની કાયદેસરની કાર્યવાહીમાં કાવટ કરી એક-બીજાને મદદગારી કરી હતી. આ બનાવના પગલે ભારે ચકચાર મચી ગઈ છે. દરમિયાનમાં બન્ને આરોપી સામે વિધિવત્ ફરિયાદ દાખલ કરવામાં આવતાં આગળની તપાસ પીએસઆઈ ગોહિલ ચલાવી રહ્યાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS