રણજીત સાગર ડેમમાંથી યુવાનનો મૃતદેહ સાંપડ્યો

  • June 07, 2022 10:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાર દિવસ પહેલાં ગુમ થતા પરિવારજનો તેમજ પોલીસ દ્વારા કરાતી હતી શોધખોળ : કારણ જાણવા કાર્યવાહી

જામનગરમાં ખોડીયાર કોલોની નજીક રાજ ચેમ્બર સોસાયટીમાં રહેતા અને છેલ્લા ચાર દિવસથી લાપતા બનેલા એક યુવાનનો મૃતદેહ આજે રણજીતસાગર ડેમ માંથી મળી આવ્યો છે. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
 આ બનાવની વિગત એવી છે કે જામનગરના રણજીતસાગર ડેમ માં ગઇકાલે બપોરે એક મૃતદેહ પાણીમાં તરતો હોવાની માહિતી દડીયા ગામના એક વ્યક્તિને મળતાં તેમણે તુરત જ પંચકોશી બી. ડિવિઝન પોલીસ નો સંપર્ક સાધ્યો હતો.
 જેથી પોલીસ ટુકડીએ ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહને પાણીમાંથી બહાર કઢાવ્યો હતો, અને પોસ્ટમોર્ટમ માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસની પુછપરછ અને તપાસ દરમિયાન મૃતક યુવાનની ઓળખ થઈ ગઈ છે.
 મૃતક નું નામ મિલન વિજયભાઈ આલિખા (ઉંમર વર્ષ ૧૯) અને તે કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું તેમજ જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રાજ ચેમ્બર્સ સોસાયટીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની જાણ થવાથી મૃતકના પિતા વિજયભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને તેમણે પોતાના પુત્રના મૃતદેહને ઓળખી બતાવ્યો હતો.
આજથી ચાર દિવસ પહેલાં મૃતક યુવાન પોતાના ઘેરથી એકાએક લાપતા બની ગયો હતો, અને પિતા દ્વારા સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ગુમ નોંધ પણ કરાવી હતી. દરમિયાન તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો. જેનું આપઘાતનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application