જી.જી. હોસ્પીટલ સામેની દુકાનોના પ્રશ્ર્ને રુપીયા લેવાયા હોવાના આક્ષેપ થતા જ બોર્ડ સમેટાયું

  • June 17, 2023 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૦-૧૦ વર્ષથી આ દુકાનો અંગે કોઇ કાર્યવાહી શા માટે કરવામાં ન આવી : રચના નંદાણીયાનો વેધક સવાલ : જામનગરની કપરી પરિસ્થીતીમાં નગરસેવકો પોતાની સેવાનું ભાન ભુલ્યા અને શાસકપક્ષે માત્ર ૧૫ મિનીટમાં બોર્ડ આટોપી લીધું

જામનગરની જી.જી. હોસ્પીટલ સામેની મહત્વની દુકાનો લીઝ ઉપર હતી અને તેની લીઝ ૨૦૧૨-૧૩માં પુરી થઇ ગઇ છે, ત્યારે આ સમગ્ર પ્રકરણમાં રાજયના પુર્વમંત્રીએ રુપીયા લીધા હોય, આ કામ થતું નથી અને વેપારીઓ ભાડું ભરતા નથી તેવો સણસણતો સીધો આક્ષેપ નગરસેવીકા રચના નંદાણીયાએ કરતા ગોપાલ સોરઠીયા અને તેના વચ્ચે ભારે બોલાચાલી થઇ હતી અને આખરે વાતાવરણ તંગ બનતા જ મેયરે રચના નંદાણીયાને સસ્પેન્ડ કરવાની ચેતવણી પણ આપી હતી પરંતુ તેઓ ન માનતા આખરે તેઓએ ઉભા થઇને બોર્ડ પુરુ કરી દેતા વિપક્ષી નેતાએ કહયું હતું કે વહેલું બોર્ડ પુરુ કરવું શરમજનક છે અને એક વ્યકિતના કહેવાથી મહત્વનું બોર્ડ પુરું ન કરી શકાય.
આજે જનરલ બોર્ડની બેઠક મેયર બીનાબેન કોઠારીના સ્થાને મળી હતી જેમાં ખાસ કોઇ એજન્ડા ન હતા, સ્ટે. કમિટીના ઠરાવ મુજબ મિલ્કતવેરામાથી વ્યાજ માફીની મુદત તા. ૧-૫-૨૩ થી તા. ૩૧-૫-૨૩ સુધી એક માસ માટે જનરલ બોર્ડની મંજુરીની અપેક્ષાએ વધારવામાં આવી હતી, જે મંજુર કરવામાં આવી છે ઉપરાંત રણમલ તળાવ પ્રવેશ દ્વાર ૧ પાસે આવેલી ખુણાની જગ્યામાં ટેન્ક પાસે શહીદ સ્મારક બનાવવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.
રચના નંદાણીયાએ આવતા વેત જ વોર્ડ નં. ૪ના ભાજપ નગરસેવક હાય હાય કરીને સુત્રો બોલાવતા પોલીસ બોર્ડમાં ઘસી આવી હતી અને તેણીએ એવો આક્ષેપ કર્યો હતો કે જેસીબીની કામગીરી નિયમ મુજબ થવી જોઇએ પરંતુ ભાજપના કોર્પોરેટરે પોતાના વિસ્તારમાં આ કામગીરી કરાવી હતી, થોડો સમય બોલાચાલી થયા બાદ ફરી એક વખત રચના નંદાણીયાએ જણાવ્યુ હતું કે ૧૦ વર્ષ પહેલા જો જી.જી. હોસ્પીટલ સામેની લીઝ પુરી થઇ ગઇ હોય તો અત્યાર સુધી શા માટે કામગીરી કરવામાં આવી નથી તેના પ્રશ્ર્નના જવાબમાં ડીએમસી ભાવેશ જાનીએ જણાવ્યુ હતું કે આ અંગેનો હાઇકોર્ટમાં કેસ ચાલુ છે અને તા. ૧૮ના રોજ તેની મુદત હોવાથી આ અંગે કંઇ કહી શકાય તેમ નથી. આમ મેયરે રચના નંદાણીયાને વારંવાર બેસી જવા સુચના આપી હતી પરંતુ તેઓ ગોપાલ સોરઠીયા પાસે ઘસી જતા મામલો બિચકયો હતો.
ગોપાલ સોરઠીયાએ જણાવ્યુ હતું કે આ રીતે કોઇ મંત્રી કે અન્ય પર આક્ષેપ કરી શકાય નહીં અને જો વાત કરવી હોય તો સાબીત કરવી જોઇએ, ત્યારે બોર્ડમાં આ રીતના આક્ષેપો ચલાવી ન લેવાય, આ બઘડાટી બાદ મેયરે એકાએક બોર્ડ આટોપી લેવાની જાહેરાત કરી હતી.
વિપક્ષી નેતા ધવલ નંદાએ જણાવ્યુ હતું કે એકાએક બોર્ડ પુરુ કરી દેવાની વાત શરમજનક છે બધા સભ્યોનું માન જળવાતુ નથી, એક જ વ્યકિતના કહેવાથી મેયર રીમોટ ક્ધટ્રોલ બને તે યોગ્ય નથી, જામનગર શહેરની વિકટ પરિસ્થીતી છે, ત્યારે તાત્કાલીક બોર્ડ પુરું કરી દેવાની ઘટના જરા પણ યોગ્ય નથી.
આ પહેલા વિપક્ષી નગરસેવક અલ્તાફ ખફીએ મ્યુ કમિશ્નરને જણાવ્યુ હતું કે જામનગર શહેરમાં ૧૭૦ બાંધકામોની નોટીસ પાઠવવામાં આવી છે, જામનગરને સ્વચ્છ અને સુંદર બનાવવા નીકળ્યા છો પરંતુ તમારે બંને આંખ સરખી રાખવી જોઇએ, પાંચહાટડી અને બર્ધન ચોક વિસ્તારમાં જ તોડપાડ શા માટે ? જામનગર અનેક શોપીંગ સેન્ટરોમાં દુકાનો થઇ ગઇ છે તે દુર કરવી જોઇએ અને આવી સ્થીતીમાં ગરીબોને ડામ દેવાનુ દુર કરવું જોઇએ.
**
પ્રજાલક્ષી પ્રશ્ર્નો ઉઠાવવામાં જામ્યુકોનું વિપક્ષ નિષ્ફળ
બોર્ડ ઝડપથી આટોપી જવા પાછળ વિપક્ષની નબળી રણનીતી જવાબદાર : શું રીમોટથી ચાલે છે વિપક્ષ
જામનગર મહાપાલીકાનું જનરલ બોર્ડ માત્ર ૧૫ મિનીટમાં જ આટોપી લેવાયું, અવાર નવાર પ્રશ્ર્નો ઉભા થાય છે અને બોર્ડને આટોપી લેવામાં આવે છે અને તે માટે વિપક્ષની નબળી રણનીતી પણ જવાબદાર હોવાનું બોલાઇ રહયું છે, શું વિપક્ષ પણ રીમોટથી ચાલે છે તેવો પ્રશ્ર્ન ઉઠયો છે, એક તરફ જામનગર શહેરમાં ભારે પવન અને વરસાદના કારણે પરિસ્થીતી ખરાબ છે, લોકોના પ્રશ્ર્ોને વાચા આપવા માટે માંડ માંડ દર મહીને એક જ વાર બોર્ડ મળે છે ત્યારે નાના નાના ઇસ્યુને મોટું સ્વરુપ આપીને વિપક્ષી નગરસેવકો જે રીતે ભુમીકા ભજવી રહયા છે તે જોવાની ખાસ જરુર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application