ખંભાળિયા પંથકમાં વીજપોલ બાબતે ચાલતું આંદોલન વધુ તેજ: આવતીકાલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાશે

  • July 02, 2021 10:08 AM 

ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કર્યો: આંદોલનનું રણશિંગું ફૂંકાયું

ખંભાળિયા તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી કંપની દ્વારા વિજ સપ્લાય માટેના વિશાળ વીજપોલ ઉભા કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં ખેડૂતોને થતા કથિત અન્યાય સામે હવે આખા તાલુકાના ખેડૂતોએ એકજૂટ થઈ રહ્યા છે અને વિવિઘ પ્રકારે વિરોધ વ્યક્ત કરી આંદોલન વધુ તેજ બનાવી રહ્યા છે. આ વચ્ચે શનિવાર તારીખ 3 ના રોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે.

ખંભાળિયા તાલુકાના ભટ્ટગામથી એસ્સાર થઈ લકડીયા-ભચાઉ (ક્ચ્છ) સુધી નેશનલ ગ્રીડની મુખ્ય સર્કિટ સાથે જોડવા માટે 400 કે.વી.ની વીજ લાઇન માટે ઉભા કરવામાં આવતા વીજ પોલની કામગીરી જે.કે.ટી.એલ. નામની ખાનગી કંપની કરી રહી છે. આ કંપનીના કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રકારે ડરાવી-ધમકાવી અને "અમે જે આપીએ એ વળતર તમારે લઈ લેવાનું છે ને કામ કરવા દેવા માટેના મંજૂરી પત્રકમાં સહી કરી દેવાની છે" - તેવી વાતો કરી, અજાણ અને અભણ ખેડૂતોના ખેતરોમાં આવી તોતિંગ વિજપોલ ઉભા કરવાની કામગીરી કરવામાં આવી રહ્યાનું બહાર આવ્યું છે.

આ માટે સરકારી તંત્રની પણ મીઠી નજર હોય તેવા આક્ષેપો સાથે ખાનગી કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં ઉભા પાકમાં જે.સી.બી. મશીનો ચલાવી, ટ્રેકટર કે ભારેથી અતી ભારે વાહનો પસાર કરી, આખા ખેતરને નુકશાન કરી રહ્યા હોવા અંગેનો વિરોધ ઉઠવા પામી રહ્યો છે. અને જ્યાં પોલ ઉભા કરવાના હોય અને વીજ તાયર ખેંચવાના હોય ત્યાં ખેડૂતોને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે.

આના અનુસંધાને ગુજરાત કિસાન કોંગ્રેસ અને અન્ય ખેડૂત સંગઠનો દ્વારા ખંભાળિયાના ભટ્ટગામ ખાતે સૌ પ્રથમ ખેડૂતોની મીટિંગ યોજ્યા બાદ તરઘડી ગામે પણ ખેડૂતોને સંગઠિત કરી, નીર્ધાર કરવામાં આવ્યો હતો કે આ ખાનગી કંપની સામે ખેડૂતો "મરતે દમ તક લડત" કરશે. જેના ભાગ રૂપે કંપની સામે ખેડૂતોએ યોગા કરી અનોખો વિરોધ કર્યો હતો. કંપનીના માણસો જ્યાં કામ કરતા હતા તે ખેતરમાં માનવ સાંકળ રચી ખોટી રીતે ઉભા થતા વીજ પોલનો વિરોધ કરવામાં આવ્યો હતો.

વીજ પોલ ઉભા કરવાનું જ્યાં કામ ચાલુ હતું ત્યાં ઉપસ્થિત કંપનીના સુપરવાઈઝર અને અધિકારીઓ સાથે અભણ ખેડૂતોએ કાયદાકિય વાત કરી લેબર લો અને સેફટી લો બાબતના આધાર પુરાવાઓ અને કાગળિયા માંગતા લાચાર કંપનીના અધિકારીઓ પાસે કોઈ જવાબ ન હોય કામ બંધ કરી જતા રહ્યા હોવાનું પણ ખેડૂત આગેવાનો દ્વારા જાણવા મળ્યું છે, સરકારી અધિકારીઓ અને કંપનીને સદબુદ્ધિ આવે એટલા માટે ખેડૂતોએ ખેતરમાં જ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.

આ ખાનગી કંપની દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તેના વિરોધમાં તેમજ દ્વારકા જિલ્લામાં ભોગત અને ભટ્ટગામ ને કેન્દ્રમાં રાખી અંદાજે 10 થી 12 અલગ અલગ વીજ લાઈનો પસાર થઈ રહી છે. જેમાં કેટલીક ખાનગી કંપનીઓની, તો કેટલીક જેટકો કંપનીની હોવાનું પણ જાણવા મળ્યું છે. તેના વિરોધમાં ઉપરોક્ત તમામ વીજ લાઇનથી પીડિત ખેડૂતોને ટેકો આપવા શનિવાર તા. 3 ના રોજ રાજ્યના ખેડૂત આગેવાન સાગરભાઈ રબારી, પાલભાઈ આંબલિયા, રાજુભાઈ કરપડા, રતનસિંહ ડોડીયા વિગેરે આ લડતમાં જોડાશે ખેડૂતો સાથે કાયદાકીય અને ગાંધી ચીંધ્યા માર્ગે લડત બાબતે ચર્ચા વિચારણા કરી, અહીંના જિલ્લા કલેક્ટરને તથા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવશે. ખાનગી કંપનીની કથિત આ મનમાની સામે લડત આપવા તમામ ખેડૂત ભાઈઓને આ લડતમાં જોડાવા આહવાન પણ કરવામાં આવ્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS