રાહ જોઈને ઉભેલા પીઆઈ પાદરિયા સરધારા પર તૂટી જ પડયા

  • November 26, 2024 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના પુર્વ નગરસેવક, ભાજપ અગ્રણી અને ખોડલધામથી દુર થઈને હાલ સરદારધામના ઉપપ્રમુખ બનેલા જયંતી સરધારા પર ગઈકાલે રાત્રીના એક પાર્ટી પ્લોટના પાર્કીંગમાં થયેલા ખુની હુમલાના બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જયંતી સરધારાની રાહ જોઈને ઉભેલા ખોડલધામ સાથે સંકળાયેલા અને નરેશભાઈ પટેલના નજીકના ગણાતા પીઆઈ સંજય પાદરીયા સરધારા આવતા જ તેના પર સીધા તુટી પડયા હતા. આ ઘટનાને લઈને પાટીદાર સમાજની બે સામાજીક સંસ્થાઓ ખોડલધામ અને સરદારધામ વચ્ચેની વર્ચસ્વની લડાઈ લોહીયાળ બની છે. ઈજાગ્રસ્ત સરધારાએ પીઆઈ પાદરીયા સામે હથીયાર વડે હુમલો કરી હથીયાર તાકી જાનથી મારી નાખવાની ધમકી આપી હત્યાનો પ્રયાસ કર્યો હોવાના આરોપસર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પણ સરધારાએ નરેશ પટેલના ઈશારે પાદરીયાએ હુમલો કર્યાના આક્ષેપો કર્યા છે. આ ઘટનાએ પાટીદાર સમાજ અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર જગાવી છે. 
કોઠારીયા રોડ પરના હરી ધવા રોડ શ્રીરામ પાર્ક-૧માં રહેતા ભાજપ અગ્રણી જમીનના મોટા ધંધાર્થી તેમજ કારખાનેદાર જયંતી સરધારા ગઈકાલે તેના મિત્ર ધર્મેશભાઈ ગીરધરભાઈ કોરાટના પુત્રના લગ્નમાં મવડી-કણકોટ રોડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટના રીસોર્ટમાં પોતાની જીજે૦૩જી એમબી ૮૧૧૮ નંબરની ઓડી કાર લઈને ગયા હતા. રાત્રીના ૮.૩૦ વાગ્યાના અરસામાં પાર્ટી પ્લોટના પાર્કીંગમાં ઉભેલા પીઆઈ સંજય પાદરીયા સીધા જ જયંતી સરધારા પર હુમલો કર્યો હતો. મુકા કે હાથમાં કોઈ હથીયાર વડે મારતા મારતા સાઈડમાં લઈ ગયા હતા. ફરી પાછા જયંતી સરધારાની કાર પાસે બન્ને આવ્યા હતા જયાં બોલાચાલી થઈ અને મારામારી થઈ હતી. 
જયંતી સરધારા પોતાની કારમાં બેસીને નીકળવા જતા હતા ત્યારે ફરી કારમાંથી નીચે ઉતારીને માથાકુટ કરી હતી અને ત્યાર બાદ સરધારા કાર ડ્રાઈવ કરીને નીકળી ગયા હતા. આ પ્રકારના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. 
ઈજાગ્રસ્ત સરધારા ૧૫૦ ફુટ રીંગરોડ પર આવેલી ગિરીરાજ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેણે મીડિયા સમક્ષ  પોતે અગાઉ ખોડલધામ સાથે સંકળાયેલા હતા અને હાલમાં પણ સામાજીક પ્રવૃતિ હોય તો ભાગ લે છે. પરંતુ થોડા વખતથી સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ બન્યા હતા જે વાત સંજય પાદરીયા અને નરેશ પટેલને ખુંચી હતી. જેને લઈને જૂનાગઢ ટ્રેનીંગ સેન્ટરમાં ફરજ બજાવતા પીઆઈ સંજય પાદરીયાએ પોતાના પર હીચકારો હુમલો કર્યો હતો અને પીસ્તોલ જેવા હથીયાર વડે માથાના ભાગે ઘા મારી ઢીકાપાટુ માર્યા હતા. દેકારો થતાં અન્ય લોકો આવી જતાં પાદરીયા સહિતના ત્યાંથી ચાલ્યા ગયા હતા. નરેશ પટેલના કહેવાથી સંજયે પોતાના પર (જયંતી) હુમલો કર્યાનું સરધારાએ આક્ષેપ કર્યો છે. 
સરદારધામ ઉભું થતાં આ લોકોને ગમ્યું નથી અને કાર્યકર્તા રોકે છે. મને સરદારધામમાંથી રાજીનામુ આપી દેવા માટે ધમકી આપી હતી અને કહ્યું હતું કે, તે બહુ બોર્ડ માર્યા છે, બહુ હાઈલાઈટ થાશ, બહુ ટ્રસ્ટી બનાવે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application