‘આજકાલ’ વુમન પાવર એવોર્ડ રંગેચંગે સંપન્ન: અદભુત પ્રતિસાદ...
જામનગરમાં ગઈસાંજે નંબર વન સાંધ્ય દૈનિક ‘આજકાલ’ દ્વારા ધ ઈન્ફીનિટી ગ્રુપ પ્રેઝન્ટ વુમન પાવર ઍવોર્ડ યોજાયો હતો અને તેમાં શહેરની ૨૦ પ્રતિભાઓની ધમાકેદાર ઍવોર્ટ સેરેમની યોજાઈ હતી. કાર્યક્રમ એટલો અદ્ભૂત રહ્યો હતો કે, દરેક મહિલાઓ માટે યાદગાર સંભારણું બની ગયું હતું. ઉપરોકત તસવીરમાં ઍવોર્ડ પ્રાપ્ત કરનારી મહિલાઓની સાથે સાંસદ પૂનમબેન માડમ, મુખ્ય વકતા કાજલ ઓઝા વૈદ્ય, ‘આજકાલ’ના એમડી ચંદ્રેશ જેઠાણી, ગ્રુપ એડીટર કાનાભાઈ બાટવા નજરે પડે છે.
***
જુદા-જુદા ક્ષેત્રની ૨૦ પ્રતિભાઓને સન્માનીત કરવામાં આવી : એક-એક એવોર્ડ પર તાળીઓનો ગળગળાટ : પુનમબેન માડમ, કાજલ ઓઝા વૈદ્ય અને આજકાલની સમગ્ર ટીમ દ્વારા સન્નારીઓને અપાયા એવોર્ડ : કેશવારાસ ખાતે યોજાયેલ એવોર્ડ સેરેમની મહિલાઓ માટે બની ગઇ યાદગાર સંભારણું : મોટી સંખ્યામાં બહેનોની હાજરી : ગાર્ડન રેસ્ટોરન્ટમાં ભાવતા ભોજનીયાનો માણ્યો સ્વાદ : દરેક બહેનના મુખ પર એક જ વાત હતી મજા આવી ગઇ: અદભૂત, અવિસ્મરણીય મહીલાઓના મોઢે એક જ વાત ...મજા આવી ગઇ
આવતીકાલે ૮મી માર્ચ એટલે વિશ્ર્વ મહિલા દિવસ જેની પુર્વ સંઘ્યાએ ગઇકાલે જામનગરમાં આજકાલ દ્વારા ધ ઇન્ફીનીટી ગ્રુપ પ્રેઝન્ટ વુમન પાવર એવોર્ડનો જાજરમાન કાર્યક્રમ યોજાયો હતો અને ખરેખર ઉપસ્થીત તમામ બહેનો માટે આ વુમન પાવર એવોર્ડ એક યાદગાર સંભારણું બની ગયું હતું એવો માહોલ સર્જાયો હતો, જામનગરની જુદા જુદા ક્ષેત્રની ૨૦ પ્રતિભાઓને એવોર્ડથી સન્માનીત કરવામાં આવી હતી અને એક-એક નામ જયારે જાહેર થતું હતું ત્યારે તાળીઓનો ગડગડાટ કેશવારાસ ગાર્ડન રેસ્ટોરન્ટના હોલમાં ગુંજી ઉઠતો હતો, જામનગરમાં અત્યાર સુધી કોઇ મિડીયા હાઉસ દ્વારા કયારેય ન યોજાયો હોય એવો અદભુત કાર્યક્રમ બની રહયો હતો, કાર્યક્રમના અંતે ઉપસ્થીત તમામ બહેનોના મોઢા પર અભુતપુર્વ હર્ષ સાથે એક જ વાત હતી કે... મજા આવી ગઇ.
સાંસદ પુનમબેન માડમના અતિથિ વિશેષપદે યોજાયેલ એવોર્ડ સેરેમનીમાં મુખ્ય વકતા તરીકે કાજલ ઓઝા વૈદ્ય ઉપસ્થીત હતા, આ ઉપરાંત આમંત્રીત મહેમાનોની પ્રેરક હાજરી રહી હતી, આજકાલના એમ.ડી. ચંદ્રેશભાઇ જેઠાણી, ગ્રુપ એડીટર કાનાભાઇ બાટવા, નિવાસી તંત્રી તારીક ફારુક (પપ્પુ ખાન), ટેરેટરી હેડ અજય શર્મા સહિતની આજકાલની ટીમ દ્વારા તમામ મહેમાનોને આવકાર આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં મેયર વિનોદભાઇ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. ચેરમેન નિલેશ કગથરા, શાસકપક્ષના નેતા આશિષ જોશી, પુર્વ મેયર બીનાબેન કોઠારી, ઇન્ફીનીટી ગ્રુપના વિનાયકભાઇ મહેતા, શ્રીજી શિપીંગના મિતેશભાઇ લાલ, ગોકુલ ગ્રુપના એમ.ડી. અક્ષીત પોબારુ, ભાજપ શહેર કિશાન મોરચાના ઉપપ્રમુખ વિશાલભાઇ મોદી, મધુસુદન મસાલાના રિષીતભાઇ કોટેચા, મહાવીર બાંધણીના વિભોદભાઇ શાહ, કે.ડી. જવેલર્સના મનમોહનભાઇ સોની, કોટક સેલ્સના અરવિંદભાઇ કોટક, ડો. સુરેશ ઠાકર, પાર્થ સુખપરીયા,..... વગેરે ઉપસ્થીત રહયા હતા અને આ તમામ મહેમાનોનું આજકાલની સમગ્ર ટીમ દ્વારા પુષ્પગુચ્છ આપીને પ્રથમ સ્વાગત કરવામાં આવ્યું હતું.
મહેમાનોના સ્વાગત બાદ આજકાલના એમ.ડી. અને એડીટર ઇન ચિફ ચંદ્રેશભાઇ જેઠાણી દ્વારા જામનગરની મહિલાઓને સન્માનીત કરવાના પોતાના નિર્ણય સંબંધે અને મહિલાઓના પરિપેક્ષ્યમાં મનનીય પ્રવચન આપ્યું હતું.
આ પછી ગુજરાતના જાણીતા લેખક અને ફાયર બ્રાન્ડ વકતા કાજલ ઓઝા વૈદ્યનો ગ્રુપ એડીટર કાનાભાઇ બાટવા દ્વારા ઉપસ્થીત મહિલાઓને પરિચય આપવામાં આવ્યો હતો, આ પછી લગભગ એક કલાક સુધી કાજલ ઓઝા વૈદ્ય દ્વારા આજના સમયમાં મહિલાઓ કયાં છે અને મહિલાઓને કેવો અભિગમ અપનાવવો જોઇએ તે અંગેનું ધારદાર વકતવ્ય આપ્યું હતું, એમની એક-એક વાત પર મહિલાઓમાંથી તાળીઓનો ગડગડાટ સાંભળવા મળતો હતો.
ત્યારબાદ સાંસદ પુનમબેન માડમનું આગમન થયુ હતું અને એમનું સન્માન કર્યા બાદ પુનમબેન માડમે પણ દિલથી મહિલાઓને આવકારીને પોતાનું પ્રવચન આપ્યું હતું.
મહાનુભાવોના પ્રવચન બાદ તમામ ૨૦ મહિલાઓને સન્માનવામાં આવ્યા હતા, આ સમયે વિવિધ મહિલાઓ જયારે પોતાનો એવોર્ડ લેવા સ્ટેજ પર આવી ત્યારે લોકોએ તાળીઓથી આ તમામ મહિલાઓને વધાવ્યા હતા અને આજકાલ દ્વારા એવોર્ડ ઉપરાંત પણ એવોર્ડ મેળવનારને ગીફટ આપવામાં આવી હતી.
કાજલ ઓઝા વૈધની સાથે સેલ્ફી ફોટો પડાવવા માટે મહિલાઓએ ભારે પડાપડી કરી હતી, સમગ્ર કાર્યક્રમ ખુબ જ શાનદાર બની ગયો હતો, કાર્યક્રમ પુર્ણ થયા બાદ ઉપસ્થીત આમંત્રીતો અને મહિલાઓએ ભોજન સમારંભમાં હાજરી આપી હતી અને ભાવતા ભોજન કર્યા હતા, આ કાર્યક્રમ પુર્ણ થયો હતો.
આ કાર્યક્રમમાં આજકાલના જામનરગના નિવાસી તંત્રી તારીક ફારુક (પપ્પુ ખાન), ટેરીટરી હેડ અજય શર્મા, ડીજીટલ વિભાગના હેડ મુસ્તાક દલ, સિનીયર પત્રકાર હિરેન ત્રિવેદી, રમેશ ભટ્ટી, ઉપરાંત અતુલ મહેતા, જાહેરાત વિભાગના મનોજ મહેતા, રાજેન સોઢા, હિત કનખરા તેમજ કોમ્પ્યુટર વિભાગના જય છાંટબાર, રવિરાજસિંહ જાડેજા, ચિરાગ કોઠારી ડીજીટલ વિભાગના મનસુખ સોલંકી, શબીર દલ, તેમજ રીસેપ્નીસ્ટ દેવાંગનાબેન ત્રિવેદી, પારસભાઇ, કિશન ખાણધર, અશોક મોતીવારસ હાજર રહયા હતા.
***
આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ આ પ્રકારના કાર્યક્રમો કરવા વિનંતી કં છું-સાંસદ પુનમબેન માડમ
ગઇકાલે કેશવારાસ ખાતે યોજાયેલા વુમન પાવર એવોર્ડમાં બોલતા જામનગર અને દેવભુમી દ્વારકાના સાંસદ પુનમબેન માડમે આજકાલ ગ્રુપને અભિનંદન આપીને જણાવ્યું હતું કે જામનગરમાં આજકાલ પરિવાર દ્વારા પ્રથમ વખત એવોર્ડ આપવામાં આવેલ છે, આ ક્ષેત્રમાં દિકરી, મહિલા તેમજ જનપ્રતિનિધી તરીકે મને સેવા કરવાની તક મળી છે, આજકાલના આ કાર્યક્રમ માટે એમ.ડી. ચંદ્રેશભાઇ જેઠાણી, ગ્રુપ એડીટર કાનાભાઇ બાટવા, નિવાસી તંત્રી તારીક ફારુક (પપ્પુખાન), ટેરીટરી હેડ અજયભાઇ શર્મા સહિતના અગ્રણીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સાંસદ પુનમબેન માડમે જણાવ્યું હતું કે કાજલ ઓઝા વૈદ્યને સાંભળવા એ એક લ્હાવો છે, આજે હું સમયના અભાવના કારણે તેમને હું સાંભાળી શકી નથી તેનુ દુ:ખ પણ છે, આજકાલના સમગ્ર પરિવાર તેમજ નારી શકિતને હું અભિનંદન આપુ છું, હું ફકત સાંસદ જ હોત તો બધી જગ્યાએ આરામથી પહોંચી શકત, ભારતીય જનતા પાર્ટીએ મને ત્રીજી વખત જવાબદારી આપી છે, જન્મજાત મહિલા મલ્ટી ટાસ્કીંગ છે, તેમનામાં કેલુ મલ્ટી ટાસ્કીંગ છે તે હવે જોવાની જરુર છે.
તેમણે કહયુ હતું કે હું ૨૦૧૪માં આપના આશીર્વાદથી ચુંટણી લડી હતી, મહિલા તરીકે હું નિમીત બની હતી, ઘણા બધા બહેનો મારા કરતા પણ વધુ કામ કરી શકે છે, ૨૦૧૪માં મે એક વાત કરી કે ભાઇઓને ચિંતા કરવા દો સુરક્ષા તેઓ સંભાળશે, ગમે તેવી વ્યવસ્થા હોય તો પણ બહેનો માટે ભાઇઓ પણ વ્યવસ્થા કરતા હોય છે, અહીં આજકાલના એમ.ડી. ચંદ્રેશભાઇ તથા આજકાલ પરિવારને હું ખુબ જ અભિનંદન આપું છુ અને જામનગરમાં પણ આજકાલ પરિવાર મજબુતીથી છે.
સાંસદ પુનમબેને જણાવ્યુ હતું કે કાજલબેન ઓઝાની વાતો આજે મે મીસ કરી છે, આજે કોઇ સ્થાને પહોચવા ભાઇઓ કરતા મહિલાઓને સંઘર્ષ કરવો પડે છે હું જવાબદારી સંભાળુ છુ તે મહિલાઓ કહે છે બધાને ખુશ રાખવાની જવાબદારી મહિલાઓની નથી બધાની જવાબદારી હોવી જોઇએ. મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં કેટલીક વ્યવસ્થા છે એમા આપણા બધાની જવાબદારી છે, ગોલ એચીવ કરવો એ કેટલાકને સહેલા લાગે છે પરંતુ બીજી મહિલાઓને અઘરો લાગે છે, હું તો મોટા એચીવમેન્ટ કરતા નાના એચીવમેન્ટને વધુ મહત્વ આપું છું.
બહેનો વિશે બોલતા તેમણે કહયુ હતું કે આજે કેટલીક બહેનો વિપરીત પરિસ્થીતીમાં છે, મહિલા દિવસ તા. ૮ના રોજ છે ત્યારે બધી મહિલાઓને હું વંદન કરું છું, સ્ત્રીમાં વધુ સહન કરવાની શકિત છે અને મુશ્કેલીમાં રસ્તો કાઢવાની શકિત છે, આજકાલ પરિવારે આજે ખુબ જ સુંદર કાર્યક્રમ યોઝયો છે ત્યારે હું એટલી વિનંતી કરીશ કે આજકાલ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પણ આ પ્રકારના કાર્યક્રમો યોજે.
***
દરેક સ્ત્રી એવોર્ડને પાત્ર છે: કાજલ ઓઝા-વૈદ્ય: સ્વીકાર, આદર, ખુશ રહેતા આ ત્રણ વાત જો શીખી જશો તો રોજ વુમન્સ-ડે
જાણીતા લેખિકા અને પ્રખર વક્તા કાજલ ઓઝા-વૈદ્ય એ આજકાલના વુમન પાવર એવોર્ડ કાર્યક્રમમાં ખાસ હાજરી આપીને પોતાનું વક્તવ્ય આપ્યું હતું, જેને તાળીઓના ગડગડાટથી ઉપસ્થિત મહિલાઓ સહિતનાઓએ વધાવ્યું હતું.
જાણીતા વક્તા કાજલ ઓઝા-વૈદ્યે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે, વુમન્સ ડેની સૌને ખૂબ ખૂબ શુભકામના... જામનગરે જે પણ કઇ પ્રગતિ કરી છે એ માટે પૂનમબેનને થેંક્યું કહેવું પડે, લોકલાડીલા સાંસદને લોકો ચાહે છે, કારણ કે તેઓ સતત કામ કરે છે, આજકાલ એ આ કાર્યક્રમ જામનગરમાં પ્રથમ વખત અને ચાર વર્ષ રાજકોટ યોજયો હતો, દરેક સ્ત્રી એવોર્ડને પાત્ર છે, ભાગ્યે જ કોઇ સ્ત્રી હશે કે જેના જીવનમાં સંઘર્ષ ન હોય, એમની કથા રસપ્રદ ન હોય, દરેક સ્ત્રી પાસે એમની પોતાની વાર્તા છે, લગ્ન, પરિવાર, જોઇન્ટ ફેમીલી જેવા તબક્કામાંથી પસાર થાય ત્યારે સમજાઇ કે એવોર્ડ તો દરેક સ્ત્રીને મળવો જોઇએ, અહીં થોડાક નામો છે, કારણ કે બધાને એવોર્ડ આપી શકાય નહીં, જેમણે વધુ પ્રગતિ કરી છે, તેઓનો અહીં સમાવેશ થયો છે, માં માનવું છે કે, ગુજરાત સુધી આ એવોર્ડ પહોંચવો જોઇએ, આવતા વર્ષોમાં ગુજરાત લેવલે એવોર્ડ લઇ જવાનો પૂર્ણ નિર્ધાર કરીશું.
જીવનમાં કોઇને સપોર્ટ મળે છે, કોઇને સપોર્ટ નથી, એવી પરિસ્થિતિ સ્ત્રીઓ છે કે જેમણે સપોર્ટ વગર આગળ વધીને સફળતા મેળવી છે, સંઘર્ષ કર્યો છે, સ્ત્રી લખો તેમાં ત્રણ લાઇન છે, સત્વ, રજસ, તમસ... સત્વ એ છે જેમાં માં છે, બેટી છે, અન્નપૂર્ણા છે, સ્ત્રી જેટલી સહજતાથી માફ કરી શકે એટલી સહજતા પુષ પાસે નથી, મારે પણ માર ન ખાવા દયે એ માં છે. સ્ત્રી ઘરની વ્યવસ્થામાં બેજોડ છે, ગૃહલક્ષ્મી છે, પૈસા પુષ લઇને સ્ત્રીને આપે છે અને પછી માંગો તો શું કરવા છે ? એવું પણ પૂછે છે.
આગળ કહ્યું હતું કે, સ્ત્રીને દુ:ખી થવામાં સુખ મળે છે, ત્યાંથી પ્રશ્ર્નો શ થાય છે, શું જમવાનું બનાવવું, ત્યાંથી લઇને લગ્નમાં જવા સુધીનું નક્કી સ્ત્રી કરે છે, આપણે જાણ્યે-અજાણ્યે સ્ત્રીનું ગૌરવ ભૂલી ગયા છીએ, સત્વ જ સ્ત્રીને સુંદર બનાવે છે, સ્ત્રીનું જીવન શ્રૃંગાર રંગીન છે, કેટલી બધી કવિતાઓ સ્ત્રીઓ માટે લખાય છે, પુષ માટે લખાતી નથી, વુમન્સ ડે રોજ ઉજવી શકાય જો આપણે ઉજવવો હોય તો, નાનકડી ટ્રોફી કે ફૂલનો ગુલદસ્તો એ જ માત્ર એવોર્ડ નથી, અસ્તિત્વનો એ જ સાચો એવોર્ડ છે, સ્ત્રીને સુંદર દેખાવું ગમે છે, શ્રૃંગાર એ સ્વયંમ માટે કરે છે, સ્ત્રીનો પહેલો મિત્ર અરીસો છે, એ ઝીણામાં ઝીણી બાબતોનું ઘ્યાન રાખે છે, સત્વ અને રજસને જો સાચવવામાં ન આવે તો તમસ થાય, તમસ તરફ ધકેલાઇ રહેલી સ્ત્રીને એમાંથી બહાર કાઢવાની જર છે, એ બાબત નવી પેઢીને શીખવવી પડશે, ભણેલી-કમાતી હોય તો એણે ઘર નહીં ચલાવવું તે ન ચાલે, એ ગૃહિણી છે, એણે એટલું તો કરવું જ પડે, ઘરની જવાબદારી નિભાવવી પડે.
જે કરવું હોય તે કરો પણ તેમાં સંસ્કૃતિ મુજબ છે એ પણ જોવું જોઇએ, પ્રસંગોચિત વસ્ત્રો પહેરવા જોઇએ, એ કોણ શીખવશે ? એ માં શીખવશે... અમારા વખતે આઇ લવ યુ એટલે લગ્નની વાત... વચ્ચે કંઇ હતું નહીં પણ હવે તો બ્રેકઅપની પણ પંચાત થાય છે, તેમાં વળી એક્સની ઓળખ પણ કરાવે, આ આખી માનસિકતા છે, આધુનિકતા સાથે આપણી સંસ્કૃતિ સરખાવી યોગ્ય છે કે અયોગ્ય ? એ પ્રશ્ર્ન મારે પૂછવો છે, મંદિરોમાં શોર્ટ કપડા ન પહેરવા એવી વાતો થાય છે, જો કે દરેકે રીત, પ્રણાલી મુજબ આપણી સંસ્કૃતિને અનુસાર વર્તન કરવું જોઇએ, બ્યુટી કોન્ટેક્સમાં એક રાઉન્ડ સવાલ-જવાબનો હોય છે, જેના માર્કસ મળે છે, કારણ કે યુવતિ એન્ડ બ્રેઇન એ મહત્વનું છે, સ્ક્રીન સાચવવામાં જેટલો પ્રયાસ કરો એટલો સત્વ સાચવવા પ્રયાસ કરો.
કાજલબેને આગળ કહ્યું હતું કે, ડીજીટલ યુગમાં આજકાલ હવે સજેશનમાં આવે છે, તમને શું વાંચવું છે ? મતલબ કે આ એક એવું અખબાર છે જે ઘરે ઘરે પહોંચી ગયું છે, આપણે સ્ત્રી અધિકાર વિશે પણ જાણવા જોઇએ, પિતાની મિલ્કતમાં દિકરીને અધિકાર મળે છે, સરકાર કાયદા ઘડે છે, જે કાયદાઓને સમજવા જોઇએ, ઘણી વખત દૂરઉપયોગ પણ થાય છે એ પણ જાણવા જેવું છે. સમાજમાં કોઇ ડોમેસ્ટીક કેસ હોય, ખોટા રસ્તે દિકરી જતી હોય તેને અટકાવવી અને કાઉન્સીલીંગ કરવું એ પણ આપણી જવાબદારી છે, એને રોકો તો એ પણ એક એવોર્ડ છે.
દિકરીને શીખડાવો કે છોકરો ગમતો હોય તો પ્રથમ એમના માતા-પિતાની તપાસ કરવો, તમારી ટીનએજ પુત્રી સાથે દોસ્તી કરો, તમારા જીવનની ભૂલો પણ તેની સાથે શેર કરો, બધાના જીવનમાં નાના-મોટા પ્રસંગો હોય જ છે, આપણો પ્રોબ્લેમ એ છે કે દિશા પોઝીટીવ પકડતા શીખ્યા નથી.
ત્રણ મુદ્દા છે સ્વીકાર કરો, આદર અને ખુશ રહેતા શીખો... વાત, વ્યક્તિ, વિચાર, ઉંમર, પરિસ્થિતિને સ્વીકારો, સન્માન જોઇતું હોય તો સન્માન આપતા શીખો અને સુખી કોઇ નહીં કરે શકે, ખુશ રહેતા જાતે શીખવું પડશે, જાતને વીશ આપો, બહુ નાની નાની વસ્તુઓમાં સુખ છે, સ્વીકાર, આદર અને ખુશ રહેતા આ ત્રણ વાત જો શીખી જશો તો રોજ વુમન્સ ડે છે, રોજ એવોર્ડ મળશે. સોશ્યલ મીડીયા માટે ન જીવો, આજે જે વખાણે છે તે કાલે ટ્રોલ પણ કરશે, આપણને બીજા લોકોના વખાણ નથી જોઇતા, આગળ કહ્યું હતું કે, સેલ્ફી ક્વીન નહીં સેલ્ફ ક્વીન બનો એવી વિનંતી છે, જીવન ખુબ સુંદર છે, આજે વુમન્સ ડે નિમિતે મારી સાથે બધા લોકો હું ખુશ રહીશ... હું ખુશ રહીશ... એન્ડ... બીજાને દુ:ખી નહીં કં. સૌને ખુશ રાખશો તો જ ખુશ રહી શકશો. તમે વુમન છો, સુપર વુમન નથી, આજનો આ દિવસ સુંદર છે, નાનકડી દુનિયામાં જેમણે સુંદર, સરસ કામ કર્યું છે, આપણે એમનું સન્માન કરીએ.
સાંસદની લાગણીને કાજલ ઓઝા વૈદ્યએ પોતાના વક્તવ્યને આગળ વધારતા કહ્યું હતું કે, પૂનમબેને સાચું કહ્યું કોઇ સાથે સાચેજ કનેકશન હોય છે, પૂનમબેને સંઘર્ષ કર્યો છે, પ્રેરણા સ્વપ છે, સંઘર્ષમાંથી કેમ નીકળવું અને છતાં હસતા રહેવું એ શીખવા જેવું છે. દરેક સ્ત્રી પોતાની જાતને પ્રુફ કરવું પડે, એ ભૂલી જાવ, એમાંથી બહાર નીકળો, જજમેન્ટ ન કરો, તેમણે એમ પણ કહ્યું હતું કે, આ એવોર્ડ પૂરતા નથી, નાના નાના ગામમાં ખૂબ સમસ્યા છે, ૮ માર્ચે આપણે ત્યાં કામ કરતી બહેનોને અડધો દિવસ રજા આપશો, ગામડામાં જેમની પાસે ચંપલ, સાડી નથી એને મદદ કરશો, એ વુમન્સ ડે છે. ગરીબ પરિવારની દિકરીની ફી ભરીએ, તે અભ્યાસમાં આગળ વધે, દિકરીઓ ભણશે તો આગળ જતાં એમના સંતાનો ભણશે, ઘરમાં ઉજાસ થશે, નાના ગામમાં જાગૃતિ ફેલાવો, સ્લમ વિસ્તારની સ્ત્રીઓને વોટીંગ બુથ સુધી લઇ જાવ, વાતો નહીં કામ કરીએ.
***
જામનગરવાસીઓ માટે આગામી દિવસોમાં મોટી સેલીબ્રીટીનો કાર્યક્રમ આપીશું - ચંદ્રેશભાઇ જેઠાણી
જામનગર શહેરમાં પ્રથમ વખત આજકાલ દ્વારા વુમન પાવર એવોર્ડનો કાર્યક્રમ અપાયો છે, આગામી દિવસોમાં પણ જામનગરમાં એક મોટી સેલીબ્રીટીને લઇ આવીને એક કાર્યક્રમ આપીશું, જામનગરનું આજકાલ અન્ય અખબારો કરતા નંબર ૧ પોઝીસન ધરાવે છે, ત્યારે આજકાલ અનેકવિધ પ્રવૃતીઓ પણ કરે છે, છેલ્લા ૪ વર્ષથી રાજકોટમાં અમે વુમન પાવર આપીએ છીએ તેમ ગઇકાલે કેશવારાસ ખાતે ધી ઇન્ફીનીટી ગ્રુપ પ્રેઝન્ટ આજકાલ વુમન પાવર એવોર્ડમાં આજકાલના મેનેજીંગ ડાયરેકટર અને એડીટર ઇન ચિફ ચંદ્રેશભાઇ જેઠાણીએ જણાવ્યું હતું.
તેમણે કહયું હતું કે, આ એવોર્ડ માટે જામનગરની આજકાલની ટીમે ખુબ જ સારી મહેનત કરી છે, નારી વંદના જેવા કાર્યક્રમો અમે રાજકોટમાં છેલ્લા ૪ વર્ષથી કરીએ છીએ અને મહિલાઓ માટે વુમન પાવર એવોર્ડ પણ આપીએ છીએ, આ વખતે જામનગરમાં આ પ્રકારનો એવોર્ડ આપવાનું વિચાર્યુ હતું, આજકાલ વિશે બોલતા તેમણે કહયુ હતું કે, આજકાલ સમગ્ર ગુજરાતમાં પાંચ આવૃતી ધરાવે છે, જામનગરમાં આજકાલ નંબર ૧ દૈનિક છે, આજે પ્રિન્ટ મિડીયાથી લોકો દુર થવા લાગ્યા છે અને સોશ્યલ મિડીયા યુગ ડીજીટલ ક્ષેત્રે ખુબ જ પ્રગતી કરી રહયું છે, આજકાલના ૪.૫૦ લાખ ફોલોઅર્સ ફેશબુકમાં છે, એક લાખથી વધુ ઇન્ટરનેટમાં અને ૧૨ લાખ વિજીટ ફોલોઅર્સ છે.
ચંદ્રેશભાઇ જેઠાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ૮૦ ટકા ઘટનાના બ્રેકીંગ સૌ પ્રથમ આજકાલ દ્વારા આપવામાં આવે છે, પોરબંદરની ઘટના હોય તો પણ પહેલુ બ્રેકીંગ આજકાલમાં આવે, જામનગરમાં સરકયુલેશનમાં આજકાલ નંબર ૧ છે, અમો વેલકમ નવરાત્રી, વુમન પાવર એવોર્ડ પણ આપીએ છીએ અને આગામી દિવસોમાં એક મોટી સેલીબ્રીટી લાવીને જામનગરમાં એક કાર્યક્રમ આપવાના છીએ.
આજકાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં રકતદાન શિબિર, નવ દિવસની નવરાત્રી, દિવ્યાંગ, અનાથ બાળકો માટે એક દિવસીય નવરાત્રી જેવા કાર્યક્રમો પણ અમેે કરીએ છીએ, ટુંકાગાળામાં જામનગરની જનતાએ આ એવોર્ડ કાર્યક્રમમાં ખુબ જ સહકાર આપ્યો છે.
***
કાજલબેનનો પરિચય આપવાની કોઇ જર નથી એમના જેવા લેડી વકતા ગુજરાતમાં કોઇ નથી-કાનાભાઇ બાટવા
જામનગરમાં ગઇકાલે કેશવારાસ ખાતે આજકાલ દ્વારા ધ ઇન્ફીનીટી ગ્રુપ પ્રેઝન્ટ આજકાલ વુમન પાવર એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આજકાલના ગ્રુપ એડીટર કાનાભાઇ બાટવાએ જણાવ્યું હતું કે કાજલ ઓઝા વૈદ્યનો પરિચય આપવાની કોઇ જર નથી, તેઓ એક દિગ્ગજ પત્રકાર અને લેખીકા છે અને ખુબ જ સફળ થયા છે, સમગ્ર ગુજરાતની વાત લઇએ તો લેડી વકતામાં ૧ થી ૧૦ નંબર આપીએ તો જેમાં કાજલ ઓઝા વૈદ્યનો જ નંબર આવે, આજે પણ તેના જેવી લેડી વકતા નથી, લોકોને એમની વાતો સાંભળવામાં મજા આવે છે અને તેઓ આ ક્ષેત્રમાં ખુબ જ સફળ થયા છે.
***
કાર્યક્રમમાં પરાગ વોરા અને ભાવિશા વ્યાસનું સફળ સંચાલન
જામનગરમાં ગઇકાલે કેશવારાસ ખાતે આજકાલ દ્વારા ધી ઇન્ફીનીટી ગ્રુપ પ્રેઝન્ટ આજકાલ વુમન પાવર એવોર્ડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં જામનગરના જાણીતા ઉદઘોષક પરાગ વોરા અને રાજકોટના ભાવિશાબેન વ્યાસે ખુબજ સફળ સંચાલન કરીને સમગ્ર કાર્યક્રમને શાનદાર બનાવી દીધો હતો, બંને ઉદઘોષકોએ હાજર રહેલા આમંત્રીતો અને મહિલાઓને પણ ખુશ કરી દીધા હતા, આજકાલનો આ કાર્યક્રમ ખુબજ સફળ રહયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ રાશિના લોકોએ આજે નાણાકીય બાબતે ખાસ ધ્યાન રાખવું છતાં કોઈને ઉછીના આપેલા પૈસા પાછા મળી શકે છે
January 25, 2025 09:34 AMઅમિતાભ બચ્ચન બાદ હવે અક્ષય કુમારે પણ રિયલ એસ્ટેટમાંથી કમાયા આટલા કરોડ
January 24, 2025 07:45 PMશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech