ખંભાળિયા નગરપાલિકાની જનરલ બોર્ડ જમ્બો એજન્ડા સાથે આગામી સોમવારે યોજાશે

  • June 07, 2021 10:52 AM 

વિવિધ ખરીદી, યોજનાઓ તથા મંજૂરીના કુલ 52 મુદ્દાઓ એજન્ડામાં લેવાયા

    ભાજપ શાસિત ખંભાળિયા નગરપાલિકાની આગામી જનરલ બોર્ડની બેઠક આગામી સોમવાર તારીખ 14 મી ના રોજ યોજાનાર છે. 52 મુદ્દાઓ સાથેના જમ્બો એજન્ડા વારી આ સામાન્ય સભામાં અનેકવિધ પડતર મુદ્દાઓ સાથે ખરીદી તેમજ મંજૂરી સહિતની બાબતે ચર્ચાઓ બાદ વિધિવત રીતે મંજૂરીની મોહર લાગશે.

    ખંભાળિયા નગરપાલિકાના નવા વારાયેલા સદસ્યો સાથેની એજન્ડા નંબર 3 મુજબની સામાન્ય સભા સોમવાર તા. 14 મીના રોજ સાંજે ચાર વાગ્યે મ્યુનિસિપલ ગાર્ડનમાં આવેલા યોગ કેન્દ્ર ખાતે પાલિકા પ્રમુખ ભાવનાબેન જીગ્નેશભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી છે.

     અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ નગરપાલિકા કચેરીના સભાખંડ ખાતે યોજાતી જનરલ બોર્ડની બેઠક આ વખતે સૌ પ્રથમ વખત સોશિયલ ડિસ્ટન્સ સહિતના મુદ્દે પાલિકા કચેરીના પટાંગણમાં આવેલા યોગ કેન્દ્રમાં યોજવામાં આવી છે. અગાઉની બજેટ બેઠક તથા ઓનલાઈન મીટીંગ બાદ તમામ સભ્યો સાથેની આ બેઠક નવી બોડીની સૌપ્રથમ બેઠક બની રહેશે.

    આ જનરલ બોર્ડ માટે જારી કરાયેલા એજન્ડાની યાદીમાં અગાઉની મિટિંગની બહાલી તેમજ નગરપાલિકા વિસ્તારમાં સિટી બસ શરૂ કરવા, સ્ટોર વિભાગ હેઠળ પાલિકા કચેરીને સીસીટીવી સજ્જ કરવા, થોડા સમય પૂર્વે શરૂ કરાયેલી લાઇબ્રેરી માટે મેગેઝિન સહિતના પુસ્તકો વસાવવા તેમજ ઓનલાઈન રીડિંગ માટેની વ્યવસ્થા કરવા, ફિલ્ડ વર્કના કર્મચારીઓ માટે સુરક્ષાત્મક ચીજ વસ્તુઓ આપવા, સેનિટેશન વિભાગ માટે ચાર નવા છોટા હાથી (સીએનજી) વાહન તેમજ સ્પ્રે પંપ તથા નાના ફોગિંગ મશીન, રેગ પિકર્સ માટે પી.પી ઈ. કીટની ખરીદી કરવા, તેમજ ડોર ટુ ડોર કચરા કલેકશનની કામગીરી એજન્સીને સોંપવાનો મુદ્દો એજન્ડામાં લેવામાં આવ્યો છે.

    આ ઉપરાંત સેનિટેશન ઈન્સ્પેક્ટરની નિમણુંક અને સફાઈ કામદારોની ભરતી કરવા, નગરપાલિકામાં એન્જિનિયરની નિમણુંક કરવા તેમજ જુદી જુદી શાખાઓમાં આઉટસોર્સિંગથી ભરતી કરવા મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

    શહેરમાં અગાઉ વેરા વસુલાતની કામગીરી નબળી રહી હતી. તે સામે ચાલુ વર્ષે સમયસર વેરા વસુલાત અંગેનું આયોજન કરવા, જુના વેરામાં ત્રણ મહિના સુધી વ્યાજ માફીની સ્કીમ કરવા તેમજ ચાલુ વર્ષના વેરામાં ત્રણ મહિના સુધી દસ ટકા રીબેટ આપવા, ભાડાપટ્ટાની દુકાનો, કેબીનો, જમીનોનું આગામી વર્ષનું ભાડું વસુલ લેવા તેમજ વધારવાની બાબતને પણ આ એજન્ડામાં લેવામાં આવી છે.

    આ એજન્ડામાં સૌથી વધુ કામો મંજૂરીની અપેક્ષાએ બાંધકામ તથા યોજના શાખાના લેવામાં આવ્યા છે. જેમાં શહેરમાં ટીપી સ્કીમ લાગુ કરવા, શહેરની આગવી ઓળખ માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કરવા, આઈ.ટી.આઈ. નજીક એપ્રોચ રોડ સંભાળવા, શહેર વિસ્તારમાં સ્વિમિંગ પુલ બનાવવા, નવી બનેલી લાઇબ્રેરીના બિલ્ડિંગમાં લીકેજ પ્લમ્બિંગનું કામ કોન્ટ્રાક્ટર પાસે કરાવવા, શહેરમાં વૃક્ષારોપણ તથા ટ્રી ગાર્ડની ખરીદી કરવા, નગરપાલિકા ગાર્ડનની જાળવણી અંગે અગાઉ અપાયેલા કોન્ટ્રાક્ટનો ખર્ચ વધુ જણાતો હોય તે રદ કરી નવો કોન્ટ્રાક્ટ આપવા, તાલુકા જિમ સેન્ટર નગરપાલિકા હસ્તક લેવા, શહેરમાં ચાલતા વિકાસ કામો માટે વધુ એક કન્સલ્ટન્ટ એજન્સીની નિમણુંક કરવા, શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગટર- સી.સી. રોડ - પેવર બ્લોક વિગેરેના કામો વાર્ષિક મંડળી પાસે કરાવવા, જુદા જુદા વિસ્તારોમાં નવી ફૂટપાથ તથા રેલિંગ સહિતના કાચા- પાકા બાંધકામો કરવા, ગ્રાન્ટની બચતના કામોનું આયોજન કરવા, ચાર રસ્તા વિસ્તારમાં આવેલા નગરપાલિકાના હસ્તકના શોપિંગ સેન્ટરને ભાડે આપવા, ગોવિંદ તળાવને બ્યુટીફીકેશન કરવા, ઘી ડેમ પાસે આવેલા જૂના અને જર્જરીત બગીચાનું દાતાઓની મદદથી રીનોવેશન કરવા, જુદા જુદા અરજદાર પાસે રહેલી લગત તથા ભાડાપટ્ટા વાળી જગ્યા વેચાણથી આપવાના મુદ્દે આ બેઠકમાં જરૂરી નિર્ણય લેવામાં આવશે.

    ઈલેક્ટ્રીક શાખા માટે નવું ટાવર લેડર અને સ્ટ્રીટ લાઈટ ઓન- ઓફ કરવા માટે ટાઇમર ખરીદ કરવાનો મુદ્દો પણ એજન્ડામાં લેવામાં આવ્યો છે.

     અત્રે ઉલ્લેખનીય છે કે 28 સભ્યો ધરાવતી ખંભાળિયા નગરપાલિકામાં નોંધપાત્ર અને ઐતિહાસિક 24 સભ્યો ભાજપના છે. જેથી તરવરિયા અને નવા સભ્યો- હોદ્દેદારો સાથેની આ મહત્વની મનાતી પ્રથમ બેઠક વિકાસના કામોને લઈ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS