હાલારમાં લોકસભાની ચૂંટણીમાં ૩૮૬ સંવેદનશીલ મતદાન મથકો ઉપર તંત્રની રહેશે બાજ નજર

  • March 19, 2024 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુલ મતદારો ૧૮૦૮૫૧૮, નવા મતદારો ૨૯૬૪૨, જામનગરના ૧૨૪૫ અને દ્વારકા ૬૩૪ મતદાન મથકો ઉપર મતદાન થશે: તા.૪ જૂનના રોજ હરીયા કોલેજમાં ગણતરી: ડીએસઓને કાર્યપાલક મેજીસ્ટ્રેટની સતા અપાઇ

૧૨-જામનગર સંસદીય બેઠકની ચૂંટણી આવી રહી છે ત્યારે તંત્ર ચૂંટણીની કાર્યવાહીમાં લાગી ગયું છે, જિલ્લાના ૧૮૦૮૫૧૮ મતદારો છે, ૨૯૬૪૨ નવા મતદાર મથકો ઉમેરાયા છે ત્યારે ૧૮૭૯ મતદાન મથકોમાંથી ૩૮૬ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે, જો કે અતી સંવેદનશીલ મતદાન મથકની જાહેરાત કરવામાં આવી નથી. આ તમામ મતદાન મથકો ઉપર વધારાનો પોલીસ બંદોબસ્ત મુકાશે અને મતદાન પ્રક્રિયાનું વિડીયો રેર્કોડીંગ પણ કરાશે, ગૃહ વિભાગના જાહેરનામા મુજબ ચૂંટણીની કામગીરી સરળતાપૂર્વક ચાલે તે માટે જિલ્લા પૂરવઠા અધિકારીને પણ કાર્યપાલક મેજીસ્ટ્રેટની સતા સોંપી દેવામાં આવી છે, જે તા.૬ જુન સુધી અમલમાં રહેશે.
જામનગર અને દેવભુમિ દ્વારકા થઇને ૨૯૬૪૨ નવા મતદાન મથકો છે, ૧૦૦ વર્ષથી વધુ ઉંમરના ૩૭૩ મતદારો અને ૩૬ ટ્રાન્સઝેન્ડર મતદારો છે, હેલ્પલાઇન નં.૧૯૫૦ અને ૧૮૦૦-૨૩૩૩૬૪૧ ઉપર સંપર્ક કરી શકાશે, આચાર સંહીતાની કોઇપણ ફરિયાદ હોય તો લોકો ઓનલાઇન પણ ફરિયાદ કરી શકશે, તા.૪ જુનના રોજ ઓશવાળની હરીયા કોલેજમાં મત ગણતરી થવાની છે.
સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ૮૮૭૨ જેટલા કર્મચારીઓને કામગીરી આપવામાં આવી છે અને થોડા કર્મચારીઓને રિઝર્વ રાખવામાં આવ્યા છે, એવી જ રીતે ૧૮૭૯ ઇવીએમ મશીન રખાશે, ૧૦૦થી વધુ મશીનો રિઝર્વમાં રખાશે. અનેક કર્મચારીઓને હોદાની રુએ કામગીરી આપવામાં આવી છે, ખાસ કરીને આદર્શ આચાર સંહીતાનો કડક અમલ થાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ભીત ચીત્રો, બેનર, પોસ્ટર, લાઇટીંગ બોર્ડ ઉતારી લેવામાં આવ્યા છે.
છેલ્લા બે દિવસથી મેયર, સ્ટે.ચેરમેન અને શાસક પક્ષના નેતા, વિરોધ પક્ષના નેતા ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખની ગાડી પણ રિકવીઝેડ કરી લેવામાં આવી છે તે મત ગણતરી સુધી કલેકટર કચેરી હસ્તક આ તમામ વાહનો રહેશે તેમ જણાવાયું છે. ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા મતદારોને ઘેર-ઘેર સ્લીપ આપવાનું પણ આયોજન કરાયું છે અને ચૂંટણી પંચના નિયમ મુજબ પોલીસ કે વહિવટી તંત્ર જયારે કોઇ વ્યકિતનું ચેકીંગ કરે ત્યારે ૫૦ હજારથી વધુ રકમ તેની પાસેથી નિકળશે તો આ વ્યકિતએ પુરાવા રજૂ કરવાના રહેશે. મોટા ભાગના કર્મચારીઓને ચૂંટણીની ફરજમાં આવરી લેવાયા છે અને કેટલાક કર્મચારીઓની રજા રદ કરીને તેને ચૂંટણીની કામગીરી માટે રિઝર્વ રાખી દેવામાં આવ્યા છે, સમગ્ર કામગીરી દરમ્યાન જિલ્લા કલેકટર ભાવીન પંડયા, અધિક કલેકટર ભાવેશ ખેર, નાયબ ચૂંટણી અધિકારી જીલ પટેલ, ઉપરાંત કમિશ્નર ડી.એન.મોદી, ડીડીઓ વિકાસ ભારદ્વાજ, ડીએસઓ સહિતના અધિકારીઓને વિશેષ સતા આપી દેવામાં આવી છે.
ખાસ કરીને આદર્શ આચાર સંહીતા લાગુ પડી ગઇ છે ત્યારે તમામ જાહેરસભા અને લાઉડ સ્પીકરનો ઉપયોગ રાત્રીના ૧૦ વાગ્યા સુધી રહેશે, એટલું જ નહીં ફોર્મ ભરતી વખતે કલેકટર કચેરીમાં ૫ વ્યકિતને પ્રવેશ આપવામાં આવશે અને બાકીના લોકોને ૧૦૦ મીટર સુધી દુર રાખવામાં આવશે, ચૂંટણી પંચના કે.ભારતીના આદેશ મુજબ હવે બે-ત્રણ દિવસમાં જ નાણાકીય હિસાબ માટે અને અન્ય બે ઓર્બ્ઝવની જાહેરાત કરી દેવામાં આવશે. આમ જામનગર અને દેેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટરના નેજા હેઠળ ચૂંટણીની કાર્યવાહીમાં કર્મચારીઓ વ્યસ્ત થઇ ગયા છે, હજુ પણ કેટલાક કર્મચારીઓને કલેકટર દ્વારા વિશેષ સતા આપવામાં આવે તેવી પણ માહિતી મળી છે.
***
આદર્શ આચાર સંહીતાનો ચૂસ્તપણે અમલ કરાવવા અધિકારીઓને આાદેશ આપતા કલેકટર: જાહેર નાણાંનો હિસ્સો ધરાવતી તમામ સંસ્થાઓ, કચેરીઓ તથા રાજકીય પક્ષોએ ચુસ્તપણે આદર્શ આચાર સંહિતાનો અમલ કરવાનો રહેશે- જિલ્લા ચૂંટણી અધિકારી  બી.કે.પંડયા

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજવા માટેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. આથી તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજથી ભારતના ચૂંટણી પંચે બહાર પાડેલ રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે આદર્શ આચાર સંહિતા, અધિકારી તથા કર્મચારીઓની બદલી પર પ્રતિબંધ સહિતની મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટેની તમામ સૂચનાઓ અમલમાં આવેલ છે.આ સુચનાઓનો અમલ રાજ્ય સરકાર, રાજકીય પક્ષો, ઉમેદવારો, સચિવાલયના તમામ વિભાગો, ખાતાઓ, કચેરીઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, બોર્ડ/નિગમો, સહકારી મંડળીઓ વગેરે કે જેમાં જાહેર નાણાંનો જરા પણ હિસ્સો હોય તેવી તમામ સંસ્થાઓએ ચુસ્તપણે કરવાનો રહેશે.
આ સુચનાઓનો ભંગ કરનાર સામે ભારતનું ચૂંટણી પંચ, નવી દિલ્હી, મુખ્ય નિર્વાચન અધિકારી તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે ચૂંટણી અધિકારી કાર્યવાહી હાથ ધરશે. આથી આચાર સંહિતા તેમજ મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા સંબંધી ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સુચનાઓનો સર્વેને આ ચૂંટણીમાં ચુસ્તપણે અમલ કરવા  બી.કે.પંડયા, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application