આવતીકાલ શનિવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં રાત્રી રોકાણ કરવાના હોવાથી તૈયારીઓનો ધમધમાટ ચરમસીમાએ પહોંચ્યો છે, પીએમ આવતા હોવાથી આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પણ જામનગર આવીને તૈયારીઓની સમીક્ષા કરશે, બીજી બાજુ એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીના રૂટ પર ઠેર-ઠેર બેનરો લાગી ગયા છે, બેરીકેટ પર કપડા બંધાઇ ગયા છે, સર્કિટ હાઉસમાં જંગી પોલીસ કાફલા દ્વારા રિહર્સલ કરવામાં આવી રહ્યું છે અને કદાચ આજ સાંજથી એનએસજીના કમાન્ડો આવીને કબ્જો લઇ સુરક્ષા-વ્યવસ્થા સંભાળે એવી પણ પુરી શકયતા છે.
કલેકટર કેતન ઠકકરના માર્ગદર્શન નીચે વહિવટી તંત્ર દ્વારા અને પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન નીચે પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, માર્ગ પરના તમામ અવરોધો દુર કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાનને આવકારવા માટેના બેનરો ઠેર-ઠેર લાગી રહ્યા છે, જો કે આજ સવાર સુધી પણ સતાવાર રીતે વડાપ્રધાનના મીનીટ-ટુ-મીનીટના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી નથી.

રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ આવતીકાલ બપોર આસપાસ જામનગર આવી પહોંચશે અને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ કરશે, વડાપ્રધાન જામનગર આવવાના હોય તડામાર તૈયારીની સાથે કાર્યકરોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે, જો કે મુખ્યમંત્રી હજુ જામનગર કયારે આવે તે અંગે કોઇ સતાવાર કાર્યક્રમ આવ્યો નથી, પરંતુ વડાપ્રધાનના આગમન પહેલા થોડા કલાકો અગાઉ તેઓ જામનગર આવી પહોંચશે.
કોર્પોરેશન દ્વારા ગઇકાલથી જ લાલબંગલાથી ખોડીયાર કોલોની દિગ્જામ સર્કલ સુધીના તમામ સ્પીડ બ્રેકરો દુર કરવામાં આવ્યા છે, માર્ગ પરના નડતા વૃક્ષોને પણ કાઢવામાં આવી રહ્યા છે, એટલું જ નહીં રસ્તામાં આવતી અડચણ તેમજ રેકડી, પથારાવાળાઓને પણ હટાવી લેવામાં આવ્યા છે અને કપડા બાંધી દેવામાં આવ્યા છે. સોલીડ વેસ્ટ શાખા દ્વારા રસ્તા ઉપર ઢોર ન આવે તે માટે ૫૦થી વધુ કર્મચારીઓને આજથી જ રસ્તા પર મુકી દેવામાં આવ્યા છે, કેટલાક સ્થળોએ પેચવર્કની કામગીરી પણ કરવામાં આવી છે, સાતરસ્તા સર્કલમાં ઓવરબ્રિજની કામગીરી ચાલતી હોય તંત્ર દ્વારા પેચવર્કની પુરી કરવામાં આવશે.
જામનગરના બીજા સર્કિટ હાઉસને બનાવવામાં વાર લાગી હતી, પરંતુ બે દિવસથી શહેરના કલર કામ કરતા નિષ્ણાંતોને બોલાવીને બંને સર્કિટ હાઉસને કલર કરી દેવામાં આવ્યા છે, નવું વાયરીંગ અને નવી લાઇટો પણ નાખી દેવામાં આવી છે, તમામ રૂમોની સાફ-સફાઇ અને ફર્નીચરને પણ પોલીસ કરવામાં આવ્યું છે. મીનીટ-ટુ-મીનીટ કાર્યક્રમ આવ્યા બાદ આખરી ઓપ આપી દેવાશે.

આજ સવારથી લાલબંગલાથી દિગ્જામ સર્કલ સુધી કેટલાક સ્થળોએ પોલીસ, હોમગાર્ડઝ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ગુરૂદ્વારા, લાલબંગલા, સાતરસ્તા સહિતના સર્કલો પાસે અત્યારથી જ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, સાંજ સુધીમાં રાજકોટના રેન્જ આઇજી અશોક યાદવ સહિતના અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જામનગર આવી પહોંચશે અને સુરક્ષાની સમીક્ષા કરશે. જિલ્લા કલેકટર ઉપરાંત મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, ડીડીઓ વિકાસ ભારદ્વાજ, અધિક કલેકટર ભાવેશ ખેર સહિતના ઉચ્ચ અધિકારીઓ સતત પીડબલ્યુડી, પીજીવીસીએલ, કોર્પોરેશન સહિતના તંત્રના અધિકારીના સંપર્કમાં છે અને પીજીવીસીએલ દ્વારા પણ વિજ પુરવઠો ન ખોરવાય તે માટે અગમચેતીના પગલાના ભાગરૂપે હષીત વ્યાસના નેજા હેઠળ સ્પેશ્યલ ટીમ બનાવવામાં આવી છે.
જી.જી.હોસ્પિટલના સુત્રોના જણાવ્યા મુજબ ડીન ડો.નંદીની દેસાઇ, અધિક્ષક દિપક તિવારી, અધિક ડીન ડો.ચેટરજી, ડો.મનીષ મહેતા સહિતના મુખ્ય ડોકટરોની ટીમના નેજા હેઠળ વડાપ્રધાન આવવાના હોય હોસ્પિટલમાં પણ તડામાર તૈયારી શરૂ કરી દેવાઇ છે અને અમુક બેડ ખાલી રાખવામાં આવ્યા છે. આ અંગેની પણ ગઇકાલે મીટીંગ બોલાવવામાં આવી હતી અને રાજયના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ વિડીયો કોન્ફરન્સમાં જામનગરની હોસ્પિટલની સ્થિતિ અંગે ચર્ચા-વિચારણા કરી હતી.
સાંજ સુધીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો અને બહારથી પણ પોલીસના ચુનંદા જવાનો જામનગર આવી પહોંચશે અને તેમને પોઇન્ટ ફાળવી દેવામાં આવશે. આ ઉપરાંત બની શકે કે ૨૪ કલાક અગાઉ એનએસજીના કમાન્ડો અને વડાપ્રધાનની સિકયુરીટી દ્વારા સર્કિટ હાઉસનો સંપૂર્ણ રીતે કબ્જો લઇ લેવામાં આવશે, આજ સાંજ સુધી કદાચ વિશેષ કાફલો આવી શકે છે, પોલીસ તંત્રને સર્કિટહાઉસ બહારથી લઇને એરપોર્ટના માર્ગ સુધીની સુરક્ષા-વ્યવસ્થા કદાચ સોંપવામાં આવશે અને અંદરની સુરક્ષા-વ્યવસ્થા હંમેશની જેમ કમાન્ડો સંભાળી શકે છે.