દ્વારકા જિલ્લામાં હાથ ધરાયેલા પર્યટનને વેગ આપતા વિવિધ પ્રકલ્પોથી મુખ્યમંત્રીની માહિતગાર કરાયા

  • July 22, 2021 11:00 AM 

દ્વારકા જિલ્લામાં કોરોના અંગેની કામગીરી તથા શીવરાજપુર બીચ અને સિગ્નેચર બ્રિજની કામગીરીની સમીક્ષા કરાઈ

     દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્યમંત્રીની ગઈકાલની મુલાકાત દમિયાન જિલ્લામાં આવેલા શીવરાજપુર બીચની સ્થળ મુલાકાત લઈ, બીચ ખાતે ચાલતા વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું. અહીંના સરકીટ હાઉસ ખાતે જિલ્લામાં હાથ ધરાયેલી કોરોના રસીકરણની કામગીરી, શીવરાજપુર બીચના કામો અને બેટ દ્વારકા ખાતે તૈયાર થઈ રહેલા સિગ્નેચર બ્રિજની કામગીરી સંદર્ભે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી વિકાસકામો અને રસીકરણની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

     મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી રસીકરણની કામગીરીની સાથે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને  ધ્યાને લઇ હાથ ધરાયેલ આયોજન બાબતે માહિતગાર બની ઉપસ્થિત અધિકારીઓને રસીકરણની કામગીરીને ઝુંબેશના રૂપમાં હાથ ધરવા તથા પ્રત્યેક ગામમાં સો ટકા રસીકરણ થકી ગામડાઓ કોરોના સામેની લડાઈમાં નેતૃત્વ કરે તેવું કાર્ય હાથ ધરવા જણાવ્યું હતું.

    તેમણે જિલ્લાની હોસ્પિટલોના ફાયર એન.ઓ.સી.ની ચકાસણી કરી, આ બાબતે જરૂરી કામગીરી સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું.

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના પર્યટન ક્ષેત્રના વિકાસને વેગ આપતા શિવરાજપુર બીચ અને સિગ્નેચર

 બ્રિજના નિર્માણ સહિતના વિકાસ પ્રકલ્પો સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે, શિવરાજપુર બીચના ફેઝ - 1 અને ફેઝ - 2 ના કામો આગામી ઓગસ્ટ-2022 પહેલા પૂર્ણ કરવા અને બીચનો વિકાસ જળવાઈ રહે અને તે સ્વચ્છ - સુંદર બની રહે તેમજ પર્યટકોને વધુ સારી સુવિધા મળી રહે તે બાબતનું ખાસ ધ્યાન રાખવા પણ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ નિર્માણ થઇ રહેલા વિકાસ કાર્યોને ભવિષ્યની સંભવિત કુદરતી આપત્તિના સમયમાં પણ કોઈપણ પ્રકારની ક્ષતિ ન થાય એ પ્રકારના આયોજન બદ્ધ કાર્ય કરવા પર ભાર મૂક્યો હતો.

આ તકે નડાબેટ ઈન્ડો - પાક બોર્ડરના વિકાસ અર્થે હાથ ધરાયેલ કામગીરીથી માહિતગાર બની તેમણે જરૂરી સૂચનો કર્યા હતા.

    બેઠકમાં ઉપસ્થિત પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ દ્વારકા જિલ્લાના વિકાસ અર્થે જરૂરી સૂચનો કર્યા હતા.

આ તકે પ્રવાસન વિભાગના સચિવ હારિત શુક્લા અને મેનેજીંગ ડિરેકટર જેનું દેવને પ્રવાસન વિભાગ દ્વારા જિલ્લાના પ્રવાસનને વેગ આપવા હાથ ધરાયેલ કાર્યોની વિસ્તૃત રૂપરેખા આપી હતી.

દ્વારકા ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, નાયબ પોલીસ મહાનિર્દેશક શ્રી સંદીપસિંઘ, જિલ્લા પોલીસ અધિક્ષક સુનીલ જોશી, નિવાસી અધિક કલેકટર કે.એન.જાની સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS