હલકી ગુણવત્તાના દારૂગોળાથી આર્મીએ 6 વર્ષમાં ગુમાવ્યા 27 સૈનિકો: 960 કરોડ રૂપિયાનું નુકસાન

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંરક્ષણ મંત્રાલય હેઠળ આવતા ઓર્ડિનેન્સ ફેક્ટ્રી બોર્ડમાંથી લેવામાં આવેલ સામાનની હલકી ગુણવત્તાને કારણે આર્મીએ વર્ષ 2014 થી 19 દરમિયાન છેલ્લા 6 વર્ષમાં 27 સૈનિકોને ગુમાવ્યા છે અને 146 સૈનિકોને ઈજા પહોંચી છે. આ વર્ષે બનેલ દુર્ઘટનામાં 13 સૈનિકો ઘાયલ થયા છે.

 

એક મિડિયા વેબસાઈટના અહેવાલ અનુસાર છ વર્ષોમાં જેની એક્સ્પાઈરી ડેટ પૂર્ણ ના થઈ હોય એવા 960 કરોડ રૂપિયાની કિંમતના દારૂગોળા પણ નષ્ટ કરવા પડ્યા છે. આ વિગતો આર્મીની એક ઈન્ટરનલ રિપોર્ટમાં ઉલ્લેખ થયેલ જોવા મળી છે. જેમાં કહેવાયું છે કે છેલ્લા છ વર્ષમાં ખરાબ, હલકી ગુણવત્તા દારૂગોળાના કારણે 403 દુર્ઘટના ઘટી છે.

 

વધુ મળતી વિગતો અનુસાર ઉત્પાદનની ખરાબ ક્વોલિટીના કારણે દર વર્ષે અનેક વિસ્ફોટ અને દુર્ઘટના બને છે. વર્ષ 2014માં 114 વાર, 2015માં 86 વાર, 2016માં 60 વાર, 2017માં 53 વાર, 2018માં 78 વાર અને 2019માં 16 વાર દારૂગોળાથી વિસ્ફોટ થઈ ચુક્યા છે અને અનેક સૈનિકો તેનો ભોગ બની ચુક્યા છે.

 

ખરાબ ક્વોલિટીના કારણે દારૂગોળાનો મોટો જથ્થો નષ્ટ કરવો પડ્યો છે. એપ્રિલ 2014 થી 2019 સુધીમાં 658.58 કરોડ રૂપિયાનો દારૂગોળો નષ્ટ કરવો પડ્યો. મે 2016માં પુલગાવમાં સેન્ટ્રલ એમ્યુનિશન ડેપોમાં માઈન ફાટવાની દુર્ઘટના બાદ 303.23 કરોડ રૂપિયાની કિંમતની માઈન્સ નષ્ટ કરવી પડી હતી.

 

ઓએફબીના કોર્પોરેટાઈઝનની પ્રક્રિયા પણ ચાલી રહી છે. જેનો શરૂઆતમાં ટ્રેડ યુનિયને વિરોધ કર્યો હતો અને તેમનું કહેવું હતું કે, ‘આ ખાનગીકરણની દિશામાં પહેલું ડગલું છે.’ આ બાબતે અનેક વાર હડતાલ પણ થઈ ચુકી છે. જો કે સરકારે આશ્વાસન આપતા કર્મચારીઓએ પોતાની હડતાલ પરત ખેંચી હતી. દારૂગોળાની ગુણવત્તામાં બેદરકારી એ દેશના સૈનિકોની સુરક્ષા સામે, દેશની સુરક્ષા સામે સવાલ ઉભો કરે છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS