જામનગરના સમસ્ત ભાનુશાલી જ્ઞાતિના કુળદેવી હિંગલાજ માતાજી એવમ સદ્ગુરુદેવ ઓધવરામ મહારાજ, વાલરામ મહારાજ, વ્હાલરામેશ્વર મહાદેવ, શીતલા માતાજી તથા શ્રીકૃષ્ણ ભગવાનના મંદિરોના પાટોત્સવનો દ્વિ-દિવસીય પ્રસંગ તા. ૧૯ અને ૨૦ એપ્રિલના દિવસે ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો.
પરમ પૂજય સંત હરિદાસજી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શ્રી મંદિરોના પાટોત્સવ પ્રસંગે તારીખ ૧૯/૦૪/૨૫ શનિવાર રાત્રે ૧૦ થી ૨ દરમ્યાન ૫૮ દિ પ્લોટ, સમાજની વાડી પાસે ભવ્ય સંતવાણી નું આયોજન થયું હતું.જેમાં મુંબઈના ભજનિક જીતુભાઈ વિશરીયા તથા દિપકભાઈ ભદ્રા સંતવાણી એ રસપાન કરાવ્યું હતું.
તારીખ ૨૦/૦૪/૨૫ ના વહેલી સવાર થી હોમયજ્ઞ વસ્ત્રાભૂષણ શણગાર, નુતન ધ્વજારોહણ, મહાઆરતી ના ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. સાંજે ૪ વાગ્યે ઓધવજ્યોત રથ જે હરીદ્વાર થી પ્રસ્થાન થયું છે તેનું સામૈયું કરી પૂજા , ૫ વાગ્યે સમસ્ત ભાનુશાલી ભાવિકોની ઉપસ્થિતિમાં ઓધવધામ થી શોભાયાત્રા નીકળી હતી. જે હિરજી મિસ્ત્રી રોડ થઈ સત્યમ કોલોની અંડર બ્રીજ પાસે આવેલા ઓધવભાનુ પાર્ટીપ્લોટ ખાતે સંપન્ન થઇ હતી.
આ શોભાયાત્રા માં હજારો ભાવિકો, શણગારેલા રથ, ડી.જે.ના સંગીત સુરાવલીઓ સાથે સૌર્ય ગીતો, ભક્તિ ગીતો ના નાદ સાથે વિવિધ માર્ગો ઉપર થી પસાર થઈ હતી. આ શોભાયાત્રા માં ભાનુશાલી સમાજની બાળાઓ ખાસ વેશભૂષા માં સજ્જ થઈ ને દેશભક્તિ ની કૃતિઓ રજુ કરી હતી.
સાંજે ૭.૩૦ વાગ્યે શોભાયાત્રા પૂર્ણ થઇ હતી. બાદ ૪૧ માં મંદિર પાટોત્સવ આર્થિક અનુદાન આપનાર ભાનુશાલી પરિવારો તથા સમાજના દાતા ઓ માટે સત્કાર સમારોહ યોજવામાં આવેલ છે. પંદર હજાર જેટલા જ્ઞાતિજનો માટે મહાપ્રસાદ રૂપી ભોજન ની વ્યવસ્થા ભાનુપાર્ટીપ્લોટ ખાતે કરવામાં આવી હતી.
પ્રત્યેક ભાનુશાલી વર્ષભર આતુરતાથી રાહ જોતા હોય છે. તેવા ઓધવધામના શ્રી મંદિરોનો પાટોત્સવ પ્રસંગ સૌના ઉત્સાહ ઉમંગ સાથે રાત્રે સંપન્ન થઇ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમાજના પ્રમુખ મનીષભાઈ કટારીયા ની આગેવાની હેઠળ કારોબારી કમીટીએ જહેમત ઉઠાવી હતી . તેમ સુરેશભાઈ આલારીયા ( મંત્રી - કચ્છી ભાનુશાલી સમાજ જામનગર ) ની યાદીમાં જણાવાયું છે