થેન્ક્ યુ પીએમ: રાજકોટ એઈમ્સમાં સારવારનો ચાર્જ રૂ.૩૫

  • February 24, 2024 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર-કચ્છના દર્દીઓ માટે આરોગ્યક્ષેત્રે અનેકગણી સુવિધા પૂરી પાડનાર રાજકોટ એઇમ્સનું વડાપ્રધાન મોદીના હસ્તે તા.૨૫ને રવિવારના રોજ લોકાર્પણ થનાર છે. એઇમ્સની સેવા, દર્દીઓને મળતી સારવાર-સુવિધાઓ તેમજ નર્સિંગ અને તબીબી વિધાર્થીઓ માટેની મેડિકલ અભ્યાસની વિશિષ્ટતા અંગેની જાણકારી માટે આજરોજ એઇમ્સ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં એઈમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો.કર્નલ સી.ડી.એચ. કટોચ અને ડે.ડાયરેક્ટર ડો. કર્નલ પુનિત અરોરાએ માહિતી આપતા કહ્યું હતું કે, રાજકોટ સહીત દેશની પાંચ એઇમ્સનું વડાપ્રધાન મોદી લોકાર્પણ કરવાના છે. જે દેશના આરોગ્ય ક્ષેત્રે ખુબ મોટી ઉપલબ્ધી બનશે. દર્દીઓની લેસ માત્ર સારવાર નહીં બલ્કે મેડિકલ ક્ષેત્રે રિસર્ચમાં પણ અનેક સિધ્ધીઓએ પ્ર્રાપ્ત થશે.
​​​​​​​
રાજકોટ એઇમ્સમાં ૩૧ ડિસેમ્બરથી ઓપીડી સારવાર શરૂ કરવામાં આવી હતી અત્યાર સુધીમાં ૧,૪૪,૬૧૪ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. જયારે મુખ્ય ગણાતી મલ્ટી સ્પેશ્યાલિટી ૨૫૦ બેડ સાથેની આઇપીડી (દાખલ) સાથેની સારવાર વડાપ્રધાનના લોકાર્પણ બાદ માર્ચના પ્રારંભથી શરૂ થઇ જશે. જેમાં ૩૦ બેડ આયુર્વેદિક સારવાર માટે અલાયદા રાખવામાં આવ્યા છે. ઈમરર્જન્સી અને ટ્રોમા વિભાગની સાથે ઓર્થોપેડિક, જનરલ સર્જરી, ઓબ્સેસટ્રીક, ગાયનેક, ઈએનટી, ઓપ્થલ, ડેન્ટલની સર્જરી કરવામાં આવશે. આ ઉપરાંત એમ.આર.આઈ. અલ્ટ્રા સોનોગ્રાફી, ડિજિટલ એક્સ-રે અને વિવિધ લેબના રિપોર્ટ પણ નજીવા દરે કરવામાં આવશે. અહીં દાખલ દર્દીઓને પ્રથમ એક વખત દાખલ ચાર્જ રૂ. ૨૫ ભરી જનરલ વોર્ડમાં પ્રતિ દિવસ માત્ર રૂ.૩૫નો ચાર્જ ચૂકવવાનો રહેશે. એઇમ્સમાં દર્દીઓના સ્વજનને રહેવા-જમવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત જેનરિક મેડિકલ સ્ટોર્સ પણ ઉપલબ્ધ હોવાથી દર્દીઓના પરિવારજનોને બહાર દવા લેવા માટે પણ જવું નહીં પડે. એક જગ્યા થી બીજી જગ્યાએ દર્દીને લઇ જવા ઈ-રીક્ષાની વ્યવસ્થા છે. 
આવતા દિવસોમાં એઇમ્સ ગુજરાતનું આરોગ્ય મોડેલ બનીને ઉભરી આવે એ પ્રકારની કામગીરી એઇમ્સની ટીમ દ્વારા કરવામાં આવી રહી હોવાનું અંતમાં ઉમેર્યું હતું.


ખંઢેરી ફાટકે રેલવે સ્ટોપ આપવા રજૂઆત કરાઈ
એઈમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. સી.ડી.એચ.કટોચએ જણાવ્યું હતું કે, એઇમ્સમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓને લાભ મળી શકે અને ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થામાં કોઈ અગવડતા ન પડે માટે ખંઢેરી ફાટક પાસે રેલવે વિભાગને તમામ ટ્રેનનો સ્ટોપ આપવા માટે જણાવાયું છે. જેથી કરીને જામનગર, સોમનાથ, દ્વારકા તરફથી આવતા દર્દીઓને એઇમ્સ નજીક પડે આ ઉપરાંત અહીં ઓવર બ્રિજ બનાવવા માટેની ગ્રાન્ટ ફાળવવામા આવી છે. હાલ મોરબી તરફ અને જામનગર રોડ બંને રસ્તાઓ એઇમ્સ સાથે કનેક્ટિવિટી ધરાવી રહ્યા છે. જયારે સીટી વિસ્તારમાં હાલ બે બસ ની વ્યવસ્થા કાર્યરત છે, ઇમર્જન્સી માટે ત્રણ હેલિપેડ પણ બનાવાયા છે. આ ઉપરાંત એર એબ્યુલન્સની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application