જામનગરમાં આકાશી વિજળી પડતા કિશોરનું મોત: વોડીસાંગ ડેમ પર દોઢ ઇંચ

  • July 16, 2021 10:46 AM 

જામજોધપુર, વાંસજાળીયા, વસઇ તેમજ સપડા ડેમ, રણજીતસાગર, વિજરખી, ડાયમીણસર, વાગડીયા ડેમ પર અડધો-અડધો ઇંચ અને જામનગરમાં વરસાદના અવાર નવાર ઝાપટા : વરસાદમાં ન્હાવા નીકળેલા વાયુનગરના કિશોરને મોત ભેટી ગયું : શહેરમાં ગઇકાલે સાંજે વિજળીના કડાકા ભડાકા થતા લોકો ધ્રુજી ઉઠયા : વરસાદી વાતાવરણ જામ્યુ પરંતુ પરંતુ મેઘો હાથતાલી દઇ છટકી ગયો

મેઘરાજાએ ગઇકાલે જામનગર ઉપર ભારે ડોળ કર્યો હતો, સાંજે 6 વાગ્યા બાદ એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને આકાશમાંથી વિજળીના કડાકા ભડાકા જોવા મળ્યા હતા લોકો ધ્રુજી ઉઠયા હતા અને વરસાદ શ થયો હતો આ વરસાદમાં ન્હાવા માટે નીકળેલા વાયુનગરમાં રહેતા 14 વર્ષના કિશોર ઉપર એકાએક વિજળી પડતા તેનું મૃત્યુ થયુ હતું, બીજી તરફ જામનગરમાં અવાર નવાર ઝાપટા પડયા હતા, મેઘો હાથતાળી દઇને છટકી ગયો હતો, જામજોધપુર, વાંસજાળીયા, વસઇ તેમજ સપડા ડેમ, રણજીતસાગર, વિજરખી, ડાયમીણસર, વાગડીયા ડેમ પર અડધો-અડધો ઇંચ વરસાદ પડયો હતો જયારે લાખાબાવળમાં વરસાદી ઝાપટા પડયા હતા.

જામનગર શહેરમાં ગઇકાલે સાંજે 6 વાગ્યા બાદ વાતાવરણમાં એકા એક પલ્ટો આવ્યો હતો, થોડી વારમાં જ વિજળીના ભારે કડાકા ભડાકા થયા હતા, એકાએક વરસાદી વાતાવરણ થયુ હતું અને હમણાં જ મેઘો તુટી પડશે તેવું જણાયુ હતું, આ વરસાદ શ થતા જ વાયુનગરમાં રહેતા ગોગનભાઇના 14 વર્ષના પુત્ર ભરત ગોગનભાઇ ભાટીયા ઉપર આકાશી વિજળી પડતા તેનું પલભરમાં જ મોત થઇ ગયુ હતું, સ્થાનીક લોકોએ તાત્કાલીક અસરથી 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી પરંતુ ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

જામજોધપુરમાં ગઇકાલે અવાર નવાર તડકા છાંયા જેવું વાતાવરણ જોવા મળ્યુ હતું, આખા દિવસ દરમ્યાન વરસાદના ઝાપટા પડયા હતા અને અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો, જયારે વાંસજાળીયામાં પણ વિજળીના ભારે કડાકા ભડાકા થયા હતા પરંતુ માત્ર અડધો ઇંચ વરસાદ પડયો હતો. જયારે વસઇમાં  અડધો અને આજુબાજુના વિસ્તારમાં પણ અડધાથી પોણો ઇંચ વરસાદ પડયાના વાવડ મળ્યા છે.

જામનગર શહેરમાં મેઘરાજાએ જાણે કે ન વરસવાની બાધા લીધી હોય તેવું લાગ્યુ હતું, ગઇકાલે સાંજે વરસાદી માહોલ બરોબર જામ્યો હતો અને બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ ત્રાટકશે તેવુ વાતાવરણ જોવા મળ્યુ હતું 6 થી 7 દરમ્યાન અનેક વખત ભારે ગાજવીજ થઇ હતી પરંતુ મેઘો માત્ર ઝાપટા વરસાવી ચાલ્યો ગયો હતો, જો કે થોડો સમય લોકોને ગરમીથી રાહત થઇ હતી, આજે સવારે ફરીથી ઉઘાટ નીકળ્યો છે. જીલ્લાના ગામડાઓમાં અન્ય જગ્યાઓએ કયાંય નોંધપાત્ર વરસાદ પડયો નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS